વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસનો પ્રચાર-પ્રસાર તેજ
ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે એક મહિના જેટલો સમય બાકી છે ત્યારે કોંગ્રેસે પણ ભાજપની જેમ પ્રચાર-પ્રસાર તેજ કર્યો છે. આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેમની ગુજરાત મુલાકાતથી સ્થાનિક આગેવાનો અને કાર્યકરોને પ્રચારનો નવો આત્મવિશ્ર્વાસ મળશે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદના રિવરફ્રન્ટ પર તબીબો, એન્જિનિયરો, ચાર્ટડ એકાઉન્ટન્ટ, એડવોકેટ અને પ્રાધ્યાપક અને વ્યાપારી સંગઠન સહિતના પ્રોફેશનલ્સ સાથે સામાજીક, રાજકીય અને આર્થિક બાબતો અંગે ‘સંવાદ’ કરશે. એ સાથે કોંગ્રેસ ઉપાધ્યક્ષ શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખો, પ્રદેશ પદાધિકારીઓ સાથે ચુંટણીલક્ષી જયારે સ્થાનિક સ્વરાજયની પંચાયતી રાજની સંસ્થાઓના ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ ગોષ્ઠી કરશે. આ માટે રિવરફ્રન્ટ પર કોંગ્રેસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
કોંગ્રેસના સુત્રોએ જણાવ્યું કે, બપોરે રાહુલ પક્ષના કાર્યકરો સાથે સંવાદ કરશે. ત્યારબાદ પ્રોફેશનલ્સને મળશે. સવા ચાર વાગ્યે ઉધોગ સાહસિકો અને વેપાર જગતના પ્રતિનિધિઓને મળશે. જયારે પોણા છ વાગ્યે સ્થાનિક સ્વરાજયની સંસ્થાના પ્રતિનિધિઓને મળશે. સાંજે સવા છ વાગ્યે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો, વિભાગીય વડાઓ અને વિવિધ સેલના પ્રમુખોને પણ મળશે અને તેમને સાંભળશે. કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના સંવાદ માટે રિવરફ્રન્ટ પર વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. અહીં ચાર ખાસ ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં સમાજના જુદા-જુદા વર્ગના ૫૦-૫૦ પ્રતિનિધિઓને રાહુલ ગાંધી મળશે અને તેમના પ્રશ્ર્નો સાંભળશે.
દરેક ડોમમાં રાહુલ ૪૫-૪૫ મિનિટ વિતાવશે અને પ્રતિનિધિઓ સાથે ખુલ્લા મને વાતચીત કરશે. ઉલ્લેખનીય છે કે પ્રસિઘ્ધ યાત્રાધામ દ્વારકાથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ ૨૨-૨૫ સપ્ટેમ્બર સુધીની પ્રથમ તબકકાની સૌરાષ્ટ્ર-ઉતર ગુજરાતની ચાર દિવસની યાત્રાનો પ્રારંભ કરશે. રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસે પાલડી રિવરફ્રન્ટ તરફ જતા તમામ રસ્તાઓ પર કોંગ્રેસના બેનરો સજાવી દીધા હતા.