રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી ધોબી પછડાટની નિરાશા ખંખેરી કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીની તૈયારીનું રણશીંગુ ફૂંકવા જઇ રહ્યા છે. જે ભારત જોડો યાત્રાને અભૂતપૂર્વ સફળતા મળ્યા બાદ આગામી 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી રાહુલ ગાંધી દ્વારા ‘ભારત ન્યાય યાત્રા’ યોજવામાં આવશે.
20મી માર્ચ સુધી ભારતના 14 રાજ્યોમાં પસાર થશે રાહુલની યાત્રા: લોકસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાશે
આગામી 14મી જાન્યુઆરીથી મણીપુર રાજ્યમાંથી રાહુલ ગાંધીની ‘ભારત ન્યાય યાત્રા’નો આરંભ થશે અને યાત્રાનું સમાપન 20મી માર્ચના રોજ મુંબઇ ખાતે થશે. 14 રાજ્યોમાંથી પસાર થનારી આ યાત્રા 6,200 કિલોમીટરનું અંતર કાપશે. જેમાં મણીપુર ઉપરાંત નાગાલેન્ડ, આસમ, મેઘાલય, પશ્ર્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિસ્સા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે.
દેશમાં વધી રહેલી આર્થિક અસમાનતા, સામાજીક ધૃવીકરણને રોકવા અને સર્વ સમાવેશી રાજનીતી ‘ભારત ન્યાય યાત્રા’નો મુખ્ય ઉદેશ રહેશે. લોકોને આર્થિક ન્યાય, સામાજીક ન્યાય, રાજકીય ન્યાય મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને દેશવાસીઓનું જબ્બર સમર્થન મળ્યું હતું. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે રાહુલ ગાંધી દ્વારા ‘ભારત ન્યાય યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આરંભ 14મી જાન્યુઆરીથી મણીપુર ખાતેથી કરવામાં આવશે.