ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસે જીત માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે. જેને લઇને આજથી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યાં છે, જેમાં તેઓ ત્રણ દિવસમાં અલગ અલગ મંદિરોમાં દર્શન કરશે. રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસના ચોથા તબક્કા શરૂઆત ચિલોડાથી કરશે.
રાહુલ ગાંધી સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ચૂંટણી પ્રચાર કરશે. ચિલોડાથી રાહુલ ગાંધી પ્રચારની શરૂઆત કરશે. ખેડબ્રહ્મામાં રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધન કરશે. 12 નવેમ્બરે રાહુલ ગાંધી પાલનપુરના પ્રવાસે આવશે. રાહલુ ગાંધી ડીસા, ભીડી, શિહોરી, થરાથી રાધનપુર જશે. થરામાં ભરવાડ સમાજના વાળીનાથ મંદિરમાં રાહુલ ગાંધી દર્શન કરશે.
13 નવેમ્બરે પાટણ, હારીજનો પણ પ્રવાસ ખેડશે. જ્યાં તેઓ શંખેશ્વર અને બહુચરાજીના મંદિરમાં દર્શન કરશે. રાહુલ ગાંધી બહુચરાજીમાં જાહેરસભાને સંબોધન કરશે. જ્યારે મહેસાણા ખાતે જીઆઇડીસી હોલમાં વેપારીઓ સાથે બેઠક કરશે. રાહુલ ગાંધી ત્યાં મહિલા સંમેલનને પણ સંબોધન કરશે. જ્યારે રાહુલ ગાંધીના ઉત્તર ગુજરાત મિશનનું સમપાન વિજાપુર ખાતે થશે.