ગુજરાત કોંગ્રેસના મજબૂત માળખા માટે સોનિયા-રાહુલ મેદાને
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૪ સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કેમ્પેઈન શરૂકરી રહ્યાં છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સોમવારે રાહુલ ગાંધી ૧૮૨ વિધાનસભા બેઠકોના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે. આ ઉપરાંત આગામી તા.૨૨થી ૪ દિવસ રાહુલ ગુજરાતના ચાર ઝોનની ચાર-ચાર દિવસની મુલાકાત લેવાના છે જેમાં સલામતી સહિતના કારણોસર ફેરફાર થવાની શકયતા છે.
રાજયમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુજરાત માટેની ચાર સભ્યોની સ્ક્રીનીંગ કમીટી જાહેર કરી છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બાળા સાહેબ થોરાટની અધ્યક્ષતામાં નિયુકત કરાયેલી કમીટી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા નવરાત્રીમાં હાથ ધરશે. કમીટીના અન્ય સભ્યમાં ઉત્તરપ્રદેશના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અજય લાલુ, એનઆઈસીસીના મંત્રી ગીરીશ ચોડણકર અને પૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજનનો સમાવેશ થાય છે. સ્ક્રીનીગ કમીટીની ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપે તે પહેલા તેમની સમક્ષ જિલ્લા પ્રભારી અને પ્રદેશ સ્તરથી નિયુકત કરાયેલા ૧૮૨ નિરીક્ષકો અને એઆઈસીસી તથા પ્રદેશ કોંગ્રેસે તૈયાર કરેલા જુદા-જુદા સર્વે વિશલેષણનો અભ્યાસ થશે. વિધાનસભાની ૧૮૨ બેઠકોમાં જ્ઞાતિ-જાતિના સમીકરણો, સ્થાનિક સ્તરે કોંગ્રેસની પક્ડ, અગાઉની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ તેમજ જુદા જુદા સમાજોનું વર્ચસ્વ સહિતના પરિબળોને ધ્યાનમાં રાખી જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી વગેરે જેવા ધોરણોનો સમાવેશ થાય છે. ગુજરાત કોંગ્રેસ અને એઆઈસીસી તથા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ટીમ દ્વારા ગુજરાતમાં ઓછામાં ઓછા પાંચથી છ સર્વે કરવામાં આવ્યા છે. આ સર્વેના નિષ્કર્ષના આધારે ઉમેદવારોની પસંદગી કરાશે. કોંગ્રેસ દ્વારા ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસના મજબૂત માળખા માટે સોનિયા ગાંધી પણ પુરતું ધ્યાન આપી રહ્યાં છે. તેમના સુચનથી બાળા સાહેબ થોરાટ, અજય લાલુ તેમજ મીનાક્ષી નટરાજન સહિતનાને અનેક જવાબદારીઓ સોંપાઈ છે.