ઇડીના અધિકારીઓ દ્વારા સતત સવાલોના મારા વચ્ચે પણ રાહુલ ગાંધીએ ધીરજપૂર્વક બેસી રહેવા પાછળ વિપશ્યનાને કારણભૂત ગણાવ્યું !!
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં સતત પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ બુધવારે કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે રાહુલ ગાંધીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. બુધવારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમની પૂછપરછ કરી રહેલા ઈડીના અધિકારીઓએ પૂછ્યું કે, તેઓ એક નાના રૂમમાં આટલા લાંબા સમય સુધી કેવી રીતે થાક્યા વગર બેસી શકે છે.
કોંગ્રેસ કાર્યાલયમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે, “મને થોડા દિવસ પહેલા ઈડીની ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો. એક નાનો ઓરડો હતો, ટેબલ પર કમ્પ્યુટર હતું અને ત્યાં 3 અધિકારીઓ હતા. હું ખુરશી પરથી ખસ્યો નહીં, અધિકારીઓ આવતા-જતા રહ્યા. રાત્રે સાડા દસ વાગ્યે ઑફિસરે મને કહ્યું, “અગિયાર કલાકમાં અમે થાકી ગયા છીએ પણ તમે થાકતા નથી!” શું છે રાજ? મેં કહ્યું કે વિપશ્યનાની આદત પડી ગઈ. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે પરંતુ સત્ય એ છે કે રૂમમાં રાહુલ ગાંધી એકલા નહોતા, કોંગ્રેસના દરેક નેતા અને કાર્યકર્તા તે રૂમમાં બેઠા હતા. તમે એક નેતાની પજવણી કરી શકો પરંતુ લાખો કાર્યકરોની નહીં.
ઈડીએ પૂછ્યું- આટલી ધીરજ કેવી રીતે રાખી શકો છો
રાહુલે પોતાની પૂછપરછને લઈને વધુમાં કહ્યું કે છેલ્લા દિવસે, ઇડીના અધિકારીઓને પૂછવામાં આવ્યું હતું કે તમે આટલી ધીરજ કેવી રીતે રાખી શકો છો. ત્યારે મેં કોઈ જવાબ આપ્યો નહોતો. હું 2004 થી કોંગ્રેસમાં કામ કરી રહ્યો છું, આપણાથી વધુ ધીરજ કોનામાં સારી છે? રાહુલે “ધૈર્ય” નો ઉલ્લેખ કરતા કહ્યું, “સચિન પાયલટ અહીં બેઠા છે, સિદ્ધારમૈયા બેઠા છે, રણદીપ બેઠા છે!” રાહુલે કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. રાહુલે કહ્યું કે અમને ઈડીથી કોઈ ફરક પડતો નથી. કોંગ્રેસને દબાવી ન શકાય, ધમકાવી શકાય નહીં. સત્યમાં ધીરજની કમી નથી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ’નેશનલ હેરાલ્ડ’ અખબાર સાથે સંકળાયેલા કથિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં મંગળવારે પાંચમા દિવસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની 11 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી, અને તપાસ એજન્સીએ ગાંધીને કોઈ નવું સમન્સ જારી કર્યું નથી અને એવું માનવામાં આવે છે કે તેમની પૂછપરછ ઓછામાં ઓછા થોડા સમય માટે સમાપ્ત થઈ ગઈ છે. રાહુલ ગાંધીની અત્યાર સુધીમાં પાંચ દિવસમાં 55 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી છે, આ દરમિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધી પોતાના મનને સમજી શક્યા એટલે સતત ખંતથી જવાબ આપી શક્યા: રમેશભાઈ ઠક્કર
ઘમ્મકોટ વિપશ્યના કેન્દ્રના અગ્રણી રમેશભાઈ ઠક્કરે કહ્યું હતું કે, સ્વ જાગૃતિ એટલે વિપશ્યના. વિપશ્યનામાં ’વિ’ એટલે વિરુદ્ધ અને ’શ્યના’ એટલે જોવું જેનો અર્થ થાય છે કે વિરુદ્ધનું જોવું. આપણી દ્રષ્ટી હંમેશા બીજા લોકો પર હોય છે અને જ્યારે આપણે બીજા શું કહેશે તે છોડી મારૂ મન શું કહી રહ્યું છે તે જોતા થઈએ એટલે વિપશ્યના. ’હું ક્યાં ખોટો છું’ તે જોઈ શકવું એ જ વિપશ્યનાના પાયામાં રહેલું છે. મેડિટેશન પણ એ જ શીખવે છે કે મનની શાંતિ કેવી રીતે મેળવી શકાય. જો કે, મેડિટેશન શબ્દ છેલ્લા 50 વર્ષથી જ અસ્તિત્વમાં આવ્યું છે પરંતુ વિપશ્યના આપણી સંસ્કૃતિ સાથે વણાયેલું છે. વિપશ્યના મનની શાંતિ સૂચવે છે પરંતુ પોતાની ભૂલ ક્યાં હતી તે ખબર પડે તો જ મનની શાંતિ મેળવી શકાય છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી પોતાના મનને સમજી શક્યા તેથી જ ધીરજ-ખંતથી જ ઇડીના સવાલોના મારા વચ્ચે શાંતિપૂર્ણ રીતે જવાબો આપી શક્યા. તેમણે કહ્યું હતું કે, દરેક જીવ મારી સાથે રહી શકે તે અભિગમ ખીલવવું એટલે વિપશ્યના. તેમણે વિશેષ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી પણ 3 વર્ષ હિમાલયમાં રહીને આવ્યા છે ત્યારે તેમણે પણ વિપશ્યના કરી જ હશે જેથી તેઓ આટલા ખંતિલા છે. અન્ય જીવો તેમની સાથે કેવી રીતે સહર્ષ રહી શકે તે વિચાર વડાપ્રધાન સહજતાથી કરી શકે છે જેને વિપશ્યના જ કહી શકાય છે.