ગુજરાતની તર્જ પર રાહુલ ગાંધીની ઉત્તરપ્રદેશમાં પણ ટેમ્પલ ડિપ્લોમસી
મોદી વિરોધી પોસ્ટર મામલે કોંગ્રેસ અધ્યક્ષ માફી માંગે-ભાજપ
રાજકારણમાં ‘ધર્મ’ ગરમાયું છે. સામાન્ય રીતે ઘણીવાર ધર્મમાં રાજકારણ ગરમાતું હોય છે પરંતુ કોંગ્રેસના મામલામાં ઉલટી ગંગા વહી રહી છે. કેમ કે, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ રામના ‘વાઘા’ પહેરી ભાજપના સોફટ હિન્દુત્વને પડકાર્યો છે.
તાજેતરમાં રાહુલ ગાંધી તેમના મત વિસ્તાર ઉત્તરપ્રદેશના અમેઠીમાં આવેલા એક પ્રખ્યાત હનુમાન મંદિરની મુલાકાત લઈ ત્યાં દર્શન કર્યા હતા.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પણ રાહુલ ગાંધીની અથવા કહો કે, કોંગ્રેસની આ ટેમ્પલ ડિપ્લોમસી જોવા મળી હતી. હમણા કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા એક પોસ્ટરથી વિવાદ ચગ્યો છે. તેમાં રાહુલને ‘રામ’ અને મોદીને ‘દસ માથાવાળા એટલે કે રાવણ’ દર્શાવાયા છે. પોસ્ટરમાં દેખાય છે કે, રાહુલના હાથમાં શસ્ત્ર છે અને તેઓ મોદી સામે જાણે વધ કરવો હોય તેમ તાકી રહ્યાં છે. આ પોસ્ટરથી માત્ર ઉત્તરપ્રદેશ નહીં બલકે દેશભરમાં ભાજપના કાર્યકરોમાં ભારે રોષ સાથે વિરોધની લાગણી ઉઠી છે.
અત્યારે ઉત્તરપ્રદેશમાં નજીકના સમયમાં ચૂંટણી નથી આમ છતાં કોંગ્રેસે આવુ પોસ્ટર જારી કરવાની શી જ‚ર હતી તેવો પ્રશ્ર્ન ભાજપ દ્વારા ઉઠાવાઈ રહ્યો છે. મોદી વિરોધી આવા પોસ્ટર જારી કરવા સામે ભાજપે રાહુલ ગાંધીની માફીની માંગણી કરી છે.
ગુજરાતમાં ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ હજુ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા ન હતા ત્યારે પણ સોમનાથ મહાદેવ સહિત રાજયના દ્વારકા, અંબાજી, ચોટીલા વિગેરે પ્રખ્યાત મંદિરોની મુલાકાત લીધી હતી અને દર્શન કર્યા હતા. ગુજરાતની ટેમ્પલ ડિપ્લોમસીની તર્જ પર રાહુલ ગાંધી અમેઠીના હનુમાન મંદિરે પહોંચ્યા હતા. અત્યાર સુધી કોંગ્રેસ મુસ્લિમ તુસ્ટીકરણ કરતી હતી. આથી હવે ભાજપના સોફટ હિન્દુત્વને રાહુલે રામના વાઘા પહેરી પડકાર્યો છે.