અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રામધૂન અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો : અનેકની અટકાયત
કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી ’નેશનલ હેરાલ્ડ- એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ’ કરાર સાથે સંબંધિત મની લોન્ડ્રિંગ કેસ મામલે આજે ઈડી સમક્ષ હાજર થયા હતા. ઇડીએ તેઓની 3 કલાક જેટલો સમય પૂછતાછ કરી હતી. તેવામાં કોંગ્રેસ દ્વારા તેમના તમામ ટોચના નેતા અને સાંસદો દિલ્હીમાં પાર્ટી મુખ્યાલય ’24 અકબર રોડ’થી ઈડી હેડ ક્વાર્ટર સુધી વિરોધ માર્ચ યોજી અને ’સત્યાગ્રહ’ કર્યો હતો. ગુજરાતમાં પણ કોંગ્રેસે આ જ પ્રકારે વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો.
રાહુલ ગાંધી ઈડી સમક્ષ હાજર થાય તે પહેલા પ્રિયંકા ગાંધી તેમને મળવા માટે પહોંચ્યા હતા. સાથે જ કોંગ્રેસ કાર્યાલય ખાતે પાર્ટીના કાર્યકરોની ભીડ જોવા મળી હતી. જોકે અનેક કોંગ્રેસી નેતાઓને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમે મની લોન્ડ્રિંગ કેસમાં રાહુલ ગાંધીને પાઠવવામાં આવેલું ઈડીનું સમન નિરાધાર હોવાનો દાવો કર્યો હતો. સાથે જ એવો કટાક્ષ પણ કર્યો હતો કે, ભાજપના નેતા કે પાર્ટી દ્વારા શાસિત રાજ્ય તપાસ એજન્સીના અધિકાર ક્ષેત્રમાં ન આવતા હોવાનું જણાઈ રહ્યું છે.
કોંગ્રેસ દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઇડી ઓફિસ બહાર નીકળ્યા તેવામાં પોલીસને ગેટ બંધ કરી દીધો હતો. જેને લઇને પોલીસ અને કાર્યકર્તાઓ સાથે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ હતી. કેટલાક કાર્યકર્તાઓ બહાર જવામાં સફળ થયા ત્યારે કેટલાક ક્ધવેન્શન હોલ પરિસરમાં જ રહ્યા હતાં. બહાર નીકળેલા કાર્યકરોએ રામધૂન કરી સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. એક બાદ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી. અમિત ચાવડા આવ્યા તે સમયે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ. વિરોધ સમયે ડિહાઇડ્રેશન થતાં કોંગ્રેસ નેતા વિરજીભાઇ ઠુંમર ઢળી પડ્યા હતાં. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં.
હવે કોંગ્રેસના કાર્યકરો અમદાવાદમાં મેમનગર સ્થિત ઇડીની કચેરી ખાતે કૂચ કરી રહ્યાં છે. ક્ધવેન્શન હોલની બહાર હેલ્મેટ સર્કલ પાસેના એક્ઝિટ ગેટની બહાર કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન બોલાવી છે. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતાં ઘર્ષણ થયું હતું. પોલીસે કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.
પરેશ ધાનાણીએ કહ્યું, દેશની આઝાદીની લડાઈમાં નેશનલ હેરાલ્ડનું યોગદાન હતું, બીજી આઝાદીનો પાયો પણ ગુજરાતમાંથી નખાઈ રહ્યો છે. અમિત ચાવડાએ ચીમકી આપતાં કહ્યું હતું કે ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે અધિકારીઓને જોઈ લઈશું. હાલમાં કોંગ્રેસના ધરણાં પ્રદર્શનમાં રાહુલ ગાંધી ઇડી ઓફિસ જતાનાં લાઈવ દૃશ્યો બતાવવામા આવ્યાં છે. કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર શરૂ કર્યા છે.