યુવા નેતા પરેશ ધાનાણીનું નામ ચર્ચામાં: અલ્પેશ ઠાકોર, કુંવરજીભાઈ બાવળીયા, શૈલેષ પરમાર અને અનિલ જોશીયારા અને અશ્ર્વીની કોટવાલ પણ હરિફાઈમાં: રાહુલની ગુજરાત મુલાકાત બાદ થઈ શકે જાહેરાત
ગુજરાતમાં ફરીથી ભાજપને શાસન મળ્યું છે. જયારે કોંગ્રેસને વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના મોટામાથા હારી ગયા બાદ હવે વિરોધ પક્ષના નેતા કોણ રહેશે તેની ચર્ચાએ જોર પકડયું છે. કોંગ્રેસની થીંક ટેન્ક વિપક્ષના નેતાને શોધવાની કવાયત કરી રહ્યાં છે. હાલ કોંગ્રેસના યુવા નેતા અને જાયન્ટ કિલર પરેશ ધાનાણીનું નામ વિરોધ પક્ષના નેતા તરીકે ચર્ચાઈ રહ્યું છે. પરેશ ધાનાણીએ અમરેલીની બેઠક પર બાવકુ ઉંધાડને હરાવી વિરોધ પક્ષના નેતા તરીકે સ્થાન પાકુ કરી લીધુ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.
આ મામલે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, તમામ ધારાસભ્યોને મળવા માટે કેન્દ્રીય નિરીક્ષકોની ટીમ મોકલવામાં આવશે. ધારાસભ્યો જે નામ પર એક મત સાધે તેને વિરોધ પક્ષના નેતા જાહેર કરવામાં આવશે. બીજી તરફ દલિત નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાહુલને મળવા દિલ્હી પહોંચ્યા છે. તેઓ પણ વિરોધ પક્ષના નેતા બનવા ઈચ્છુક હોવાનું જણાય રહ્યું છે.
હાલ તો પરેશ ધાનાણીનું નામ વિરોધ પક્ષના નેતા તરીકે સૌથી વધુ ચર્ચીત છે. તેમણે ૧૨૦૦૦થી વધુ મત મેળવી વિજય મેળવ્યો છે. ઉપરાંત અમરેલીની તમામ બેઠકો કોંગ્રેસને જીતાડવા માટે પણ અગત્યનો ભાગ ભજવ્યો છે. હાલ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટીના પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યાં છે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડયા બાદ પરેશ ધાનાણીનું નામ વિરોધ પક્ષના નેતા તરીકે ચર્ચામાં રહ્યું છે.
હાલના વિરોધ પક્ષના નેતા મોહનસિંહ રાઠવા છોટા ઉદેપુરથી ૧૦મી વખત ધારાસભ્ય બન્યા છે તેઓની ઉંમર વધી હોવાથી તેમના સ્થાને યુવા નેતાને જવાબદારી સોંપવામાં આવે તેવું જણાય રહ્યું છે. બીજી તરફ અલ્પેશ બાદ કુંવરજીભાઈ બાવળીયાનું નામ પણ ચર્ચામાં છે. કોળી સમાજમાં પ્રભુત્વ ધરાવનાર કુંવરજી બાવળીયા અગાઉ કોંગ્રેસના વર્કીંગ પ્રમુખ હતા. આ ઉપરાંત શૈલેષ પરમાર, અનિલ જોષીયારા અને અશ્ર્વની કોટવાલનું નામ પણ ચર્ચામાં રહ્યું છે.
રાહુલ ગાંધી શુક્રવારે ગુજરાતનો પ્રવાસ ખેડવાના છે. તેઓ કાર્યકરો અને હોદ્દેદારોને અભિનંદન પાઠવશે. ત્યારબાદ વિરોધ પક્ષના નેતાની જાહેરાત થાય તેવી શકયતા છે. ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટીના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દે તેવી વાત પણ વહેતી થઈ છે. અલબત આ મામલે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની શકયતા છે.