ફેકટરીની ઓફિસમાં ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું: આપઘાત અંગે ઘૂટાતું રહસ્ય
શહેરના યુનિર્વસિટી રોડ પર આવેલી નંદવિલેજ સોસાયટીમાં રહેતા અને પડધરી પાસે રાધે નમકીન નામની ભાગીદારીમાં ફેકટરી ધરાવતા પટેલ કારખાનેદારે ગતરાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલા વન-ડે મેચ નિહાળ્યા બાદ પોતાની ફેકટરીની ઓફિસમાં ઝેરી દવા પી આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું છે. આપઘાત શા માટે કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યુનિર્વસિટી રોડ પર આવેલી નંદવિલેજ સોસાયટીમાં રહેતા દર્શનભાઇ ચમનભાઇ નામના ૨૭ વર્ષના પટેલ યુવાને પોતાની પડધરી નજીક આવેલી રાધે નમકી ફેકટરીની ઓફિસમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા પડધરી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઇ બ્લોચ સહિતના સ્ટાફે મૃતદેહને રાજકોટ હોસ્પિટલમાં ખસેડી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક દર્શન રાણીપા ગતરાતે રાધે નમકીન ઓફિસમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલા વન-ડે મેચ નિહાળ્યો હોવાનું જાણવા મળે છે. મૃતક દર્શનભાઇ પટેલના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હોવાનું અને તેઓ બે ભાઇ અને એક બહેનમાં સૌથી નાનો હોવાનું જાણવા મળે છે. દર્શનભાઇ પટેલે ભાગીદારીમાં નમકીનની ફેકટરી શરૂ કર્યા બાદ પોતાની જ ફેકટરીએ આપઘાત કરી લેતા પટેલ પરિવારમાં અરેરાટી સાથે શોક છવાયો છે. તેઓએ શા માટે આપઘાત કર્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે.