લાઠીમાં પબ્લિક કોર્નર મીટીંગ: ગઢડામાં સ્વામિનારાયણ મંદિરે શીશ ઝુકાવશે
ગુજરાતમાં ૨૨ વર્ષથી સતાવિહોણી કોંગ્રેસને ફરી સતા પર લાવવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તનતોડ મહેનત કરી રહ્યા છે તો છેલ્લા બે દિવસથી ચૂંટણી પ્રચારમાં છે. ગઈકાલે તેઓએ સોમનાથ સહિતના સ્થળોએ ચૂંટણીસભાને સંબોધી હતી. દરમિયાન આજે તેઓ અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં ચૂંટણીપ્રચાર કરશે. જેમાં પબ્લિક સાથે કોર્નર મીટીંગ અને જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના પ્રવાસ અંતર્ગત આજે બીજા દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાની મુલાકાત લેશે.
લાઠી ખાતે તેઓ કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો સાથે એક કોર્નર મીટીંગ યોજશે. બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે પણ તેઓ શીશ ઝુકાવશે અને ત્યારબાદ બોટાદમાં લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે એક જાહેરસભાને સંબોધશે. ભાવનગર ખાતે પણ રાહુલ ગાંધીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ માટે વાતાવરણ થોડુ સારું હોવાનું જણાતા રાહુલ ગાંધી છેલ્લા બે માસથી રાજયમાં પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે અને મતદારોને આકર્ષવા માટે તેઓ અલગ-અલગ મંદિરોમાં પણ દેવદર્શને જાય છે. ગઈકાલે સોમનાથમાં સોમનાથ મંદિરે દર્શન પૂર્વે તેઓએ બિન હિન્દુ તરીકેની નોંધ કરાવતા ભારે વિવાદ સર્જાયો છે.