ગાંધીનગર ખાતે એશિયન રેડિયોલોજી ફોરમ અને IRIA-૨૦૨૦ની ૭૩મી વાર્ષિક કોન્ફરન્સનો શુભારંભ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રેડિયોલોજીની વૈશ્વિક કોન્ફરન્સમાં સમગ્ર માનવજાતના કલ્યાણ અને સ્વાસ્થ્ય માટે અંતરિયાળ વિસ્તારોમાં ટેલી મેડિસીનની જેમ ટેલી રેડિયોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે એશિયન રેડિયોલોજી ફોરમ અને IRIA-૨૦૨૦ની ૭૩મી વાર્ષિક કોન્ફરન્સનો શુભારંભ કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે અનેક ક્ષેત્રોમાં વિકાસ સાધ્યો છે ત્યારે સ્વસ્થ ભારતના નિર્માણમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ નવા આરોગ્યલક્ષી આયામો હાથ ધર્યા છે. જેમાં આજની આ રેડિયોલોજી અંગેની પરિષદ ચોક્કસ માઇલસ્ટોન પ્રસ્થાપિત થશે.
રૂપાણીએ ઉમેર્યુ કે, નાગરિકોને આરોગ્ય સુરક્ષા પુરી પાડવા માટે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આયુષમાન ભારત યોજના થકી દેશના કરોડો નાગરિકોને સ્વાસ્થ્ય લક્ષી સુવિધા-સુરક્ષા પૂરી પાડી છે. ગુજરાત સરકારે પણ મુખ્યમંત્રી મા અમૃતમ યોજના હેઠળ જરૂરિયાત મંદ લોકોને પ લાખ સુધીની કેશલેશ આરોગ્ય સુવીદ્યા પૂરી પાડી છે.
રૂપાણીએ કહ્યું કે, આરોગ્ય શિક્ષણ અને આરોગ્ય સુવિદ્યાઓ માટે ગુજરાત હબ બન્યુ છે ત્યારે ગુજરાતમાં રેડિયોલોજીનો વ્યાપ વધારવા અને નાગરિકોને વધુ આરોગ્યલક્ષી સુવિદ્યાઓ ઉપલબ્ધ બને એ માટે રેડિયોલોજીની બેઠકોમાં વધારો કરવામાં આવશે.તેમણે કહ્યું કે, કેન્સર જેવા ગંભીર રોગોમાં પણ હવે રેડિયોલોજી ક્ષેત્રે વિકસેલી આધુનિક ટેકનોલોજીના માધ્યમથી પ્રથમ ચરણોમાં જ નિદાન શક્ય બન્યુ છે. આવા ગંભીર રોગોમાં વધુ ઉત્તમ સુવિદ્યાઓ ઉપલબ્ધ બનાવવા આ કોન્ફરન્સ મહત્વની સાબિત થશે.
રૂપાણીએ ઉમેર્યુ કે, રેડિયો ડાયગ્નોસિસમાં રેડિયેશન સેફ્ટીનું ખૂબ મહત્વ હોય છે. જે માટે તમામ નિદાન કેન્દ્રો ઉપર બાર્ક (BARC) દ્વારા નક્કી કરેલા માપદંડો મુજબ સુરક્ષા ધોરણો લાગુ કરવામાં આવી રહ્યા છે. આઇ.આર.આઇ.એ.ને ડાયનેમીક યુવા અને ઉત્સાહી રેડિયોલોજીસ્ટની ભાગીદારી અને નવા સંશોધનથી નવી ટીમ તૈયાર થઇ રહી છે જે સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ માટે ખૂબજ અગત્યની બની રહેશે. આ કોન્ફરન્સમાં લશ્કરના જવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે એક ખાસ સત્રનું આયોજન કરાયુ છે. જેમાં તમામ વ્યાખ્યાન અને ચર્ચા સત્રોનું સંચાલન લશ્કરના જવાનો કરશે એ આપણા સૌ માટે ગૌરવરૂપ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, નવી ઉભરતી અને તેને સંલગ્ન શાખાઓમાં એનીમલ રેડિયોલોજી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે જે પ્રશંસાને પાત્ર છે .વૈશ્વિકકક્ષાની આ રેડિયોલોજી કોન્ફરન્સની સફળતા માટે મુખ્યમંત્રીએ તમામને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે IRIAના અધ્યક્ષ ડો. હેમંત પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતુ કે, રેડિયોલોજી ક્ષેત્રની આ કોન્ફરન્સ વિશ્વની નંબર વન કોન્ફરન્સ બની રહેશે. IRIA એ રેડિયોલોજી-સોનોગ્રાફી ક્ષેત્રે મેળવેલા રિસર્ચ સહિતના એચિવમેન્ટ્સ વિશે જણાવીને શ્રી પટેલે ઉમેર્યુ હતુ કે, ભારતભરમાં IRIAનાં એક પણ રેડિયોલોજીસ્ટ સભ્ય જાતિ પરિક્ષણના દુષણ સાથે સંકળાયેલા નથી તે જાહેર કરતા હું ગર્વ અનુભવુ છું.
મહાત્મા મંદિર સહિત દેશના વિવિધ સ્થળોએ એક લાખ જેટલા વૃક્ષો વાવીને IRIA એશોસીએશને પર્યાવરણના જતનની નવી પહેલ કરી છે. મુખ્યમંત્રીના હસ્તે રેડિયોલોજી ક્ષેત્રે કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ વિવિધ તજજ્ઞોને પ્રેસિડેન્ટ એપ્રિશિએશન એવોર્ડ આપી સન્માતિત કરાયા હતા. આ પ્રસંગે IRIAના નવા પ્રમુખ તરીકે ડો. દિપક પાટકરની નિમણૂંક કરવામાં આવી હતી.
મહાત્મા મંદિર ખાતે યોજાયેલ એશિયન રેડિયોલોજી ફોરમ અને IRIA ૨૦૨૦ની ૭૩મી વાર્ષિક કોન્ફરન્સમાં જાપાન, હોંગકોંગ, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા એશિયન દેશોની સાથે સાથે અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, ઓમાન જેવા દેશો પણ ભાગ લઇ રહ્યા છે.
રીસર્ચ ટુ રીઆલિટી વિષય સાથે આયોજિત આ એશિયન રેડિયોલોજી ફોરમમાં દેશ-વિદેશની રેડિયોલોજી ક્ષેત્રની નામાંકિત કંપનીઓનું વિશાળ પ્રદર્શન યોજાયું હતું.
આ પ્રસંગે રેડિયોલોજી ક્ષેત્રના અગ્રણીઓ-તજજ્ઞો, અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓમાન સહિત દેશ-વિદેશના વિષય નિષ્ણાંતશ્રીઓ, ફેકલ્ટીશ્રીઓ, તબીબશ્રીઓ, રીસર્ચર્સ અને ટ્રેડ પાર્ટનર્સ ઉપસ્થિત રહ્યા હતા.