રાહુલ ગાંધીની ગેરહાજરી મુદ્દે પણ શાસકે સવાલો ઉઠાવ્યા, સામે વિપક્ષે અદાણી મુદ્દો ચગાવ્યો
રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપરથી કરેલા નિવેદનોનો મુદ્દો સંસદમાં સતત બે દિવસથી ગાજી રહ્યો છે.જેને પગલે સાશક અને વિપક્ષના હોબાળાને કારણે સંસદના ગૃહો સતત બે દિવસથી સ્થગિત થઈ રહ્યા છે.
સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના બીજા દિવસે પણ હોબાળો જોવા મળ્યો હતો. એક તરફ શાસક પક્ષે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના લંડનમાં ભાષણને લઈને હોબાળો મચાવ્યો હતો અને માફીની માંગણી કરી હતી. બીજી તરફ, વિપક્ષે અદાણી-હિંડનબર્ગ કેસમાં જેપીસીની માંગ ઉઠાવી હતી.
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્રની કાર્યવાહી શરૂ થતાં પહેલા સંસદમાં કેન્દ્રીય પ્રધાનો પ્રહલાદ જોશી, પીયૂષ ગોયલ, નરેન્દ્ર સિંહ તોમર, કિરેન રિજિજુ, અનુરાગ ઠાકુર અને નીતિન ગડકરી સહિત અનેક ટોચના પ્રધાનો સાથે બેઠક યોજી હતી. જ્યારે સંસદમાં સમાન વિચારધારા ધરાવતા વિરોધ પક્ષોની બેઠક પણ યોજાઈ હતી.
સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. જે 6 એપ્રિલ સુધી ચાલશે. આવી સ્થિતિમાં સોમવારથી શરૂ થયેલા સત્રમાં જ્યાં બીજેપી રાહુલ ગાંધીના વિદેશમાં આપેલા નિવેદન પર કોંગ્રેસ નેતા પાસેથી માફીની માંગ કરી રહી છે તો બીજી તરફ અદાણી તપાસ કેસમાં કોંગ્રેસનો હોબાળો ચાલુ છે. રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી આજે સવારે 11 વાગ્યાથી શરૂ થઇ છે. આવી સ્થિતિમાં સંસદના ત્રીજા દિવસે હંગામો યથાવત રહ્યો છે.