રાયબરેલી બેઠકના સાંસદ તરીકે રાહુલ ગાંધીનું ત્યાં પહોંચવું નિહાયત જરૂરી હતું
રાહુલ ગાંધી હાલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે ચૂંટણી પ્રચાર માટે આવેલા હતા. તે દરમિયાન ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લામાં એનટીપીસીના ઉંચાહાર પ્લાન્ટમાં બોઈલર ફાટતા ૧૮ લોકોના મૃત્યુ થયા તો ૧૦૦થી વધુ કર્મચારીઓ ઘાયલ થયા હતા. તેથી રાહુલે ગુજરાત યાત્રા ટૂંકાવી તે ઘટના સ્થળે પહોંચવા નીકળી ગયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલાઓને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. રાયબરેલી જિલ્લાનું સબ ડિવિઝન ઉંચાહાર ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉથી ૧૧૦ કિ.મી. દૂર આવેલું છે. એડિશનલ ડાયરેકટર જનરલ આનંદકુમારે જણાવ્યું હતું કે, રાહત અને બચાવ કામગીરી માટે એડિશનલ ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્રણ દિવસ માટે મોરેશિયસના પ્રવાસે ગયેલા મુખ્ય પ્રધાન આદિત્યનાથે બચાવ કામગીરી ઝડપી બનાવવાના આદેશ આપ્યા છે.
આ દુર્ઘટના ઘટયા બાદ એનટીપીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટમાં ૫૦૦ મેગાવોટનું બોઈલર ફાટી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. એનટીપીસીના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
મુખ્ય અધિકારીઓ તેમજ બચાવ કર્મચારીઓ સહિત પોલીસ અને ફાયરબ્રિગેડની પણ લોકોને મદદ મળી રહી હતી.