- વિશ્વનું સૌથી વ્યાપ ધરાવતું માધ્યમ : રેડિયો
આજે વિશ્વ રેડિયો દિવસ
એક જમાનામાં રેડિયો આપણા જીવન શૈલી સાથે વણાયેલું માધ્યમ હતું , જેનાથી માનવી મનોરંજન મેળવતો હતો : રેડિયો શિક્ષિત કરે , મનોરંજન કરે છે અને સશક્ત બનાવે છે : તે એક પરિવર્તનના અવાજ સાથે આપણા પર્યાવરણને અનુકૂળ આપણો નજીકનો સાથી હતો.
આજે પણ ડિજિટલ યુગમાં મોબાઈલ એપ દ્વારા અવિસ્મરણીય રેડિયો કાર્યક્રમો માણતા શ્રોતાઓ: દરરોજ રાત્રે આવતા છાયાગીત કાર્યક્રમમાં ગીતો અને શનિવારે વિશેષ જયમાલા કાર્યક્રમ સાંભળવા સાથે ક્રિકેટ કોમેન્ટરી અને સમાચારો સાંભળવાની પણ ખૂબ જ મજા આવતી.
13 ફેબ્રુઆરીના એટલે વિશ્ર રેડિયો દિવસ. સેટેલાઇટ રેડિયો, સામુદાયિક રેડિયો, બ્રોડબેન્ડ રેડિયો, કેમ્પસ રેડિયો, એફ.એમ. રેડિયો, એ.એમ રેડિયોના રૂપે આજે રેડિયો આપણને મનોરંજન, શિક્ષણ અને માહિતી આપતું સરળ અને સુલભ, શ્રાવ્ય માધ્યમ બની ગયું છે, શિક્ષણના પ્રચાર, અભિવ્યક્તિની સ્વાતંત્રતા, સાર્વજનિક ચર્ચા અને અન્ય સમાજ ઉપયોગી કાર્યોમાં રેડિયોની ભૂમિકા અદભૂત રહી છે. જેને લોકો સમક્ષ લઈ જવા સંયુક્ત રાષ્ટ્ર સંઘ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠને પહેલી વાર 13 ફેબ્રુઆરી 2012ના રોજ વિશ્વ રેડિયો દિવસ ઊજવ્યો અને ત્યારબાદ દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં રેડીયો દિવસ ની ઉજવણી શરૂ થઈ, અત્રે ઉલ્લેખનીય છે કે 13 ફેબ્રુઆરી એટલે સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની જન્મતારીખ. આ દિવસે જ વર્ષ 1946 માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત થઈ હતી. માટે આ દિવસની ખાસ પસંદગી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે. ત્યારે આવો, આ રેડિયો દિવસે તેની ગઈકાલ, આજ અને આવતીકાલ ને યાદ કરીએ
વર્ષ 1900માં ગુલ્યેલ્મો માર્કોનીએ રેડિયો સંદેશ મોકલવામાં સફળતા મેળવી લીધી હતી. તેણે સૌપ્રથમ એક વ્યક્તિગત રેડિયો સંદેશ ઇંગ્લેન્ડથી અમેરિકા મોકલવામાં સફળતા મેળવી. કોઈ પણ તાર વગર (વાયરલેસ) ખૂબ લાંબા અંતરે સંદેશો મોકલવાની શરૂઆત માર્કોનીએ કરી હતી. ત્યારબાદ 24 ડિસેમ્બર 1906ની એક સુંવાળી સાંજે કેનેડાના વિજ્ઞાની રેગિનાલ્ડ હેસેન્ડેને જ્યારે પોતાનું વાયોલિન વગાડ્યું ત્યારે એટલાન્ટિક મહાસાગરમાં તરતાં તમામ જહાજોના રેડિયો ઓપરેટરોએ વાયોલિનના સૂર પોતાના રેડિયો સેટ પર સાંભળ્યા.આમ માર્કોની અને રેગિનાલ્ડના આ સફળ પ્રયોગ પછી રેડિયો પ્રસારણના ક્રાંતિકારી પ્રયોગો શરૂ થયા. 1920માં નૌસેનાના રેડિયો વિભાગના નિવૃત્ત ફ્રેક કોનાર્ડે રેડિયો સ્ટેશન શરૂ કરવાની પરવાનગી મળી. રેડિયો સ્ટેશન શરૂ કરવાની મંજૂરી મળી હોય તેવો આ દુનિયાનો પહેલો વ્યક્તિ હતો. પછી થોડાંક જ વર્ષોમાં દુનિયાભરમાં સેંકડો રેડિયો સ્ટેશન ખૂલી ગયાં. બ્રિટનમાં બીબીસી રેડિયો અને અમેરિકાના સીબીએસ અને એનબીસી જેવાં રેડિયો સ્ટેશનની શરૂઆત પણ આ જ સમયગાળામાં થઈ.
જૂન 1923માં ભારતમાં રેડિયો ક્લબ ઓફ બોમ્બે નામનું પહેલું અને ખાનગી રેડિયો પ્રસાર શરૂ થયું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર 1923માં કલકત્તા રેડિયો ક્લબની સ્થાપના થઈ. આ પણ એક ખાનગી રેડિયો ક્લબ હતું. 23 જુલાઈ 1927ના રોજ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની શરૂઆત થઈ જે ત્રણ વર્ષ બાદ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સેવામાં રૂપાંતરિત થઈ. ઑગસ્ટ 1935માં લિયોનેલ ફીલ્ડેનને ભારતના પ્રથમ પ્રસારણ નિયંત્રક બનાવવામાં આવ્યા. મહત્વની વાત એ છે કે 1935 પછી આકાશવાણીની એન્ટ્રી થઈ. સપ્ટેમ્બર 1935ના રોજ મૈસૂરમાં એમ.બી. ગોપાલાસ્વામીએ “આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું. જો કે તેના એક જ વર્ષ પછી 8 જૂન 1936ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને “ઑલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી. સ્વતંત્રતા પછી 1956માં ઑલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલીને “આકાશવાણી રાખવામાં આવ્યું અને તે એક રાષ્ટ્રીય પ્રસારણ માધ્યમના રૂપે બહાર આવ્યું. રેડિયો નાટકો, કવિ સંમેલન, વાર્તાલક્ષી જુદા જુદા વિષયો પરના ફીયર, લોકગીતો, ગ્રામ્યલક્ષી કાર્યક્રમો, હવામાન સમાચાર જેવા ઘણા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો ઓલ ઇન્ડિયા પર પ્રસારિત થવા લાગ્યા. જૂનાં ફિલ્મી ગીતો અને ક્રિકેટની કોમેન્ટરી સાંભળવા લોકોનો જુસ્સો અને ઉત્સાહ વધવા લાગ્યો. રેડિયોની ઓળખ ક્રિકેટ કોમેન્ટરી અને જૂનાં ગીતોથી થવા લાગી.પાડોશી દેશ શ્રીલંકાએ પણ રેડિયો સિલોન થી ભારતીય જનતાના માનસપટ પર રાજ કર્યું તેના અત્યંત લોકપ્રિય કાર્યક્રમ બિનાકા ગીતમાલાથી અમીન સાયાની તેના બ્રાન્ડ બની ગયા.તેમનો અવાજ જ તેમની ઓળખ બની ગઈ.
રેડિયો સીલોનને ટક્કર આપવા જ ભારતમાં વિવિધ ભારતીની શરૂ આત થઈ. ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વડોદરા ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા 1939માં રેડિયો સ્ટેશન શરૂ કરાયું જે આઝાદી બાદ સરકારને સોપી દિધેલ 1949માં અમદાવાદમાં રેડિયો સ્ટેશન શુભારંભ કરાયો જયારે રાજયનાં ત્રીજા રેડિયો સ્ટેશનની 1955માં રાજકોટ કેન્દ્રની શરૂઆત થઈ. જે સમયમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મનોરંજનનું કોઇ સાધન ન હતું તેવા વખતમાં 4 જાન્યુઆરી 1955માં પદ્મ દુલા ભાયા કાગ, જયમલ્લભાઇ પરમાર અને તત્કાલિન મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરના અનેક પ્રયાસોથી રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો. રાજકોટ ખાતે રેડિયો સ્ટેશનની સ્થાપનાએ સૌરાષ્ટ્ર માટે સુવર્ણ પ્રભાત સમાન બની રહી હતી. રાજકોટ ખાતે 1 કિલો વોટના ટ્રાન્સમિટર વડે પ્રસારણ શરૂ થયું. ત્યારબાદ સરહદી વિસ્તારને ધ્યાને લઇને 13જુલાઇ 1987માં 300 કિલો વોટ અને મીડિયમ વેવ પ્રસારણની સવલત પ્રાપ્ત કરાવાઇ, જેના દ્વારા માહિતી,મનોરંજન, શિક્ષણ ના વિવિધ પ્રોગામનું પ્રસારણ કરવામાં આવે છે. લોકો મન ભરીને રેડિયો સાંભળતા. વર્ષ 1940થી 1970માં જે જૂનાં ગીતો રેડિયો પર પ્રસારિત પોપ થી લઈને ફોલ્ક સુધીના ગીતો આજે અમર ગીતોની યાદીમાં આવે છે.
ડીજીટલ યુગમાં પણ શ્રોતાઓ પોતાના મોબાઈલ એપ દ્વારા વિવિધ જૂના અવિસ્મરણીય રેડીયો કાર્યક્રમો પોતાના અનુકુળ સમયે માણે છે. પ્રવર્તમાન સમયમાં પણ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર પહેલા જેવી જ લોકપ્રિયતા ધરાવે છે, ઉપરાંત સૌનિકો, ખેડૂતો, મહિલાઓ અને હવે યુવાનોમાં પણ આકાશવાણી જાણીતું બન્યું છે. આકાશવાણી રાજકોટ કેન્દ્ર ટેક્નોલોજી અને સોશીયલ મિડીયામાં કદમથી કદમ મેળવીને અગ્રેસર છે, તાજેતરમાં જ રાજકોટ કેન્દ્ર થી પ્રસારિત થતા કાર્યક્રમ યુવવાણીમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જ્યાં પ્રથમ વાર શ્રોતા પોતાનો આવાજ આકાશવાણીમાં સાંભળી શકશે અત્યાર સુધી એવું બનતું કે શ્રોતાઓ કાર્યક્રમના પ્રતિભાવ પત્રો સ્વરૂપે આપતા હતા પરંતુ હવે શ્રોતાઓએ આ કાર્યક્રમ ના પ્રતિભાવો આકાશવાણી રાજકોટ ના વોટ્સએપ નમ્બર પર મોકલવાના અને તે જ પ્રતિભાવો ને એનાઉન્સર કાર્યક્રમ માં રજૂ કરે છે. હાલ શ્રોતાઓ પણ ટેક્નોલોજી ના નવીનીકરણ થી ખુશ છે.
આકાશવાણી રાજકોટનું ફેઇસબુક પેઇજ વિશાળ ફોલોવર્સ ધરાવે છે, આ ઉપરાંત ડિજીટલ પ્લેટફોર્મ પર ન્યુઝ ઓન ઍર નામની એપ પર આંગળીના ટેરવે હવે રાજકોટ આકાશવાણી કેન્દ્ર તેમજ વિવિધભારતી અને દેશભરના અન્ય સ્ટેશનો અને તેના પર પ્રસારીત થતા કાર્યક્રમો માણી શકાય છે. ઓલ ઈન્ડિયા રેડિયો રાજકોટ નામની આકાશવાણી રાજકોટની યુ-ટ્યુબ ચેનલ પણ કાર્યરત છે જેના 1500 થી વધુ સબસ્ક્રાઇબર્સ છે. જ્યાં દરરોજ લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા તમામ કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવી રહ્યા છે, સાથે શ્રોતાઓને આકાશવાણી રાજકોટના જૂના અને લોકપ્રિય કાર્યક્રમો ત્યાં સાંભળવા મળી રહ્યા છે. આ તમામ કાર્યક્રમો ડિજીટલ પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આકાશવાણી રાજકોટના કાર્યક્રમ અધ્યક્ષ વસંતભાઇ જોષી અને તેમની એનાઉન્સર ટીમનો સિંહફાળો છે.ફેસબુક-યુટયુબ-ટવીટર ઉપર રેડીયો સાંભળતા શ્રોતામિત્રો આજે પણ આકાશવાણી સાથે જોડાયા છે.તો અલગ અલગ યુનિવર્સિટીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક રેડિયો ચેનલો પણ ચલાવવામાં આવે છે જેના માધ્યમથી વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો સંચાર થાય છે આ રેડિયો ચેનલની વાત કરીએ “રેડિયો બુંદેલખંડ” તેમાં મુખ્ય છે.
ભારતનાં શહેર જે રેડિયો પ્રેમીઓના કારણે પ્રસિદ્ધ થયાં
ઝુમરીતલૈયા શહેરનું નામ યાદ છે? રાજનંદ ગામનું નામ યાદ છે? આ એવા શહેર-ગામના નામ છે જેનો દરરોજ રેડિયો પર ઉલ્લેખ થતો. રાજનંદ ગામ, ભાટાપાર, ધમતરી, રાયબરેલી, ભોપાલ, જબલપુર જેવાં અનેક શહેરો તો તેના રેડિયો શ્રોતાગણના કારણે પ્રસિદ્ધ થઈ ગયાં હતાં. આમાં સૌથી આગળ હતું ઝુમરીતલૈયા… આ શહેર આકાશવાણીનું પર્યાય બની ગયું હતુ. અહીંના શ્રોતાગણો તો રેડિયોના દરેક કાર્યક્રમમાં પોતાનું નામ નોંધાવતા અને પત્ર લખી ફરમાઈશ કરતા. વિવિધ ભારતીના અનેક કાર્યક્રમો માટે ખૂબ મોટી સંખ્યામાં ઝુમરીતલૈયાથી પત્રો આવતા. ઉલ્લેખનીય છે કે આ શહેરના શ્રોતાગણોમાં તે સમયે રીતસરની સ્પર્ધા થતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘનો રીપોર્ટ કહે છે કે રેડિયોની પહોંચ દુનિયાના 95ટકા લોકો સુધીની છે. આ પરથી રેડિયોનું મહત્ત્વ સમજી શકાય છે. કદાચ એટલે જ દેશના ખૂણે – ખૂણે પોતાની વાત પહોંચાડવા વર્તમાનમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકાશવાણીનો સહારો લીધો છે. આજે દર મહિને એકવાર આકાશવાણીના માધ્યમથી વડાપ્રધાન મન કી બાત થકી દેશના વિષયો, ભારતના લોકો સમક્ષ રજૂ કરે છે, જેને અદભૂત પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
આ વર્ષની ઉજવણી થીમ ” રેડિયો અને આબોહવા પરિવર્તન “
વિશ્વ આબોહવા પરિવર્તનના વધતા પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે જાગૃતિ ફેલાવવા, લોકોને શિક્ષિત કરવા અને સામુહિક કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટે રેડિયો એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. રેડિયો એ લોકો સુધી પહોંચવા માટે સૌથી સુલભ અને વિશ્વસનીય માર્ગો પૈકી એક છે. ખાસ કરીને દુરના કે વંચિત વિસ્તારોમાં માહિતી પહોંચાડવા તે ખૂબ જ સરળતાથી કાર્ય કરે છે. આ વરસની ઉજવણી થીમ માં પણ રેડિયો અને આબોહવા પરિવર્તનની વાત કરી છે.
અહેવાલ : અરુણ દવે