- લ્યુકેમિયાથી પીડિત 10 વર્ષના રાહુલ કોળીએ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લીધા અંતિમ શ્ર્વાસ
- 14મીએ છેલ્લો શો મૂવી રિલીઝ થશે, રાહુલ આ દિવસની આતુરતાથી રાહ જોતો અને પરિવારને કહેતો કે આ દિવસ પછી આપણી જિંદગી બદલાઈ જશે
ઓસ્કારમાં એન્ટ્રી મેળવનાર ગુજરાતી ફિલ્મ છેલ્લો શોનામાં કામ કરનાર બાળ કલાકાર રાહુલ કોળીનું 10 વર્ષની વયે નિધન થયું છે. 2 ઓક્ટોબરના રોજ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયાના કારણે તેનું નિધન થયું છે. ફિલ્મમાં 6 બાળ કલાકાર મુખ્ય રોલમાં છે, જેમાંનો એક રાહુલ કોળી હતો. રાહુલે ફિલ્મમાં સિગ્નલમેનના પુત્ર અને મુખ્ય પાત્ર સમયના ખાસ મિત્ર મનુની ભૂમિકા ભજવી હતી. દિગ્દર્શક પાન નલિનની ગ્રામીણ ગુજરાતમાં બાળપણમાં ફિલ્મોના પ્રેમમાં પડવાની પોતાની યાદોથી પ્રેરિત, ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ડિજિટલ ક્રાંતિની વાત કરે છે. ઉપરાંત પ્રકાશ અને પડછાયાનું વિજ્ઞાન જે સેલ્યુલોઇડ ફિલ્મ પ્રોજેક્શન પાછળ રહેતી એવી ફિલ્મોના જાદુમાં ફસાયેલા નવ વર્ષના છોકરાને અનુસરે છે. સામાજિક દબાણો અને આર્થિક અનિશ્ચિતતા બંનેથી લડીને, તે “ફિલ્મ શો” માટેના તેના જુસ્સાને એક-દિમાગી નિષ્ઠા સાથે આગળ ધપાવે છે, જે તકનીકી ઉથલપાથલથી તેના સપનાને નુકસાન પહોંચાડતી વાતથી બેધ્યાન છે. આ એક અધિકૃત, ઓર્ગેનિક અને ભાવનાત્મક રીતે જોડાયેલ ડ્રામા ફિલ્મ છે જે ફિલ્મો, જમવાનું અને મિત્રોની આસપાસ ફરે છે.
કોઈ વિચારી પણ ન શકે કે જે બાળકની ફિલ્મ ઓસ્કારમાં પહોંચે તે પહેલા જ તેનુ નિધન થાય. જે દિવસે આ ફિલ્મ રિલીઝ થશે તેના આગલા દિવસે રાહુલ કોળીનું તેરમુ હશે. 14 ઓક્ટોબરે છેલ્લો શો મૂવી રિલિઝ થશે ત્યારે રાહુલના નિધનને 13 દિવસ અટલે કે તેનું તેરમું થશે. અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયાના કારણે રાહુલ કોળીનું નિધન થયું છે. દીકરાના મોતથી કોળી પરિવારમા માતમ છવાયો છે. રાહુલના પિતા રામુ કોળી રીક્ષા ડ્રાઈવર છે.
જે ફિલ્મ રાહુલની સફળતાની સીડી હતી, તેને થિયેટરમાં જોતા પહેલા જ તેનુ નિધન થયું. આ ફિલ્મ માટે તે ખૂબ જ ખુશ હતો. તે કહેતો કે, આ ફિલ્મ બાદ પરિવારનું જીવન બદલાઈ જશે. પરંતું એવુ ન થયું. પરિવાર ખુશીના દિવસો જુએ તે પહેલા જ વ્હાલસોયાને ગુમાવ્યો છે.
છેલ્લા ચાર મહિનાથી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં રાહુલની સારવાર ચાલી રહી હતીે
રાહુલ કોળીની બ્લડ કેન્સર એટલે કે લ્યુકેમિયાનું નિદાન થયા બાદ અમદાવાદની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં છેલ્લા ચાર મહિનાથી સારવાર ચાલી રહી હતી. બાદમાં જ્યારે ફિલ્મનું શૂટ પૂર્ણ થઇ ગયું ત્યાર બાદ તેના પરિવારને તેની બીમારીની જાણ થઇ હતી. તેને શરૂઆતમાં થોડોક તાવ હતો પરંતુ દવા લીધા બાદ પણ તે વારંવાર બીમાર પડતો હતો.
રાહુલની સારવાર માટે પિતાએ રીક્ષા પણ વેચવી પડી હતી
રાહુલના પિતાએ કહ્યું કે, ’રાહુલ 3 ભાઇ-બહેનોમાં સૌથી મોટો હતો. અમે ગરીબ છીએ, પરંતુ તેનું સ્વપ્ન અમારા માટે બધું જ હતું. તેની સારવાર માટે અમારે અમારી રીક્ષા પણ વેચવી પડી. જ્યારે ફિલ્મ ક્રૂને ખબર પડી કે આ શું કર્યું ત્યારે તેઓએ અમને રીક્ષા પરત અપાવી દીધી.’