જવાબદારોને છોડાશે નહીં, ખેડૂતોને સમયસર પેમેન્ટ મળી જશે
ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ચાલુ વર્ષે જુદા જુદા એ.પી.એમ.સી.કેન્દ્રો ઉપરથી મગફળી, ચણા, તુવેર, રાયડો તથા અન્ય જણસોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહેલ હતી. કેશોદ માર્કેટ યાર્ડનાં સેન્ટર ઉપરથી તુવેરની ઘટના સામે આવેલ હતી. જેમાં રાજય સરકારે કડક હાથે કાર્યવાહી કરેલ છે અને ૩૨૪૧ બોરી રાજય સરકાર દ્વારા સીઝ કરવામાં આવેલ છે. આ ઘટના સાથે સંકળાયેલ ૮ લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે. જેમાંથી ૪ લોકોની ધરપકડ પણ કરવામાં આવેલ છે.
કોંગ્રેસનાં આગેવાનો અને કહેવાતા ખેડૂત નેતાઓ દ્વારા ખેડૂતોને મુશ્કેલી ઉભી થાય તથા રાજય સરકારને બદનામ કરવાના પ્રયત્નો થઈ રહેલ છે. વિસાવદર ખાતે પણ કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા ૨૨૦૦૦ તુવેરની બોરીઓનું કૌભાંડ થયેલ છે તેમ જણાવેલ, જે અંગે પુરવઠા વિભાગ દ્વારા વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં રહેલ તમામ બોરીઓનું ચેકિંગ કરવામાં આવેલ છે.
૨૨૬૮૫ તુવેરની બોરીઓની વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં ચકાસણી કરવામાં આવેલ છે. જેમાં સારામાં સારી ગુણવતાવાળી તુવેર જોવા મળેલ છે અને આ તમામ તુવેરનો જથ્થો ગોડાઉનમાં શીફટ કરવામાં આવેલ છે. કોંગ્રેસનાં આગેવાનો અને કહેવાતા ખેડુત આગેવાનો દ્વારા કરવામાં આવેલ આરોપોને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે. કોંગ્રેસનાં શાસન દરમ્યાન ખેડૂતોને લાઠીઓ તથા ગોળીઓ ખાવી પડે તેવી ઘટનાઓ બનેલ છે. જેથી કોંગ્રેસ દ્વારા ખેડૂતોનાં પ્રશ્નેરાજનીતિ બંધ કરવાનું જણાવવામાં આવે છે.
રાજય સરકાર દ્વારા મગફળી, તુવેર, ડાંગર, મકાઈ, રાયડો તથા બાજરીની ખરીદીમાં ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડવા દીધી નથી અને ટેકાના ભાવે અનેક સ્થળોએ ખરીદીની કાર્યવાહી થતી હોઈ કોંગ્રેસનાં આગેવાનો ખેડુતોને મુશ્કેલી થાય તેવા પ્રયત્નો કરી રહેલ છે. કેશોદ સેન્ટર ઉપર ૩૨૪૧ તુવેરની ગુણીમાં હલકી ગુણવતાવાળો માલ આવેલ હતો જે તમામ જથ્થો સીઝ કરવામાં આવેલ છે. આ જથ્થો ખેડુતોનો ન હતો. વ્યાપારીઓનો માલ હતો અને રાજય સરકાર દ્વારા તેનું પેમેન્ટ પણ કરવામાં આવેલ નથી.
ખેડુતોને પેમેન્ટ ન આપવાનો કોઈ પ્રશ્ર્ન નથી. ૨૨૬૮૫ તુવેરની બોરીઓનું પેમેન્ટની કાર્યવાહી હાલમાં ચાલી રહેલ છે. અત્યાર સુધીમાં કુલ રૂ.૧૮૪ કરોડની ૩૩ હજાર મે.ટન તુવેરની ખરીદી કરી, એમા આજની તારીખે રૂ.૧૫૦ કરોડ ખેડૂતોના ખાતામાં નાણા જમા કરવામાં આવેલ છે અને આવનારા દિવસોમાં બાકી રહેલ રૂ.૩૪ કરોડના ચુકવણાની કાર્યવાહી હાલ ચાલુ છે.
ટુંક સમયમાં ખેડૂતોના ખાતામાં આ રકમ જમા કરવામાં આવશે. જેથી કોંગ્રેસનાં આગેવાનો દ્વારા કૌભાંડની જે વાતો કરવામાં આવે છે તે વ્યાજબી નથી. માત્ર રાજકીય વાહવાહી મેળવવા અને આવનારા દિવસોમાં ખેડૂતોને મુશ્કેલી પડે તેવા પ્રયત્નો કરી રહેલ છે. તળાજા ગોડાઉનમાં પણ કોંગ્રેસનાં સભ્યો દ્વારા ખોટી રીતે ગોડાઉનમાં ઘૂસણખોરી કરી તપાસ કરવામાં આવેલ હતી.
જે ખેડૂતોએ માલ આપેલ છે તેઓને ૧૦૦ એ ૧૦૦ ટકા પેમેન્ટ મળી જશે. મુખ્યમંત્રીનાં માર્ગદર્શન હેઠળ ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણયો લઈ રહેલ છે તેમ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.