- કુલ સ્ટાફના માત્ર 25 ટકા તબીબો જ વધારાના સમયમાં ફરજ બજાવે છે : તબીબી અધિક્ષક
- જુનિયર ડોક્ટરોએ વધારાનો સમય પાછો ખેંચવા સૂત્રોચ્ચાર સાથે કરી માંગ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલોમાં ઓ.પી.ડી.નો સમય વધારવાનો નિર્ણય લેવાતા તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સોમવારે સાંજે જુનિયર ડોક્ટર્સ એસોસીએશનના તબીબોએ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને હોસ્પિટલમા જ રેલી કાઢી સિવિલ સુપ્રીટેન્ડન્ટ, ડીન અને આર.એમ.ઓ.ને આવેદન આપ્યુ હતુ.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલોમાં દરરોજ સવારે 9 થી 1 ઉપરાંત સાંજે 4 થી 8 પણ ઓ.પી.ડી. ચાલુ રાખવા નિર્ણય લીધો છે. એટલું જ નહીં પરંતુ રવિવારે પણ ફરજ બજાવવાનો આદેશ થતા રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં તબીબોએ વિરોધ નોંધાવ્યો છે.
તે દરમિયાન રાજકોટ સીવીલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદીને પૂછતાં જણાવ્યું કે, હાલ સિવિલમાં દરરોજની 2,300 જેટલી ઓ.પી.ડી. આવે છે. જેમાં એક્સ્ટ્રા ઓ.પી.ડી. શનિવારથી શરુ થઇ. જેમાં 75% તબીબો આવતા નથી. રવિવારે રજાના દિવસે ચાલુ રખાતા સવારે 9 થી 1 માં 118 ઓ.પી.ડી. આવી હતી. જોકે 250 ડોક્ટર, 100 મેડીકલ ઓફ્સિર અને 250 રેસીડન્ટ ડોક્ટર્સમાંથી માત્ર 25 ટકા જ એક્સ્ટ્રા ઓ.પી.ડી.માં આવે છે.
તો બીજી તરફ સોમવારે સાંજે જુનિયર ડોક્ટર્સ દ્વારા પહેલા સિવિલ સર્જનની કચેરી સામે અને તે બાદ ઓ.પી.ડી. બિલ્ડીંગ પાસે એક્સ્ટ્રા ઓ.પી.ડી.નો આદેશ પરત ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને એકસ્ટ્રા ઓ.પી.ડી.નો નિર્ણય સરકાર પરત ખેંચે તેવી માંગ કરી હતી. આ અંગે જેડીયુના પ્રમુખ ડો.પ્રશાંતે જણાવ્યું કે, ઓ.પી. ડી.નો સમય વધારાતા ઈમરજન્સી અને આઈ.સી.યુ.ના દર્દીઓને અસર ઉપરાંત તબીબો પર માનસિક અને શારીરિક તણાવ વધે છે.