શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટનાથી રાજયભરમાં ખળભળાટ
જામનગરની ચર્ચાસ્પદ એમ.પી.શાહ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં સિનિયર વિદ્યાર્થીઓએ એક જુનિયર છાત્રનાં રૂમનાં તાળા તોડી સામાન બહાર ફેંકી દઈ તેને ઢોર મારમારી હોસ્ટેલમાંથી કાઢી મુકયાની ચકચારી ઘટના સામે આવી છે. નવાઈની વાત તો એ છે કે, કોલેજ તંત્ર આખી વાતને હળવાશથી લઈ રહ્યું છે. બીજી બાજુ સિનિયર વિદ્યાર્થીઓની જંગાલિયતનો ભોગ બનેલો છાત્ર ભાંગી પડયો છે. સ્કોલરશીપ પર અભ્યાસ કરતા વિદ્યાર્થીને ભણાવવા તેના પિતા દિવસ રાત ડ્રાઈવીંગ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
એમ.પી.શાહ મેડિકલ કોલેજનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો પાર્થ સુરેશભાઈ રાઠોડ નામનો વિદ્યાર્થી હોસ્ટેલ નં.૪ના રૂમ નં.૨૮માં બીજા માળે રહે છે. ગત તા.૨૩મેનાં રોજ હોસ્ટેલનાં રૂમને તાળા મારી પરીક્ષા અન્વયે વાંચવા માટે ઘરે જતો રહ્યો હતો. તા.૨૫ મેના રોજ પરીક્ષાનું પેપર પૂર્ણ થયા બાદ તે હોસ્ટેલ પર પહોંચતા તેના રૂમમાં અન્ય કોઈ ધવલ નાંધા નામનો વિદ્યાર્થી હતો તેને પોતાના રૂમ બાબતે પુંછતા આ લોબી એસ.જી.ગ્રુપ વાળાઓની છે અને તારો ભંગાર સામાન નીચે ફેંકી દીધો છે તેમ કહ્યું હતું જે અંગે પાર્થે દલીલ કરતા એસ.જી.ગ્રુપનાં નામે સંગઠિત સિનિયર વિદ્યાર્થીઓ એક જુથ થઈ ગયા અને દાદાગીરી કરી પાર્થને મારવા લાગ્યા હતા.
ઢોર માર મારતા ડઘાઈ ગયેલો પાર્થ હોસ્ટેલથી પોતાના ઘરે ચાલ્યો ગયો અને કોઈને કશું કહ્યા વગર ઘરે જઈને સુઈ ગયો હતો પરંતુ બીજા દિવસે તેને ફોન પર સિનિયરોનો ફોન આવ્યો અને કાનમાં કીડા પડી જાય તેવી ગાળો ભાંડી તેને જોઈ લેવાની ધમકી આપતા પાર્થ માનસિક રીતે ભાંગી પડયો હતો. પરિવારજનોએ કોલેજ તંત્રને કહેતા તેઓએ પગલા લેવાની અને કોઈને વાત ન કરવાનું કહીં કોલેજની બદનામી થશે તેમ જણાવી વાત દબાવી દીધી હતી. આમ મેડિકલ કોલેજમાં બનેલી ચકચારી રેગીંગની ઘટનાથી વિદ્યાર્થીઓ સમુહમાં ભારે ચકચાર જાગી છે.રેગીંગનો ભોગ બનેલો પાર્થ ભણવામાં તેજસ્વી છે, અત્યંત ગરીબ કુટુંબમાંથી આવતો પાર્થ પોતાની સ્કોલરશીપથી ફી ભરે છે અને તેના પિતા દિવસ રાત ડ્રાઈવીંગ કરી પુત્રને ડોકટર બનાવવાનું સપનું જોઈ રહ્યા છે. પાર્થની બહેન હાલમાં જ એન્જીનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કરી ઈજનેર બની છે.