ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો પર જીત મેળવવા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સાથે મીટીંગ યોજી તખ્તો તૈયાર કરશે
વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણી જીતવા તમામ રાજકીય પક્ષો મેદાને ઉતર્યા છે અને ચુંટણીલક્ષી તખ્તો, એજન્ડા તૈયાર કરવામાં જુટાઈ ગયા છે. તાજેતરમાં ગાંધીનગરના કમલમ ખાતે ભાજપની ચિંતન બેઠક મળી હતી. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ખાસ હાજરી આપી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોને માર્ગદર્શન પુરુ પાડયું હતું. તેમજ ગુજરાતની લોકસભાની ૨૬ બેઠક પર ભરી ભગવો લહેરાવવા ખાસ વ્યુહરચના પર વિચાર વિમર્શ કર્યો હતો. ભાજપના અમિત શાહ બાદ હવે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી જુલાઈ માસમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લઈ રાજયની લોકસભાની તમામ ૨૬ બેઠકો જીતવા કાર્યકર્તાઓને દિશા-સુચન કરશે. ગુજરાતના એઆઈસીસી ઈનચાર્જ રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અન્ય કોંગી આગેવાનોએ નવા ચુંટાયેલા જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ ધારાસભ્યો સાથે ખાસ મીટીંગ યોજી હતી અને આગામી લોકસભા ચુંટણી જીતવાના લક્ષ્ય સાથે વિવિધ એજન્ડ પર ચર્ચા કરી હતી.
આ બેઠકમાં રાજીવ સાતવે કાર્યકર્તાઓ અને તમામ હાજર આગેવાનોને સંબોધન કરી માર્ગદર્શન પુરુ પાડયું હતું અને જણાવ્યું હતું કે, આગામી જુલાઈ માસમાં પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવનાર છે.