મોદી સરકારની ધ્રુણા અને હિંસાની વિચારધારા સામે આઝાદીની લડાઈ છેડાઈ

વર્ધાના સેવાગ્રામ આશ્રમ ખાતે ૭૫ વર્ષ બાદ સી.ડબલ્યુ.સી. ની બેઠક: સોનિયા ગાંધી અને મનમોહનસિંઘ સહિતના વરીષ્ઠ નેતાઓની હાજરી

ભારતને અંગ્રેજોની ૧૫૦ વર્ષની ગુલામીમાંથી મુકત કરાવવા ચળવળકારોએ લાંબી લડત ચલાવી હતી તેવી જ રીતે દેશમાંથી મોદી સરકારને ખદેડવા માટે કોંગ્રેસ સત્યાગ્રહ જેવી લાંબી ચળવળ લડવાના મુડમાં છે. કોંગ્રેસ કોઈપણ રીતે એનડીએ સરકારની હટાવી પોતાની સરકાર લાવવા માંગે છે.

ગઈકાલે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિતે વર્ધા ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની વિચારધારાનો નાશ કરવાનો પ્રયાસ કરનાર ભાજપને સતા પરથી ખદેડવા કોંગ્રેસના કાર્યકરોને આહવાન કર્યું હતું.

તેમણે મોદી સરકારની ભાગલા પાડવાની નીતિ હોવાનો આક્ષેપ કર્યો હતો અને મહાત્મા ગાંધીની હત્યા પાછળ સંઘની વિચારધારા કારણભૂત હોવાનો ગંભીર આક્ષેપ પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યો હતો.

ગઈકાલની કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધી તેમજ મનમોહનસિંઘ સહિતના વરિષ્ઠ નેતાઓ ખાસ હાજર રહ્યા હતા. સી.ડબલ્યુ.સી.ના ઢંઢેરામાં સખ્ત શબ્દોમાં કહ્યું હતું કે, વર્તમાન સમયમાં આઝાદીની નવી ચળવળની તાતી જરૂર છે.

મોદી સરકારની ધ્રુણા અને હિંસાની વિચારધારા સામે જંગ છેડાશે તેવું પણ આ બેઠકમાં જણાવાયું હતું. સીડબલ્યુસીના ઢંઢેરામાં દાવો કરાયો હતો કે, માત્ર કોંગ્રેસે જ સાચી રીતે ભારતનો પાયો નાખ્યો છે.ભારતની બિનસાંપ્રદાયિકતા અને લોકતાંત્રીક ગતિવિધીને જાળવી રાખી છે.ચુંટણીઓ તો આવશે અને જશે પરંતુ વિચારધારાની લડાઈ જરૂરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૭૫ વર્ષમાં સેવાગ્રામ ખાતે સીડબલ્યુસીની આ બીજી મીટીંગ યોજાઈ હતી. વર્ષ ૧૯૪૨માં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં મીટીંગ મળી હતી ત્યાંથી ભારત છોડો આંદોલનનો પ્રારંભ બ્રિટીશરાજ સામે થયો હતો જેના સંદર્ભે મંગળવારે કોંગ્રેસે કહ્યું હતું કે, હવે ફરીથી આઝાદીની જંગનો પ્રારંભ થશે અને મોદી સરકારથી દેશને મુકિત આપવામાં આવશે. આ બેઠકમાં સરકાર પર જીએસટી અને રફાલ વિમાન સહિતના મુદ્દે આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.