નાટકો ઉપરાંત લોક સંગીતનો અમુલ્ય ખજાનો અને હેમુ ગઢવી-દુલા ભાયા કાગ-યશવંત ભટ્ટ અને દિવાળીબેન ભીલ સહિતના કલાકારોને માણવા મળશે

અત્યારે જયારે સમગ્ર રાષ્ટ્ર કોરોના સામે લડી રહ્યું છે અને લોકો લોક ડાઉનમાં ઘરમાં જ રહીને આ મહામારીને મહાત કરવા દેશને મદદ કરી રહ્યાં છે ત્યારે લોકોના મનોરંજન અને માહિતી માટે આકાશવાણી સતત પ્રસારણ કરી રહ્યું છે. પ્રસાર ભારતીના સી.ઈ.ઓ. શશી વેમ્પતીના પ્રયત્નો એ રહ્યાં છે કે આકાશવાણીના લાયબ્રેરીમાં ઉત્તમ ખજાનો છે તે લોકો માટે જુદાં જુદાં પ્લેટફોર્મ પર મુકીને લોકોને એ વારસાથી અવગત કરાવી શકાય અને સાથોસાથ મનોરંજન પણ આપી શકીએ. એમણે સ્વપ્ન સેવ્યું કે આકાશવાણી પર નિર્માણ કરેલા નાટકો અને લોક સંગીતના કાર્યક્રમો યુ-ટયુબ ચેનલ પર મુકીને લોકોને એ વારસાથી અવગત કરીએ. આ વિચારને સાકાર કરવા દરેક કેન્દ્રને એમણે જણાવ્યું અને તે અંતર્ગત વેસ્ટ ઝોનના અપર મહાનિદેશક નીરજ અગરવાલે  અંગત રસ લઈને ગુજરાતના કેન્દ્રોના કાર્યક્રમ અધ્યક્ષ સાથે ચર્ચા-વિચારણા કરીને આ નાટકો સત્વરે યુ-ટયુબ પર મૂકી શકાય તે માટે પ્રોત્સાહિત કરીને યોગ્ય માર્ગદર્શન આપીને જરૂરી સહાય કરીને આ કાર્ય શરુ કરાવ્યું છે. આ યોજના અંતર્ગત આકાશવાણી રાજકોટ અને અમદાવાદ-વડોદરા દ્વારા રેડિયો નાટકો શ્રોતાઓ માટે યુ-ટયુબપર મુકવાનું શરુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આકાશવાણી રાજકોટ દ્વારા મનુભાઈ પંચોળી દર્શકની નવલકથા દીપ નિર્વાણ , ર. વ. દેસાઈની નવલકથા ભારેલો અગ્નિ અને સૌરાષ્ટ્રના સંત સત દેવીદાસ પરની રેડિયો નાટ્ય શ્રેણી અને બીજા અન્ય નાટકો મળીને પચાસથી વધુ રેડિયો નાટકો અને આકાશવાણી અમદાવા-વડોદરા દ્વારા વીસથી વધુ નાટકો યુ-ટયુબ પર અપ લોડ કરી દીધાં છે. આકાશવાણી રાજકોટ દ્વારા તાજેતરમાં અવસાન પામેલા સાહિત્યકાર કુન્દનિકા કાપડિયાને આપેલી અંજલિનો વિડીયો ખૂબ જ જોવાયો છે. અત્યારે કોરોના વિષે જે સંદેશાઓનું પ્રસારણ કરાય છે તેની પણ વિડીયો ઢજ્ઞીઝીબય પર મુકવામાં આવે છે. આકાશવાણી રાજકોટની યુ-ટયુબ ચેનલ ઓલ ઈન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી અમદાવાદ-વડોદરાની યુ-ટયુબ ચેનલ આકાશવાણી અમદાવાદ સૌ માટે ઉપલબ્ધ છે.

આ લોક ડાઉનના સમયમાં લોકો ઘરમાં જ રહે સ્વસ્થ રહે અને તેમને ગમતાં કાર્યક્રમો અમારી આ યુ-ટયુબ ચેનલ પરથી સાંભળી શકે. આ ઉપરાંત આકાશવાણી રાજકોટ એનાં તમામ પ્રસારણો યુ-ટયુબ પર લાઇવ આપે છે એટલે જેમની પાસે રેડિયો ન હોય તે પણ યુ-ટયુબ પર રેડિયો સાંભળી શકે. એ ઉપરાંત ન્યુઝ ઓન એર એપ આ ડાઉનલોડ કરીને દેશનાં કોઈ પણ કેન્દ્રનું પ્રસારણ સાંભળી શકે છે.

આગામી દિવસોમાં આકાશવાણી રાજકોટ દ્વારા નાટકો ઉપરાંત લોક સંગીતનો અમુલ્ય ખજાનો-વારસો લોકો સમક્ષ યુ-ટયુબ ચેનલ દ્વારા ઉપલબ્ધ કરાવશે. જેમાં કવિ દુલા ભાયા કાગ, હેમુ ગઢવી, લાખાભાઈ ગઢવી, યશવંત ભટ્ટ, મુગટલાલ જોશી દિવાળીબેન ભીલ અને બીજા સુખ્યાત કલાકારોનો સમાવેશ કરવામાં આવશે. આ રીતે વર્તમાન સમયમાં લોકોને સંગીત અને નાટક દ્વારા મનોરંજન પૂરું પાડી શકાશે અને આપણા એ વારસાથી અવગત પણ કરી શકાશે.

તો, સૌને નમ્ર વિનંતી છે કે આકાશવાણી રાજકોટ અને અમદાવાદ-વડોદરાની યુ-ટયુબ ચેનલ સબસ્ક્રાઈબ કરે અને ગમતાં કાર્યક્રમોનો આનંદ લઇ શકશે તેમ આકાશવાણી રાજકોટના સહાયક નિર્દેશક વસંત જોશીએ જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.