જિલ્લાના પ્રભારી સચિવ કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી મુખ્યમંત્રીની વીડિયો કોન્ફરન્સમાં જોડાયા
અબતક, રાજકોટ
રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તાની આજે રાજકોટમાં એન્ટ્રી થઈ છે. તેઓએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંભવિત ત્રીજી લહેરની તૈયારીની સમીક્ષા હાથ ધરી હતી. આ ઉપરાંત કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી મુખ્યમંત્રીની વીડિયો કોન્ફરન્સમાં હાજરી આપી હતી.
કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે રાજ્ય સરકાર સતર્ક બની છે. વાયબ્રન્ટ સમિટ રદ કર્યા બાદ સરકારે ગુજરાતમાં પણ આકરા નિયમો લાદવાની તૈયારીઓ શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સાથે સરકારે બીજી લહેરની જેમ જ સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઈને દરેક જિલ્લાઓમાં પ્રભારી સચિવની નિમણુંક કરી છે. આ પ્રભારી સચિવ તરીકે રાજકોટ જિલ્લામાં ફરી રાહુલ ગુપ્તાનજ નિમણુંક થઈ છે.
રાહુલ ગુપ્તા નિમણુંકના બીજા જ દિવસે રાજકોટ આવી પહોંચ્યા હતા. તેઓએ રાજકોટ આવી પ્રથમ જિલ્લા કલેક્ટર કચેરીએ એન્ટ્રી કરી હતી. જ્યાં અધિક કલેક્ટર કેતન ઠક્કર, મામલતદાર ગોઠી સહિતના અધિકારીઓએ તેમને આવકાર્યા હતા. રાહુલ ગુપ્તાએ આવતા વેંત જ મુખ્યમંત્રીની વીડિયો કોન્ફરનસમાં ભાગ લીધો હતો.
આ સાથે રાહુલ ગુપ્તાએ જિલ્લામાં સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઈને જે તૈયારીઓ કરવામાં આવી છે. તેની વિગતો મેળવી હતી. ઉલ્લેખનીય છે કે રાહુલ ગુપ્તા હાલ રાજ્યના ઉદ્યોગ કમિશનર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓએ બીજી લહેરમાં રાજકોટના પ્રભારી સચિવ તરીકે મહત્વની કામગીરી કરી હતી. તેઓ રાજકોટમાં અગાઉ કલેકટર તરીકે ફરજ બજાવતા હોય અહીંની તમામ પરિસ્થિતિનો તેમને અનુભવ હોય એટલે તેઓને ફરી રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે મુકવામાં આવ્યા છે.