ચિંતન શિબિરમાં પરિણામોનું પોસ્ટમોર્ટમ અને ભવિષ્યની રણનીતિ નક્કી કરશે કોંગ્રેસ અધ્યક્ષ
કોંગ્રેસ અધ્યક્ષ આગામી તા.૨૩ને શનિવારે અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. વિધાનસભા ચૂંટણી બાદ આ તેમની પ્રથમ ગુજરાત મુલાકાત છે. મુલાકાત દરમિયાન તેઓ જીતેલા અને હારેલા ઉમેદવારો તથા ચૂંટણીમાં મહેનત કરનાર કાર્યકરોની સાથે બેઠક કરી ભવિષ્યનું ચિંતન કરશે. હારનું પોસ્ટમોર્ટમ કરશે અને ભવિષ્યની રણનીતિ ઘડશે.
રાહુલ ગાંધી સૌરાષ્ટ્ર અને કચ્છ, સાઉથ ગુજરાત, નોર્થ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતની ઝોનલ ટીમને મળશે અને તમામ બેઠકોમાં મળેલા પ્રતિસાદનું પોસ્ટમોર્ટમ કરશે. રાજયની નેતાગીરીએ મુકેલા રિપોર્ટ અંગે ચર્ચા પણ રાહુલ ગાંધી કરશે. ત્યારબાદ વિરોધ પક્ષના નેતા અંગેનો નિર્ણય લેવાશે.
કોંગ્રેસની ત્રણ દિવસીય ચિંતન શિબીર મહેસાણા ખાતે ચાલી રહી છે. જેમાં કોંગ્રેસના નેતા હાર અંગે વિચારણા કરી રહ્યાં છે. અશોક ગેહલોત, ભરતસિંહ સોલંકી જેવા વરિષ્ઠ નેતાઓ બેઠકમાં સામેલ છે. શનિવારે પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધીને રિપોર્ટ રજૂ કરશે ત્યારબાદ પક્ષના વિરોધમાં થતી એક્ટિવીટી મામલે પણ ચર્ચા થશે. ટિકિટ ફાળવણી સમયે થયેલી માથાકૂટોની ચર્ચા પણ આ બેઠકમાં થશે.