કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે સવારે તેઓ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાંથી રાહુલ ગાંધી જબુંસર જવા રવાના થયા છે. રાહુલ ગાંધી આજે જંબુસર, દયાદરા અને અંકલેશ્વરમાં જાહેરસભાને સંબોધિત કરશે. ગુજરાત પ્રવાસ દરમિયાન કૉંગ્રેસ ઉપાધ્યક્ષ પાટીદારો, મહિલાઓ, ખેડૂતો સહિતના વિવિધ વર્ગ સાથે બેઠક કરશે. સાથેસાથે જાહેરસભાઓ પણ ગજવશે.
રાહુલ ગાંધી વડોદરાની ખાનગી હોટલમાં ટૂંકુ રોકાણ કર્યુ છે. હોટલની બહાર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા , શક્તિસિંહ ગોહિલ , વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર રાવત, વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ અને ઋત્વીજ જોષી સહિતના નેતાઓ પણ હોટલ પર પહોંચી ગયા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ રાહુલ ગાંધીને જોવા માટે પહોંચ્યા છે. રાહુલ ગાંધી વડોદરાથી જબુંસર જવા રવાના થયા છે.
રાહુલ ગાંધી ગુજરાતમાં 6 જાહેરસભા કરશે. ઉપરાંત 11 મીટિંગ, સંવાદ જેવી નાની સભા કરશે. તેઓ જંબુસરથી સવારે 11 કલાકથી પ્રવાસનો આરંભ કરશે અને તા. 3જીએ રાત્રે સુરતમાં યાત્રા પૂર્ણ કરશે. તેમના પ્રવાસ દરમિયાન લગભગ 28 જેટલા વિધાનસભાના વિસ્તારને સીધા આવરી લેવામાં આવ્યા છે. તેઓ યાત્રામાં પાટીદાર ખેડૂતો, બેરોજગારીના મુદ્દે યુવાનો, જમીન અધિકાર, આદિવાસી, મહિલા સ્વાભિમાન, આશા વર્કરો, વેપાર-ઉદ્યોગ વર્ગ સાથે સંવાદ અને તેમના પ્રશ્નોને વાચા આપશે.