ગુજરાતમાં પરપ્રાંતિય લોકો ભયમાં જીવે છે તેવા રઘુ શર્માના નિવેદનનો ઉગ્ર વિરોધ
રાજસ્થાનના આરોગ્ય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ગઈકાલે એવું નિવેદન આપ્યું હતું કે, ભાજપના રાજમાં ગુજરાતમાં બહારથી આવેલા લોકો ભયના માહોલમાં જીવી રહ્યાં છે. જેનો આકરો વિરોધ કરતા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પરપ્રાંતિય લોકો ભય હેઠળ જીવી રહ્યાં હોવાનું કહી રઘુ શર્માએ ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે.
આ મામલે તેઓએ ગુજરાતની જનતાની માફી માગવી જોઈએ. આખા ગુજરાતમાં સમગ્ર દેશના જુદા જુદા રાજ્યના લોકો વસવાટ કરી રહ્યાં છે. પરપ્રાંતિયોને ગુજરાતમાં રોટલો, ઓટલો બન્ને પ્રાપ્ત થઈ રહ્યાં છે. ત્યારે તેઓનું આ નિવેદન ખુબજ વિવાદાસ્પદ છે. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ રઘુ શર્માના આ નિવેદનની આલોચના કરી હતી.