- મોદી, ભાજપ કે સંઘ જ માત્ર હિન્દુ સમાજનું પ્રતિનિધિત્વ નથી કરતા, તમામ મહાપુરૂષોએ આપણને શીખડાવ્યું
- છે કે ડરો નહીં અને ડરાવો પણ નહીં જ્યારે ભાજપ- સંઘ માત્ર હિંસા અને નફરતની જ વાત કરે છે: રાહુલ
લોકસભાના પ્રથમ સત્રમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને ’ તમે હિન્દૂ નથી’ તેવું કહેતા મોદી આગબબુલા થઈ ગયા હતા. ઉપરાંત આ મામલે મોદી અને અમિત શાહે વળતા જવાબો પણ આપ્યા હતા.
રાહુલ ગાંધીએ સંસદમાં હાથમાં શિવ, બુદ્ધ, મહાવીર, ગુરુનાનકની તસવીર રાખીને કહ્યું હતું કે આ તમામ મહાપુરૂષોએ આપણને શીખડાવ્યું છે કે ડરો નહીં અને ડરાવો પણ નહીં, જ્યારે બીજી તરફ ભાજપ, આરએસએસ માત્ર હિંસા અને નફરતની જ વાત કરે છે. બાદમાં મોદીએ રાહુલને ટોકતા કહ્યું હતું કે આ હિન્દુ સમાજનું અપમાન છે, જવાબમાં રાહુલે કહ્યું કે હું ભાજપ, સંઘની વાત કરી રહ્યો છું અને મોદી, ભાજપ કે સંઘ જ માત્ર હિન્દુ સમાજનું પ્રતિનિધિત્વ નથી કરતા.
રાહુલ ગાંધીના આ નિવેદનનો સત્તાધારી ભાજપના સાંસદો દ્વારા વિરોધ કરાયો હતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ તમામ હિન્દુઓનું અપમાન કર્યું છે, બાદમાં રાહુલે આકરો જવાબ આપતા કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની વાત કરી રહ્યો હતો, અને નરેન્દ્ર મોદી, ભાજપ, આરએસએસ સમગ્ર હિન્દુ સમાજના પ્રતિનિધિ નથી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે રાહુલ ગાંધી સમક્ષ માફીની માગણી કરી હતી. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પોતાના પ્રથમ ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદીએ પોતાના એક ભાષણમાં કહ્યું હતું કે હિન્દુસ્તાને ક્યારેય પણ કોઇ દેશ પર હુમલો નથી કર્યો. આવુ એટલા માટે છે કેમ કે હિન્દુસ્તાન અહિંસાનો દેશ છે, જે ડરતો નથી.
રાહુલે કહ્યું હતું કે પીએમ મોદી અને ભાજપ સમગ્ર હિન્દુ સમાજ નથી. નરેન્દ્ર મોદીના આદેશથી મારી સામે 20થી વધુ કેસો કરવામાં આવ્યા, મને સંસદમાંથી બહાર કરાયો, ઇડી દ્વારા મારી 55 કલાક પૂછપરછ કરાઇ, આ તમામ પરિસ્થિતિ વચ્ચે પણ બંધારણના રક્ષણ માટે મે અવાજ ઉઠાવ્યો જે બાબતનું ગૌરવ છે, હવે મને આનંદ થાય છે કે મારી પાછળ ભાજપના લોકો પણ જય સંવિધાનનો નારો લગાવી રહ્યા છે. સત્તાધારી ભાજપને સલાહ આપતા રાહુલે કહ્યું હતું કે લોકોના મનમાં નફરત અને ડર ના ફેલાવો.
રાહુલે પોતાના ભાષણમાં હિંસાગ્રસ્ત મણિપુર, અગ્નિવીર યોજના, ખેડૂતોને ટેકાના ભાવ માટે કાયદો, નીટના પેપર લીકનો વિવાદ સહિતના મુદ્દા પણ ઉઠાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે અગ્નિવીર યોજના જવાનોને મજૂર બનાવી રહી છે, કોંગ્રેસ અગ્નિવીર યોજનાને રદ કરી દેશે આ યોજના જવાનોનું અપમાન કરી રહી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને ટેકાના ભાવ માટે કાયદો આપવા નથી માગતી, નીટ પેપર લીક મુદ્દે વિપક્ષ સંસદમાં ચર્ચા કરવા માગે છે. નીટ મુદ્દે વિપક્ષ દ્વારા લોકસભામાંથી વોકઆઉટ પણ કરવામાં આવ્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના પ્રથમ ભાષણની ભારે ચર્ચા પણ જોવા મળી હતી.
રાહુલ હવે નેતાના રૂપમાં, સંસદનું સત્ર કાયમ ધમાલભર્યું જ રહેવાના એંધાણ
અત્યાર સુધી વિપક્ષ અસમર્થતાને કારણે ગૃહોમાં પ્રમાણમાં શાંતિ હતી. પણ રાહુલ ગાંધી હવે નેતાના રૂપમાં સંપૂર્ણ ખીલ્યાં છે. તેઓ વિપક્ષનો મજબૂત અવાજ બન્યા છે. તેથી હવે સંસદના તમામ સત્ર ધમાલ ભર્યા જ રહે તેવી શકયતા સેવાઈ રહી છે. વધુમાં વિપક્ષે અગાઉ કહ્યું હતું કે અમે સહકાર આપીશું પણ જ્યાં જરૂર પડશે ત્યાં નમતું જરા પણ મુકીશું નહિ.