સુરત પાટીદારોના ગઢ એવા જળક્રાંતિ મેદાનમાં આજે સાંજે 7 કલાકે કોગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેર સભા છે. સુરક્ષાને ધ્યાને લઇ રાહુલ માટે સ્ટેજની પાછળની દીવાલ તોડીને રસ્તો બનાવી અપાયો છે. ભાજપ જ્યા જાહેર સભા કરી શકતુ નથી ત્યાં ‘પાસ’ના મૂક સમર્થનથી વર્ષો બાદ કોંગ્રેસની સભા અહીં યોજાઇ રહી છે. જ્યારે બીજી તરફ ‘પાસ’ના સંયોજક હાર્દિક પટેલ પણ રાજદ્રોહના કેસમાં કોર્ટમાં તારીખ હોવાથી સુરતમાં જ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા મૂજબ આ બન્ને સુરતમાં જ હોવા છતાં બન્ને વચ્ચે કોઈ મુલાકાત થવાની શક્યતા નથી.
નવસર્જન ગુજરાત અભિયાન હેઠળ દક્ષિણ ગુજરાતના પ્રવાસે નીકળેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે સાંજે લાજપોર ખાતે સભા કરવાના છે. ત્યાર બાદ વરાછા ધરમનગર રોડ પર આવેલા જળક્રાંતિ મેદાનમાં જાહેર સભાને સંબોધવાના છે. આ માટેની તમામ તૈયારીઓ છેલ્લા ચારેક દિવસથી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ કેટલીક સવાર સુધીમાં તમામ તૈયારીઓ પણ પૂરી કરી દેવામાં આવનાર છે. આ સભા માટે દરેક વિધાનસભામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડવાના છે. ચૂંટણીને ધ્યાને રાખીને પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભાને સૂચક મનાઇ રહી છે.