ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ ૪૭ વર્ષના રાહુલને મંદિરે દર્શન કરવા જતો કરી દીધો: મંદિરમાં કેવી રીતે બેસવું તેનું જ્ઞાન પણ રાહુલ પાસે નથી: યોગીનો પ્રહાર

કોંગ્રેસ મુકત ભારત માટે ગુજરાતે અંતિમ કામ કરવાનું છે: વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો સરવાળો શૂન્ય થાય તેવી રીતે મતદાન કરવા યોગી આદિત્યાનાથની હાંકલ

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે આજે રાજકોટ પૂર્વના ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણીના સમર્થનમાં શહેરના ઉપલાકાંઠે એક જંગી જાહેરસભાને સંબોધતા દેશના સૌથી મોટા રાજય ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કોંગ્રેસ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ હિન્દુ સમાજના ભાગલા પડાવવાનું પાપ કર્યું છે. ગુજરાતના વિકાસ અંગે રાહુલને ચર્ચા કરવાનો કોઈ અધિકાર નથી. ગુજરાતવાસીઓને કોંગ્રેસ મુકત ભારત માટે અંતિમ કામ કરવાની આવશ્યકતા છે. રાજયમાં કમળ ખીલશે તે વાતમાં કોઈ શંકા નથી પરંતુ ચૂંટણીમાં કોંગ્રેસનો સરવાળો ઉતરપ્રદેશની માફક શૂન્ય થઈ જાય તે રીતે મતદાન કરવા રાજકોટવાસીઓની યોગી આદિત્યાનાથે હાંકલ કરી હતી.

શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં પાણીના ઘોડા પાસે વિધાનસભા ૬૮ બેઠક પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, આજે પ્રથમ ચરણની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર પૂર્ણ થઈ જશે. ગુજરાતના વિકાસના મોરલને રાજકોટની જનતાએ ફેંસલો કરવાનો છે. દેશના વડાપ્રધાન દુનિયાના કોઈપણ છેડે જાય ત્યારે લોકો ગુજરાતના ગૌરવ‚પ થકી તેઓનો સ્વીકાર કરે છે. એક વર્ષ પહેલા જયારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના વિકાસ માટે કઈ રીતે કામ કરવું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, મોદી જેમ વિકાસ માટે કાર્ય કરે છે તેવી જ રીતે હું અમેરિકા માટે વિકાસનું કામ કરીશ.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ૧૯૯૫ પહેલા આ રાજયના યુવાનોએ ગુજરાતની સ્થિતિ જોઈ છે તે સમયમાં અરાજકતા, દંગલ, ગુંડાગર્દીથી ભરેલુ રાજય હતું. જયારે આજે ગુજરાત શાંતિપૂર્ણ માહોલમાં છે. ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં વીજળી, પાણી, ગેસની પાઈપલાઈન જેવી અનેક યોજનાઓ અને ખાસ તો બુલેટ ટ્રેનનું પણ કાર્ય ગુજરાતમાં ચાલુ થયું છે તે ગૌરવની વાત છે. જેમ મહારાષ્ટ્રમાં મુંબઈ શહેર અનોખુ ગણાય છે તેમ ગુજરાતમાં પણ રાજકોટ અનોખુ ગણાય છે.

વડાપ્રધાને ગુજરાતને સરદાર સરોવર યોજનાની ભેટ આપી છે અને આ યોજનામાં કોંગ્રેસ ફકતને ફકત વાતો કરી હતી અને કાંઈ જ કરી શકી ન હતી. વિકાસના કાર્યોમાં રાહુલ ગાંધી ખુદ પોતે હસતા હોય છે પરંતુ તેઓના જ ગૃહ નિવાસ અમેઠીમાં યુપીની ચૂંટણી વખતે કોંગ્રેસ હારી ગયું હતું. અમેઠીમાં રાહુલ ગાંધીજીના માતા પણ સાંસદ રહી ચૂકયા છે. તેઓના પિતા પણ પ્રધાનમંત્રી અને દાદી પણ સાંસદ અને પ્રધાનમંત્રી રહી ચૂકયા છે. ચાર-ચાર પેઢીથી જયારે કોંગ્રેસનું શાસન ચાલતું હોય છતાં પણ યુપીમાં કોંગ્રેસ નિષ્ફળ નિવડી છે અને આજે રાહુલ ગાંધી ગુજરાતના વિકાસ ઉપર હસે છે ત્યારે તે ખૂદ જ હસવાનું પાત્ર બની જાય છે. રાહુલ પર નિશાન તાકતા યોગીએ જણાવ્યું હતું કે, ગુજરાતે જ રાહુલ ગાંધીને મંદિરમાં જવાનું શિખવ્યું છે. રાહુલ ગાંધીને તો મંદિરમાં પણ જવા માટે ટ્રેનીંગ આપવી પડે તેમ છે. જયારે તેઓ ઉત્તરપ્રદેશના કાશી વિશ્ર્વનાથ મંદિરમાં દર્શન માટે આવ્યા ત્યારે તેઓ નમાઝ પઢતા હોય તેવી રીતે દર્શન કરવા બેઠા હતા. ત્યાંના પૂજારીને પણ રાહુલ ગાંધીને ઠપકો આપવો પડયો હતો.

રાહુલ બોલે છે કે, હું જનોઈધારી હિન્દુ છું, ગુજરાતમાં તેઅોએ હિન્દુ બનવાના પ્રયાસ કર્યા છે. જયારે ગુજરાતના લોકો સંકટમાં હોય છે ત્યારે રાહુલ ગાંધી પીકનીક મનાવતા હોય છે. ગોધરાકાંડ વખતે પણ રાહુલ ગાંધી દેશની બહાર હતા. એ બધી તો જૂની વાત છે પરંતુ ચાર મહિના અગાઉ ગુજરાતમાં વરસાદના લીધે આફત આવી હતી ત્યારે પણ રાહુલ ગુજરાત નહોતા આવ્યા. સંકટ સમયે રાહુલ ગાંધીને ગુજરાત યાદ આવતું નથી. પરંતુ નરેન્દ્ર મોદી હરહંમેશ ગુજરાતની સાથે જ હોય છે.

વધુમાં તેઓએ રાહુલ ગાંધી પર પ્રશ્ર્ન કર્યો હતો કે, અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ કે નહીં. રામ મંદિરનો પ્રશ્ર્ન ઈ.સ.૧૫૨૮થી ચાલી રહ્યો છે. લાખો હિન્દુઓ શહિદ થઈ ગયા. ગત ૫ ડિસેમ્બરથી ડે ટુ ડે રામ મંદિર પર સુનાવણી થવાની હતી પરંતુ હાલ કોંગ્રેસી કપીલ સિબ્બલ કોર્ટમાં અપીલ કરે છે કે, સુનાવણી જુલાઈ ૨૦૧૯ સુધીમાં કરવામાં આવે. આતો જનતાની અદાલત છે અને જનતાને જાણવું જ‚રી છે માટે જ રાહુલ ગાંધી કહે છે કે, અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ કે નહીં.

કેન્દ્રમાં ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યારે દરરોજ કોંગી નેતાઓના ગોટાળાઓ સામે આવ્યા હતા. હવે જનતા સમજી ગઈ છે કે, હિમાચલપ્રદેશની ચૂંટણીમાં પણ કોંગ્રેસ ઝીરો પર રહી હતી. ઉત્તરપ્રદેશમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ ઝીરો રહી હતી અને રાહુલ ગાંધીના ગૃહ નિવાસ અમેઠીમાં પણ કોંગ્રેસને શુન્ય જ પ્રાપ્ત થયું છે અને હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને શુન્ય જ પ્રાપ્ત થવાનું છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરતા યોગીએ જણાવ્યું હતું કે, ગાંધીજી કહેલુ કે, આઝાદી બાદ કોંગ્રેસનું વિસર્જન થાય ને હાલમાં જ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની ચર્ચા ચાલી રહી છે. તો મને એવું લાગે છે કે, હવે બાપુનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને ૨૦૧૪માં જ જનતાએ કોંગ્રેસ મુકત સરકાર બનાવવાનું નકકી કર્યું હતું.

અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ વિજયી થવાની છે તે નિશ્ર્ચિત જ છે પરંતુ પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજયી બને તેવી અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.