- સંસદમાં ગાંધી ‘ત્રીપુટી’નો તખ્તો તૈયાર
- હવે રાયબરેલી બેઠક ઉપર રાહુલ સાંસદ રહેશે: વાયનાડ બેઠક ઉપર છ મહિનાની અંદર પેટા ચૂંટણી યોજાશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક છોડી દેવાનો નિર્ણય લીધો છે. હવે તેઓ રાયબરેલીથી જ સાંસદ રહેશે. તો બીજી તરફ પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટાચૂંટણી લડશે. જો પ્રિયંકા ગાંધી લોકસભાની પેટા ચૂંટણી જીતશે તો સંસદમાં ગાંધી પરિવારના ત્રણ સભ્યોની હાજરી નોંધાશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જાહેરાત કરી હતી કે, રાહુલ ગાંધી રાયબરેલીના સાંસદ રહેશે. આ દરમિયાન તેમણે વાયનાડ બેઠક છોડવાનો નિર્ણય કર્યા બાદ વાયનાડ બેઠકની પેટા-ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને ઉતારવાની પણ જાહેરાત કરી છે. ખડગેએ પ્રિયંકા ગાંધીના જૂના સ્લોગન ‘લડકી હૂં, લડ સકતી હૂં’નો ઉલ્લેખ કરી કહ્યું કે, તેઓ વાયનાડમાંથી પેટા-ચૂંટણી લડશે. આમ કોંગ્રેસે એક જ દિવસમાં બે મોટી જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ લોકસભા બેઠક પરથી જીતી ગયા બાદ તેમણે આ બંને બેઠકોમાંથી કોઈ એકની પસંદગી કરવાની હતી. તેમણે આ નિર્ણય માત્ર એક દિવસની અંદર લેવાનો હતો. કારણ કે, નિયમ મુજબ ચૂંટણી પરિણામો આવ્યા બાદ 14 દિવસની અંદર બેમાંથી એક બેઠક છોડવી ફરજીયાત છે. જો 14 દિવસમાં એક બેઠક પરથી રાજીનામું ન અપાય તો બંને બેઠકો ખાલી માની લેવામાં આવે છે. નિયમ મુજબ કોઈપણ સભ્યએ લોકસભા અધ્યક્ષને લેખિતમાં રાજીનામું આપવાનું હોય છે. ત્યારબાદ રાજીનામું આપ્યાના છ મહિનાની અંદર તે બેઠક પર પેટા-ચૂંટણી કરાવવાની જોગવાઈ છે. તેથી નિયમ મુજબ આગામી છ મહિનાની અંદર વાયનાડ બેઠક પર પેટા-ચૂંટણી યોજાશે. રાહુલ ગાંધીની રાયબરેલી લોકસભા બેઠક પરથી 3.90 લાખ મતોથી અને વાયનાડમાંથી 3.64 લાખ મતોથી જીત થઈ હતી.
આ પહેલા રાહુલ ગાંધી આ બંને બેઠકો મામલે મૂંઝવણમાં હતાં. તેમણે ચૂંટણી પરિણામો બાદ વાયનાડની મુલાકાત લઈ જનતાનો આભાર માન્યો હતો અને તેમણે એવું પણ પૂછ્યું હતું કે, હું ક્યાંથી સાંસદ રહ્યું? તેમણે કહ્યું હતું કે, કઈ બેઠક છોડવી તે અંગે હું મૂંઝવણમાં છું. તેમણે એમ પણ કહી નાખ્યું હતું કે, ‘હું વચન આપું છું કે વાયનાડ અને રાયબરેલી બંને મારા નિર્ણયથી ખુશ થશે. તમારા બધા સમર્થન બદલ આભાર અને ટૂંક સમયમાં તમને મળવા પાછો આવીશ.’
નહેરુ-ગાંધી પરિવારમાંથી આવતા કોંગ્રેસી નેતા બે બેઠકો પરથી ચૂંટણી જીત્યા હોય, તેવું પહેલીવાર બન્યું નથી. આવું પહેલા પણ થઈ ચુક્યું છે. ઈન્દિરા ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધી, બંને બે બેઠકો પર ચૂંટણી જીત્યા છે. ખાસ વાત એ છે કે, જેમ રાહુલ દક્ષિણ ભારતની એક અને ઉત્તર ભારતની એક બેઠક પરથી ચૂંટણી જીત્યા છે, તેવી રીતે અગાઉ ઈન્દિરા અને સોનિયા પણ જીત્યા હતા.