આ યોજના લાગુ પાડવામાં આવે તો સરકારે નિયમોનુંસાર લઘુતમ દૈનિક મજુરી રૂ.૩૨૧ પ્રતિ દિવસ લેખે દર માસે એક વ્યકિતને ૯,૬૩૦ રૂ. ચુકવવા પડે તે વિવિધ સબસિડીઓ આપતી સરકારી તિજોરીને પરવડે નહીં તેવો અર્થ શાસ્ત્રીઓનો મત
આગામી લોકસભાની ચૂંટણી આડે હવે થોડા મહિનાઓ જ બાકી છે. ત્યારે મોદી સરકારને હરાવવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધીએ કમરકસી છે. જેના ભાગરૂપે તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીના‘ગરીબી હટાવો’ના સૂત્રને ફરી યાદ કરીને રાહુલે દરેક પરિવારના એક સભ્યને લઘુતમ આવક આપવાની ગેરંટી આપતુ વચન આપ્યું હતુ એક ગણતરી મુજબ હાલ દેશમાં ૨૫ ટકા ગરીબ પરિવારો વસે છે. આ તમામ ગરીબ પરિવારોના એક સભ્યને લઘુતમ આવક આપવામાં આવે તો સરકાર પર ૭ લાખ કરોડ રૂપીયાનો બોજો આવે તેવો અંદાજ માંડવામાં આવ્યો છે.
હાલમાં, સરકારનાં નિયમો મુજબ હવે લઘુતમ દૈનિક પગાર ૩૨૧ રૂ. છે તે મુજબ માસિક ૯૬૩૦ રૂ.નો પગાર થાય છે જે કેન્દ્ર સરકારે અકુશળ ખેત મજૂરો માટે નકકી કરેલ છે. ૧૮ થી૩૦ ટકા ગરીબ ઘરોને ટારગેટ કરવામાં આવે તો આ ખર્ચ ૫ કરોડ રૂ.થી વધારે થવાની સંભાવના છે. આ અંગેનો સંકેત પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે એક ઈન્ટરવ્યુમાં આપ્યો હતો. આ પહેલા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતુ કે તેમની પાર્ટી લોકસભાની ચૂંટણી જીતી જશે તો તે દરેક પરિવારોને લઘુતમ આવકની ગેરંટી સુનિશ્ચીત કરશે જોકે, રાહુલે પોતાની આ વચન અંગે વધારે કાંઈ જણાવ્યું નથી.
પરંતુ, સમાજના ગરીબ પરિવારો માટે આ યોજના લાગુ કરવાથી સરકાર પર આર્થિક બોજો વધવાની શકયતા છે. કારણ કે સરકાર ગરીબ પરિવારો માટે ભોજનથી લઈને ખાતર સહિતની અનેક ચીજવસ્તુઓમાં સબસીડી આપે છે. બે વર્ષ પહેલા ઉપલબ્ધ સુવિધાઓના આધારે થયેલા આર્થિક સર્વેક્ષણમાં ૭૫ ટકા પરિવારોને ૭૬૨૦ રૂ. આપવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જેનાથી દરેક વ્યકિત ગરીબી રેખાથી ઉપરનું જીવન જીવી શકે પરંતુ તેને લાગુ કરી શકાયું ન હતુ. કારણ કે તેનાથી સરકારી તિજોરી પર વધારે ભાર આવે તેવી સંભાવના હતી અને તે માટે સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અપાતી સબસીડી દૂર કરી શકે તેમ ન હતી.
આ સર્વેમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું હતુ કે જીડીપી ૪.૯ ટકા રહેશે સાથે તેવી પણ સલાહ આપવામાં આવી હતી કેજો ૨૫ ટકા ઘરોમાં પાંચ સભ્યોને લઘુતમ આવકની ગેરંટી આપવામાં આવે તો તેનો વાર્ષિક ખર્ચ ૨.૪ થી ૨.૫ લાખ કરોડ રૂ. આવવાની સંભાવના હતી. આ પરિવારોના પાંચ સભ્યોને પ્રતિમાસ ૩,૧૧૮૦ રૂ દેવમાં આવે તો સરકારનો ખર્ચ ૧.૭૫ કરોડ રૂ જેટલો આવવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આ યોજનાને લાગુ કરવાને લઈને અનેક પ્રકારની ચિંતા પણ સરકાર પર હતી. ખાસ કરીને આવા ગરીબ પરિવારોને ઓળખવાનો ! જો કે, પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે આ યોજનાને લાગુ કરી શકાય તેમ છે. તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
તેમણે એવી સલાહ આપી હતી કે જે લોકો પાસે એસી, કાર અને એક નિશ્ચીત બેંક બેલેન્સ છે તેમને આ યોજનાનો લાભ આપવા. ન જોઈએ તેમને તે માટે આવા લાભાર્થીઓની યાદી પણ સાર્વજનીક રીતે પ્રસિધ્ધ કરીને લાભાર્થીઓના નામ જાહેર કરવાની ભલામણ પણ કરી હતી.
કોંગ્રેસે જાહેર કરેલા લઘુતમ આવક ગેરેન્ટી યોજનામાં દેશના ૨૫% ગરીબ પરીવારોના ઓછામાં ઓછા એક સભ્યને લઘુતમ આવક યોજનામાં જોડીને ગરીબોના આર્થિક વિકાસ માટે સાત લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. કોંગ્રેસની આ યોજનામાં પ્રત્યેક વ્યકિતને રોજના ૩૨૧ રૂપિયા અને મહિનાના ૯૬૩૦ રૂપિયાની રોજગારી આપવામાં આવશે. શ્રમજીવી મજુરો, બિનતાલીમ ખેત મજુરો માટે પાંચ લાખ કરોડ રૂપિયાની આ ધનરાશી ૧૮ થી ૨૦ ટકા ગરીબ અને આર્થિક પછાત પરીવારોને આ યોજનામાં આવરી લેવામાં આવશે. પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ દ્વારા એક ઈન્ટરવ્યુમાં આ યોજનાની જાણકારી આપી હતી. રાહુલ ગાંધી ગરીબ પરીવારો માટે લઘુતમ આવકની યોજનાની જાહેરાત કરી હતી. કોંગ્રેસે જાહેરાત કરી હતી કે જો તેમનો પક્ષ લોકસભાની ચુંટણી બાદ સતામાં આવશે તો દેશમાં ગરીબોને માસિક ૯૬૩૦ની આવકની આ યોજના અમલ કરવાની જાહેરાત કરી હતી.
કોંગ્રેસ ઉધોગપતિઓની વિરોધી નથી પણ લાગવગ ન ચાલે: રાહુલ ગાંધી
કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ઉધોગપતિઓ પરના રાજકીય પ્રહારો અને ચુનંદા કોપરેટ માંધાતાઓ સામેના આક્રમક વલણ વચ્ચે જાહેર કર્યું હતું કે કોંગ્રેસ ઉધોગપતિઓની વિરોધી નથી પણ દેશમાં લાગવગ અને રાજકારણના સથવારે ખોટા લાભ લુંટનારા સામે કોંગ્રેસ હંમેશા લડત આપે છે.
નવીદિલ્હી ખાતે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર તેમના માનીતા ઉધોગપતિઓ સામે લાભ ખટાવે છે તે ન ચાલે. રાહુલ ગાંધી રાફેલ મુદ્દે અને ઉધોગપતિ અનિલ અંબાણી સામે યુવા કોંગ્રેસની સભામાં પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મારે ઉધોગપતિઓને કહેવાનું કે મહેરબાની કરીને કોંગ્રેસને ઉધોગ વિરોધી ગણોમાં, કોંગ્રેસ માત્ર લાગવગનો વિરોધ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ-દસ મિત્રો જેમ કે, અનિલ અંબાણી, નિરવ મોદી, મેહુલ ચોકસી કે જેમણે લાયકાત વગર કે સ્પર્ધા વિના ગંજાવર નાણા મેળવી લીધા અમે તેમના વિરોધી છીએ.
તેમણે કહ્યું કે, કોંગ્રેસ માને છે અને સમજે છે કે ખેડુતો પ્રમાણિક ઉધોગપતિઓ, નાના મધ્યમ વર્ગના વેપારીઓ જ દેશ બનાવે છે. લઘુ અને મધ્યમ ઉધોગ રોજગારી વધારે છે. ભારત અત્યારે ચીનની હરિફાઈ કરે છે પરંતુ મોદીના જીએસટીએ દેશની કમર તોડી નાખી છે. રાહુલ ગાંધીએ ઉધોગપતિઓના નામ લઈને આક્ષેપ કર્યો હતો કે મોદી તેમના માનિતા ઉધોગપતિઓને કોઈપણ જાતની સ્પર્ધા કે ચકાસણી વગર ગંજાવર આર્થિક ફાયદા કરી રહી છે. કોંગ્રેસ ઉધોગપતિઓની વિરોધી નથી પણ લાગવગ નહીં ચાલવા દે. તેમણે વધુ એકવાર કોંગ્રેસના એ વચનને દોહરાવવું હતું કે જેમાં પાર્ટીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારો માટે લઘુતમ આર્થિક આવક અને ગરીબોની સાચી સાથી એવી મનરેગાની યોજના દેશની જીવાદોરી ગણાવી હતી.
કેન્દ્ર સરકાર મધ્યમવર્ગને રાહત આપવા ઈન્કમટેકસમાં છુટ આપશે
કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બજેટનું વલણ આર્થિક મંદિરના દોરમાં મધ્યમ વર્ગના કરદાતાઓ અને નાના વ્યવસાયકારો માટે હાથ જાલનારો બનીને થોકબંધ કર રાહતો સાથે ઉનાળામાં આવનારી ચૂંટણીઓને ધ્યાને લઈ બજેટમાં મધ્યમ વર્ગના લોકો માટે અનેક રાહતોનું પટારૂ ખુલે તેવું દેખાઈ રહ્યું છે.
શુક્રવારે દેશના નાણામંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટના પટારામાંથી કેવો હલવો બહાર આવશે તે હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ એટલું નકકી માનવામાં આવે છે કે, આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ આ બજેટમાં સરકાર દ્વારા મધ્યમ વર્ગના લોકોને થોકબંધ રાહતોથી નવાજવાની તૈયારી કરી રહ્યું છે.
કેન્દ્ર સરકાર ઘણા લાંબા સમયથી કર માળખામાં સુધારા કરવાની તૈયારી કરી છે અને ૨૦૧૮ના બજેટમાં કેટલાક સુધારાઓ પણ કરવામાં આવ્યા હતા. સરકાર દેશના કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ટેકાની વસુલાતની સાથે-સાથે કરદાતાના ખિસ્સામાં પણ કેટલાક નાણા રહે તેવું વલણ અપનાવતી દેખાય છે.
સરકારે આયુષ્યમાન ભારત યોજના જેવી યોજનાઓમાં લોક કલ્યાણ માટે નાણા વાપરવા અને જીએસટી કર માળખામાં રાહત આપીને પ્રજાને છૂટ આપવાનું અભિગમ કેળવી રહી છે.
૨૦૧૪માં કેન્દ્રિય નાણામંત્રી પી.ચિદમ્બરમે આર્થિક ઉદારતાના પગલાઓ અને પ્રજાજનોને રાહત આપવા પરોક્ષ રીતે ઉઘરાવવામાં આવતા કરમાં અનેક રાહતો આપવાનું શ‚ કર્યું હતું. તેમણે નવા બજેટ અને વર્ષ પૂરું થવાની રાહ જોયા વગર અધ્ધ વચ્ચેથી જ લોકરંજક પગલાઓ બજેટની રાહ જોયા વગર જુલાઈ ૨૦૦૯માં ઘણી રાહતો આપી હતી. પ્રણવ મુખર્જીએ સંસદની ચર્ચા દરમ્યાન આ જાહેરાત કરી હતી.
આ વખતે આર્થિક સુધારાઓની ચર્ચા અને વેપાર-ઉદ્યોગ અને ખેતીના વિકાસ માટે સરકારના વલણ અંગે નાણામંત્રી પિયુષ ગોયલે પોતાની બજેટની જાહેરાત પહેલા જ દેશને ખુશખબર આપી દીધી છે. સમગ્ર દેશને અત્યારે એ વાતનો ઈન્તેજાર છે કે નાણામંત્રી કરદાતાઓને અને આમ-આદમીને ટેક્ષ ડિડેકશનમાં કેવી રાહતો આપે છે.
આરોગ્ય વિમાની યોજના માટે નાગરિકોને પ્રોત્સાહન મળે તેવી જોગવાઈઓની સાથે સાથે આ બજેટમાં આર્થિક પછાત સવર્ણોને પણ રાહતો મળે તે માટે સરકારના પ્રયત્નો સંભવિત રીતે વિપક્ષો વિરોધ કરે તેવી શકયતા દેખાઈ રહી છે.
બજેટમાં કરદાતાઓને રાહત મળે તેવું દેખાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બજેટમાં નિશ્ચીતપણે રાહતના સંકેતો આપ્યા છે. ત્યારે વરિષ્ઠ મંત્રી અરૂણ જેટલીએ બજેટ પૂર્વે જ આર્થિક સુધારાઓની શકયતા દર્શાવી છે.
બજેટના પટારામાંથી શું નિકળશે ? તે નકકી નથી પરંતુ ૨૦૧૯ની ચૂંટણી પહેલાનું આ બજેટ કર માળખામાં વધુને વધુ નવા કરદાતાઓની ઉમેરણી આર્થિક પછાત સવર્ણો અને નાના અને મધ્યમ વર્ગના નાગરિકોને લાભ આપનારા એક સુધારો નિશ્ચીત બન્યું છે.