શહેરમાં નીચાણવાળા 32 વિસ્તારોમાં તલાટી સહિતની ટિમો તૈનાત: 960 જેટલા જોખમી હોર્ડિંગ, બેનર્સ દૂર કરાયા: 15 હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર
વાવાઝોડાની અસરને પગલે રાજકોટ જિલ્લાનો હવાલો પ્રભારી સચિવ રાહુલ ગુપ્તાએ સાંભળ્યો છે. હાલ શહેરમાં નીચાણવાળા 32 વિસ્તારોમાં તલાટી સહિતની ટિમો તૈનાત કરવામાં આવી છે. 960 જેટલા જોખમી હોર્ડિંગ, બેનર્સ દૂર કરાયા છે. સાથે 15 હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.
વાવાઝોડું 15મીએ કચ્છમાં ત્રાટકશે: 6 જિલ્લામાં હાઈ એલર્ટ
બિપરજોય વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈ રાજકોટ જિલ્લા તંત્ર હાઈએલર્ટ મોડ પર છે. રાજકોટ ખાતે આજે પ્રભારી મંત્રી તથા પ્રભારી સચિવ તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજશે. જિલ્લામાં વાવાઝોડા સંદર્ભે તમામ વિભાગને હાઈ એલર્ટ મોડ પર રાખી તાલુકા દીઠ વર્ગ-1ના લાયઝન અધિકારીને કામગીરી સોંપવામાં આવી છે. જિલ્લામાં ક્યાંય પણ જો રોડ બ્લોક થવાની સ્થિતિ ઉપસ્થિત થાય તો વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક સંસાધનોથી તુરંત કાર્યવાહી કરવા અને તે માટે સંસાધનો તૈયાર રાખવા સૂચના અપાઈ છે.
હાલ સુધીમાં નડતરરૂપ અથવા જોખમી બની શકે તેવા 960 જેટલા હોર્ડિંગ અને બેનર્સ દૂર કરવામાં આવ્યા છે. જિલ્લાના તમામ પી.એચ.સી., સી.એચ.સી કેન્દ્રો તથા હોસ્પિટલોને તમામ જરૂરી સાધનો, દવાઓ સાથે તૈયાર રહેવામાં જણાવ્યું છે.
જખૌ, પોરબંદર, ઓખા અને નવલખી બંદર પર 10 નંબરનું અતિ ભયજનક સિગન્લ
પીજીવીસીએલ, જેટકોને પણ તમામ તાલુકા વાઇઝ તથા નગરપાલિકા અને મહાનગરપાલિકા સ્તરે સાધનો સાથે ટીમોની રચના કરી તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે. જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ તેમજ ખેત મજૂરોમાં પણ જાગૃતિ લાવવા અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને પણ જાગૃત રહેવા જણાવી તમામ પ્રકારના સાધનો જેવા કે જેસીબી, ડમ્પર, ટ્રક, બસ, લાઈફ જેકેટ વગેરેની યાદી ફરીથી અદ્યતન કરવામાં આવી છે.
1100 જેટલા આશ્રયસ્થાનોની ચકાસણી
તમામ તાલુકા-શહેરના સ્થળાંતર પાત્ર લોકોના વિસ્તારો, સંખ્યા અને તે મુજબ આશ્રય સ્થાનોની વ્યવસ્થા બાબતે કલેક્ટર દ્વારા સૂચના આપી 800 ઉપરાંત શાળાઓ અને 300 ઉપરાંત સમાજવાડીઓની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી છે.
લોકો જાગૃત રહે અને તંત્રને સહકાર આપે: કલેકટર
જિલ્લાના સંભવત: અસર થઈ શકે તેવા વિસ્તારના લોકોને હાલ એલર્ટ રાખી તમામ વિભાગને તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે જ કલેકટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, લોકોને ગભરાવાની જરૂર નથી. તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાંઓ લેવાઈ રહ્યા છે, સાથે જ લોકો પણ જાગૃત રહે અને તંત્રને સહકાર આપે તેમ કલેક્ટર પ્રભવ જોશીની યાદીમાં જણાવાયું છે.