નિવેદન મુદ્દે કોંગ્રેસ સામે આકરા પ્રહારો કરતા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિતેશ સોની
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં રાજય સરકારે લોકહિતમાં સંવેદનશીલ, નિર્ણાયક અને પારદર્શક રીતે નિર્ણયો લીધા છે તે ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે મહાત્મા ગાંધીજીની સલાહ હતી કે આઝાદી પછી કોંગ્રેસને વિખેરી નાંખવી જોઈએ. ભલે કોંગ્રેસે પાર્ટીને વિખેરી નહીં, પરંતુ અત્યારની પરિસ્થિતી જોતાં કોંગ્રેસ પોતાના વિચાર-વાણી અને વર્તન સાથે પોતાની પાંચ પ્રકારની વૃતિ,પ્રવૃતિ અને વિકૃતિનું વિસર્જન કરે તે સમાજહિત અને દેશહિતમાં છે. રાહુલ ગાંધીએ સીએએ -એનપી આર ને ટેક્ષ સાથે સરખાવી સૌથી મોટું જૂઠ્ઠાણું કહીને કોંગ્રેસની બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે. સીએએ કોઈપણ ભારતીય નાગરીકને અસર કરતો નથી કે લાગુ પડતો નથી અને એન.પી.આર એ દર દસ વર્ષે દેશમાં વસ્તીગણતરી થતી હોય છે. એટલે કે વર્ષ ૨૦૨૦માં તે મુજબ વસ્તી ગણતરી થવાની છે. આને ટેક્ષ સાથે કોઈપણ જાતનો સ્નાનસૂતક નો સંબંધ નથી. સીએએ અને એનપીઆર એ ટેક્ષ છે તેવું કહી ને રાહુલ ગાંધી એ દેશની જનતા ને ગુમરાહ કર્યા છે એટલુંજ નહીં જવાબદાર વિપક્ષ પાર્ટી ના જવાબદાર વ્યક્તિ તરીકે આવું જુઠાણું ફેલાવી રાહુલ ગાંધી એ સમગ્ર કોંગ્રેસ પાર્ટીની ઓછી વિચારશીલતા દર્શાવી છે.
કોંગ્રેસ કયાં મોઢે સંવિધાન બચાવોની વાત કરે છે. જે કોંગ્રેસે ૩૫૬ની કલમનો ૫૦ વાર દૂર ઉપયોગ કરીને લોકશાહી અને લોકમતથી ચૂંટાયેલી રાજય સરકારોને બરખાસ્ત કરી હતી. શું એ કોંગ્રેસનું સંવિધાન વિરોધી કૃત્ય ન હતું ?, કોંગ્રેસે બંધારણમાં ૮૬ વાર સુધારા કેમ કર્યા ?, જે કોંગ્રેસે આ દેશ ઉપર ૬૩૫ દિવસની કટોકટી નાંખીને લોકતંત્ર-મિડીયાતંત્ર-વહિવટીતંત્ર અને લશ્કરને બાનમાં લીધું અને લાખો લોકોને જેલમાં પૂર્યાં. શું તે સંવિધાન વિરોધી કૃત્ય ન હતું ?, કાશ્મીરમાં ૩૭૦ અને ૩૫-એ કલમ નાંખીને ભારતની સુપ્રિમ કોર્ટના ૧૦૮ કાયદા જમ્મુ-કાશ્મીરમાં લાગુ પડતાં ન હતાં અને ભારતના રાષ્ટ્રધ્વજને બાળે કે અપમાન કરે તો તેનો ગુન્હો ગણાતો ન હતો શું આ સંવિધાનના વિરોધી કૃત્ય ન હતું ?, બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબને ભારત રત્ન કોંગ્રેસે કેમ ન હતો આપ્યો ?,
કોંગ્રેસના કુશાસનમાં અંધારપટ, તોફાનો, ભયંકર ભ્રષ્ટાચાર હતો. તે લોકો ગુજરાત સરકારને ગુડ ગવરન્સ અંગે સલાહ આપી રહ્યાં છે તે હાસ્યાસ્પદ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં રાજય સરકાર લોક હિતમાં સંવેદનશીલ-નિર્ણાયક-પારદર્શક રીતે નિર્ણયો લઈ રહી છે તે ગુજરાતની જનતા જાણે છે. કોંગ્રેસનાં શાસનમાં અંધારપટ હતાં. જયારે ભાજપે ૨૪ કલાક વિજળી આપી છે. રાજ્યની લાખો હેકટર જમીનોને કેનાલ દ્વારા, સુજલામ-સુફલામ તેમજ સૌની યોજના દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી આપ્યું છે ત્યારે કોંગ્રેસ ગુડ ગવર્નેસ અંગે ગાંડી ડાહીને શિખામણ આપે તેવા નિવેદનો ન કરે. તેમ અંતમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રીતેશ સોની એ જણાવ્યું છે.