કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ઉત્તર ગુજરાતના કાર્યક્રમમાં થોડોક બદલાવ થયો છે. રાહુલ ગાંધી આગામી નવમીને બદલે 11મીથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ 11, 12 અને 13 નવેમ્બર દરમ્યાન ચોથા તબક્કાના પ્રવાસમાં બહુચરાજી, શંખેશ્વર,અંબાજી,શામળાજી મંદિરના દર્શાનાર્થે જશે.
રાહુલ ગાંધી ૧૧મીએ અમદાવાદ એરપોર્ટથી દહેગામ, પ્રાંતિજ થઇને હિંમતનગર પહોંચશે. પ્રથમ દિવસે મોડી સાંજે તેઓ શામળાજીમાં મંદિરના દર્શન કરવા જશે. ત્યાથી તેઓ રાત્રે જ અંબાજી પહોંચી અંબા માના મંદિરે દર્શન કરશે.
બીજા દિવસે અંબાજીથી રાહુલ ગાંધીનો કાફલો પાલનપુર થઇ ડિસા,ભિલડી,રાધનપુર પહોંચશે. થરામાં રાહુલ વાળીનાથ મંદિરના દર્શન કરશે. ત્રણ દિવસના પ્રવાસના આખરી દિવસે રાહુલ ગાંધી પાટણ,હારિજ જશે. આ દરમ્યાન રાહુલ શંખેશ્વર મંદિરના દર્શન પણ કરવા જશે.
બહુચરાજીમાં મંદિરના દર્શન કર્યા બાદ તેઓ જાહેરસભાને સંબોધશે. સાંજે મહેસાણામાં જીઆઇડીસી હોલમાં રાહુલ જીએસટી સહિતના મુદ્દે વેપારી-ઉદ્યોગકારો સાથે બેઠક યોજશે.
ઉત્તર ગુજરાતમાં મોટાભાગી બેઠકો પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે તેમાં ય બનાસકાંઠામાં પૂર વખતે ભાજપે આ વિસ્તારમાં કોંગ્રેસવિરોધી માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે આ વિસ્તારમાં કોંગ્રેસના માહોલને ફરી જીવંત બનાવવા રાહુલ ગાંધીના કાર્યક્રમનું આયોજન કરાયું છે.