દ્રવિડને કોચ તરીકેની કામગીરી માટે 10 કરોડ રૂપિયાની ઓફર કરાઈ
અબતક, નવી દિલ્હી : રવિશાસ્ત્રીના કાર્યકાળનો સમય પૂરો થાય તે પહેલાં જ ટીમ ઇન્ડિયાને નવા હેડ કોચ મળી ગયા છે. પૂર્વ કેપ્ટન અને નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ રાહુલ દ્રવિડને નવા કોચ બનાવાયા છે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે. હાલ તેમનો કોન્ટ્રાક્ટ 2023 વર્લ્ડ કપ સુધીનો છે. તેમની સાથે જ સપોર્ટિંગ સ્ટાફમાં પણ ફેરફાર થયો છે. દ્રવિડને જ્યારે શ્રીલંકા પ્રવાસ પર લિમિટેડ ઓવરોની ટીમની સાથે કોચ બનાવીને મોકલ્યા હતા ત્યારબાદથી જ તેમને હેડ કોચ તરીકે સૌથી મોટા દાવેદાર મનાતા હતા.
જો કે તેઓ સતત હેડ કોચ બનવાની ના પાડતા હતા પરંતુ BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એક મહિના પહેલાં જ આના પર ઇશારો કરી દીધો હતો. ‘દાદા’ એ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને ખબર છે કે તેઓ આ જોબ માટે ઇચ્છુક નથી. તેમને કોઇ દિલચસ્પી નથી પરંતુ અત્યારે મેં તેમની સાથે વાત પણ કરી નથી. જ્યારે અમે તેના પર આવીશું ત્યારે જોઇશું.
ભારતીય ટીમના એક સમયના ધરખમ બેટસમેન અને ધ વોલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના આગામી કોચ બનશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને આપેલી જાણકારી પ્રમાણે બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે વાતચીત કર્યા બાદ દ્રવિડે કોચ તરીકેની જવાબદારી સ્વીકારવાની હા પાડી છે. બંને વચ્ચે શુક્રવારે આઈપીએલની ફાઈનલ દરમિયાન વાતચીત થઈ હતી. દ્રવિડ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર છે.
સૂત્રોના કહેવા પ્રમાણે દ્રવિડને કોચ તરીકેની કામગીરી માટે 10 કરોડ રૂપિયાની ઓફર કરાઈ છે. સાથે સાથે તેમને બોનસ પણ અપાશે. હાલના કોચ રવિ શાસ્ત્રીની સેલેરી 8.5 કરોડ રૂપિયા છે. દ્રવિડ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી રમનારા ટી.20 વિશ્વકપ બાદ ભારતીય ટીમના કોચ તરીકે કામગીરી શરૂ કરશે. તેમનો બે વર્ષનો કાર્યકાળ રહેશે. ટી 20 વિશ્વકપ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસે આવવાની છે. બંને ટીમો વચ્ચે ત્રણ ટી 20 વન ડે અને બે ટેસ્ટની સિરિઝ રમાવાની છે.
એવુ મનાઈ રહ્યુ છે કે, હાલના બેટિંગ કોચ વિક્રમ રાઠોડને ચાલુ રખાશે. જ્યારે હાલના બોલિંગ કોચ ભરત અરુણની જગ્યાએ પારસ મહામ્બ્રે બોલિંગ કોચ બનશે. જ્યારે ફિલ્ડિંગ કોચ શ્રીધરના રિપ્લેસમેન્ટ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.