જન સંમેલનો સફળ બનાવવાના ભાગરૂપે રાજકોટ, બારડોલી, વડોદરા અને મહેસાણામાં કોંગ્રેસની ઝોન કારોબારી યોજાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસે આ વખતે ગુજરાતમાં વિજય વાવટો લહેરાવવા માટે તનતોડ મહેનત શરૂ કરી દીધી છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં દાહોદ ખાતે એક જંગી જાહેરસભા સંબોધી હતી.
દરમિયાન આગામી જૂન માસમાં રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાજ્યના અલગ-અલગ ચાર ઝોનમાં વિશાળ જન સંમેલન યોજવાના છે. જેને સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા અલગ-અલગ ચાર ઝોનમાં વિસ્તૃત કારોબારી બેઠક યોજાશે. જેમાં પ્રદેશના નેતાઓ કાર્યકરો અને આગેવાનોને સંબોધશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતીમાં સમગ્ર રાજ્યના વિવિધ ઝોનમાં જન સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી જૂન મહિનામાં ચાર વિભાગીય જનસંમેલનને સફળ બનાવવા, દરેક વિભાગમાં તૈયારી આયોજન માટે ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડો. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાની ઉપસ્થિતીમાં રાજકોટ, સુરત, વડોદરા અને મહેસાણા ખાતે પક્ષના આગેવાનો, પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યઓ, પૂર્વ સાંસદો સહિત એન.એસ.યુ.આઈ., યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ સહિત વિવિધ સેલ-ડીપાર્ટમેન્ટના વડાઓની બેઠક યોજાશે. તાજેતરમાં દાહોદ ખાતે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ઐતિહાસીક આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કર્યું હતું. જેમાં જંગી જનમેદની ઉમટી પડી હતી.
કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી સમયમાં યોજાનાર વિભાગીય જનસંમેલનની તૈયારીના ભાગરૂપે 19 મે ના રોજ સૌરાષ્ટ્ર ઝોન માટે રાજકોટમાં ગુરુવારે બપોરે 1 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે, 21 મે ના રોજ દક્ષિણ ઝોન માટે સરદાર પટેલ ટાઉન હોલ, બારડોલી ખાતે શનિવારે બપોરે 1-00 કલાકે, 22 મે ના રોજ મધ્ય ઝોન માટે વડોદરામાં નગર ગૃહ ઓડીટોરીયમ, આજવા રોડ ખાતે બપોરે 1-00 કલાકે અને 23 મે સોમવાર બપોરે 1-00 કલાકે ઉત્તર ઝોન માટે કમળાબા કોમ્પ્યુનિટિ હોલ, સાર્વજનીક વિદ્યા સંકુલ, મહેસાણામાં મહત્વની બેઠક યોજાશે. તમામ ઝોનની બેઠકમાં 1500 થી બે હજાર આગેવાનો હાજર રહેશે.
રાજકોટમાં કાલે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી જૂન માસમાં ગુજરાતમાં અલગ-અલગ ચાર ઝોનમાં વિશાળ જન સંમેલન યોજવાના છે. જેના આયોજનના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા ચાર ઝોનમાં વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે રાજકોટમાં ટાગોર રોડ સ્થિત હેમુ ગઢવી હોલ ખાતે બપોરે 1 વાગ્યાથી સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક મળશે.
જેમાં ગુજરાતના પ્રભારી ડો.રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા, ભરતસિંહ સોલંકી, અર્જૂનભાઇ મોઢવાડીયા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહેશે.
કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠકના બેનરો કોઇએ ફાડી નાંખ્યા
આવતીકાલે રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક મળનાર છે. જેમાં પ્રદેશના નેતાઓ ઉ5સ્થિત રહ્યાના છે. આ કારોબારી બેઠક અંગે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં મહાકાય બેનરો લગાવવામાં આવ્યા છે. દરમિયાન ગઇકાલે રાત્રે કિશાન પરા ચોક ખાતે કોઇ હિતશત્રુઓએ કોંગ્રેસના બેનરો ફાડી નાંખ્યા હતા આ બેનરો અનય કોઇ રાજકીય પાર્ટીના આગેવાનોએ ફાડી નાખ્યા હોવાની શંકા છે.