વર્કિંગ કમિટીની બેઠકમાં લોકસભા ચૂંટણીને લઇ દર બે મહિને રાજકીય પરિસ્થિતિ અને પોલિસી ઘડતરનું વિશ્ર્લેષણ કરવાનો નિર્ણય
કોંગ્રેસમાં મહત્વના નિર્ણયો લેનાર વર્કિંગ કમીટીની બેઠકમાં રાજકીય અને પોલિસી ઘડતરની બાબતો અંગે દર બે મહિને પૃથ્થકરણ કરવાનું નકકી કરાયું છે. ૨૦૧૯ લોકસભાને લઇને કોંગ્રેસની વર્કિંગ કમીટીની બેઠકમાં વિવિધ ફેંસલા કરાયા છે. ઓકટોબર માસમાં રાહુલ ગાંધીને કોંગ્રેસ અઘ્યક્ષ બનાવવામાં આવે તેવી પુરેપુરી શક્યતા છે. અલબત, ગઇકાલની બેઠકમાં ટીમ રાહુલને સમગ્ર પક્ષ એક સૂરમાં વાત કરે તે જવારદારી સોંપવામાં આવી છે.
કોંગ્રેસ વર્કિંગ કમીટીની સબ કમીટીની કમાન ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધીના હાથમાં રહેશે. તેઓ સંસદની અંદર અને બહાર વિરોધપક્ષો સાથે સરકારનો કઇ બાબતે વિરોધ કરવો તે અંગેની રણનીતિ ઘડશે. સબ કમીટીને વિરોધ પક્ષો સાથે સંકલન સાધવા ઉપરાંત પક્ષના તમામ નાના થી મોટા નેતાઓ એક સૂરમાં વાત કરે તે નિશ્ર્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
હાલ કોંગ્રેસમાં નેતાઓ કોઇ એક વાત ઉપર ભિન્ન-ભિન્ન સૂચનો કરતા હોય પક્ષની છબી ખરડાતી હોવાથી હવે આવા બનાવો રોકવાનો પ્રયત્ન થશે. ૨૦૧૯ લોકસભાને લઇ વર્કિંગ કમીટીએ દર બે મહિને પાર્ટીને રાજકીય અને પોલિસી ઘડતર બાબતોનું વિશ્ર્લેષણ કરવાનું નક્કી કર્યુ છે. આ બેઠકમાં કોંગ્રેસના અઘ્યક્ષની ચૂંટણીને પાછી લઇ જવાની દલીલ પણ થઇ છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાતથી લઇ અન્ય રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓનું બીડું ટીમ રાહુલને સોંપવામાં આવ્યું છે. એક રીતે હાલ રાહુલ ગાંધીના હાથમાં કોંગ્રેસની કમાન છે. સત્તાવાર રીતે રાહુલને ઓક્ટોબર માસમાં અઘ્યક્ષ બનાવવામાં આવશે તેવુ જાણવા મળે છે. અલબત, ઓકટોબર માસની નજીક ગુજરાત વિધાનસભા ચૂંટણી હોવાથી રાહુલ ગાંધી માટે આ જવાબદારી સહેલી રહેશે નહીં તે હકીકત છે.યુવરાજને પક્ષ એક સૂરમાં બોલે તે સુનિશ્ર્ચિત કરવાની જવાબદારી સોંપાઇ