ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી થયેલી નુકસાની અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય જિલ્લા તંત્ર દ્વારા ચુકવાઇ રહી છે. તે અંગેની તમામ કામગીરીની સમીક્ષા આજે જિલ્લાના પ્રભારમંત્રી અને અન્ન,નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ કરી હતી. ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે મંત્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં કલેકટર અજય પ્રકાશે તાઉતે વાવાઝોડાથી ખાસ કરીને વધારે અસરગ્રસ્ત થયેલા ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલ લાભાર્થીઓને ચુકવાઇ રહેલી વિવિધ સહાયની રકમ, પુર્ણ થયેલા સર્વે તેમજ વિજપુરવઠો પુર્વવત કરવા ચાલતી કામગીરી અને જ્યા વિજળી નથી ત્યા વૈકલ્પિક વ્યવસ્થાથી થતી પાણી વિતરણની કામગીરી સહિત વહીવટી તંત્રની તમામ કામગીરીનો તમામ ચીતાર પ્રેઝેન્ટેશનથી રજુ કર્યો હતો.
આ તકે મંત્રીએ બેઠકમાં ઉપસ્થિત સાંસદ રાજેશભાઇ ચુડાસમા અને ગીર-સોમનાથ જિલ્લાના અન્ય આગેવાનોના પણ લોક ઉપયોગી અને હાલની તંત્રની રાહત બચાવની કામગીરીમાં ઝડપ આવે અને લોકોને લાભ મળે તે અંગેના કેટલાક અગત્યના સુચનો ધ્યાને લીધા હતા અને આ સુચનો બાબતે પણ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રીએ જ્યા સર્વે પુર્ણ થઇ ગયા છે ત્યા એકંદરે તાલુકા વાઇઝ કોઇ પરીવાર કે જે અસરગ્રસ્ત થયો હોય તેનો સર્વે બાકી રહી જાતો નથી તે અંગે ફરી સમિક્ષા,તપાસ કરી લેવા તેમજ સર્વેમાં બાકી રહી ગયેલાની જાણ થાય તો સર્વે કરીને નિયમોનુસાર લાભ આપવા સુચના આપી હતી. વાડીમાં રહેતા જે-તે ગામના લોકોનો સર્વે પણ કરવા જણાવ્યું હતું.
લાભાર્થી વ્યક્તિના રહેણાંકમાં અને વાડીમાં બંન્ને સ્થળે મકાન હોય તો કોઇપણ એક અસરગ્રસ્ત નુકશાન વાળા સ્થળે લાભ આપવા પાત્ર થાય છે. તે અંગે કોઇ પરીવાર બાકી હોય તો તેનો પણ સર્વે કરાવી લેવા અને સરકારના સંવેદનશીલ અભિગમ અંતર્ગત જેને નુકસાન થયું છે અને સરકારના નિયમ મુજબ લાભ આપવા પાત્ર હોય તો પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિને લાભ મળે તે અંગે માર્ગદર્શન આપી જિલ્લા કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં થયેલી કામગીરી અંગે સમગ્ર વહીવટી તંત્રની કામગીરીને આવકારી હતી. જિલ્લાના પદાધિકારીઓએ પણ પીજીવીસીએલ, પાણી,પુરવઠા અને રેવન્યુ વિભાગ સહિત ખેતીના સર્વે અંગે અને જિલ્લાની સ્વૈચ્છીક સંસ્થાઓની કામગીરીને આવકારી હતી.