વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતનાં મહાનુભાવો દિવ્યાંગોને સાધન-સામગ્રી અર્પણ કરી સંવેદનશીલ સરકારનો અહેસાસ કરાવશે રાજયપાલ ઓ.પી. કોહલી પણ ઉપસ્થિત રહીને દિવ્યાંગ સમારોહની ગરીમા વધારશે
કલ્યાણ રાજયનાં આદર્શને વરેલી આપણી લોકશાહી શાસન પ્રણાલીનાં પાયામાં દરેક માણસનું આત્મ ગૌરવ જળવાય તે મહત્વની બાબત છે. માણસ તરીકેનું સન્માન અને હૂંફ પામવાનો અધિકાર દરેક વ્યકિતને સમાન રીતે મળે તે જરૂરી છે. જન્મથી કે, આકસ્મિક કારણોસર શારીરિક કે માનસિક અસહાયતાની લાગણી કોઇ અનુભવે તો તે સમગ્ર સમાજ માટે શરમજનક છે.
મનુષ્ય મનુષ્ય પ્રત્યેની સદભાવનાનાં વાતાવરણથી અશકત-અસમર્થ વિકલાંગ વ્યકિતઓ સ્વમાનભેર સ્વાવલંબી જીવન જીવી શકે છે. સૌનો સાથ, સૌનો વિકાસનો મંત્ર માત્ર અને માત્ર રાજયનાં વિકાસનો મંત્ર જ નથી, પરંતુ તેમાં પ્રત્યેક માનવીનાં વિકાસનો ધ્યેય સમાયેલો છે. દિવ્યાંગ બાંધવોને વિવિધ તબકકે, વિવિધ સ્તરે સહાયરૂપ બનવા, તેમને વિકાસનાં સામાન્ય પ્રવાહમાં લાવવા કેન્દ્ર સરકાર, રાજય સરકાર તથા અનેક સામાજીક સંસ્થાઓ સતત પ્રયત્નશીલ છે.
દિવ્યાંગ ભાઇ-બહેનોનો પણ સમગ્રતયા વિકાસ થાય તથા કેન્દ્ર તથા રાજય સરકારે અમલમાં મુકેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવીને વિકાસની દોડમાં સામેલ રહે તે માટે અનેકવિધ યોજનાઓનું અમલીકરણ થઇ રહયુ છે અને દિવ્યાંગો ને ઘર આંગણે જ જીવન ઉત્કર્ષનાં સાધન-સહાય મળી રહે તે માટે દિવ્યાંગ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ ખાતે દેશનાં સૌથી મોટો દિવ્યાંગ કેમ્પ આગામી તા. ૨૯/૬નાં રોજ રેસકોર્ષનાં પટાંગણમાં યોજાશે.
રેસકોર્સનાં મેદાનમાં ૧૮ હજાર કરતા પણ વધુ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કરવાનો મેગા કેમ્પ યોજાશે. મહાનુભાવોનાં હસ્તે સાધનોનું વિતરણ કરવામાં આવશે. ગુજરાતમાં નવસારી, વડોદરા બાદ રાજકોટ ખાતે આ પ્રકારે મેગા કેમ્પ યોજાવા જઇ રહયો છે. અત્યાર સુધીમાં યોજાયેલા કેમ્પોમાં ભારતનો સૌથી મોટો કેમ્પ છે અને તેને ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેની સાથે એક હજાર કરતા પણ વધુ શ્રવણ-વાચા અશકત દિવ્યાંગો સાંકેતિક ભાષામાં રાષ્ટ્રગાન કરશે જેનો પણ વિક્રમ બનશે. આ પુર્વે વડોદરામાં ૭૦૦ દિવ્યાંગોએ આ રીતે રાષ્ટ્ર ગાન ગાયું હતું.
રાજકોટ ખાતે કેન્દ્ર સરકાર અને રાજય સરકારનાં સંયુકત ઉપક્રમે આયોજિત દિવ્યાંગ મેગા કેમ્પમાં રાજકોટ જિલ્લાનાં તમામ તાલુકાનાં ૧૮૫૧૫ જેટલા દિવ્યાંગો ઉપસ્થિત રહેશે લાભાર્થી દિવ્યાંગોને રૂા. ૧૨.૩૩ કરોડનાં સાધનોનું વિતરણ કરી અનોખું કીર્તિમાન સ્થાપિત થશે તાલુકાવાઇઝ જોઇએ દિવ્યાંગ લાભાર્થીની સંખ્યામાં ધોરાજી તાલુકાનાં ૧૦૧૦, ગોંડલ તાલુકાનાં ૧૪૧૬, જામકંડોરણા તાલુકાનાં ૬૦૭, જસદણ-વિછીંયા તાલુકાનાં ૨૦૬૭, જેતપુર તાલુકાનાં ૧૬૭૩, કોટડા સાંગાણી તાલુકાનાં ૪૬૮, લોધીકા તાલુકાનાં ૨૨૬, પડધરી તાલુકાનાં ૪૪૦, રાજકોટ શહેર- ૮૮૪૪, રાજકોટ તાલુકાનાં ૭૫૦ અને ઉપલેટા તાલુકાનાં ૧૦૧૪ લાભાર્થીનો સમાવેશ થાય છે.
વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતમાં આયોજિત ગરિમાપુર્ણ સમારોહમાં આવનાર તમામ દિવ્યાંગોને મુશ્કેલી અનુભવવી ન પડે તેની તંત્રએ પુર્ણ કાળજી લીધી છે અને તેનાં માટે માઇક્રો પ્લાનીંગ કરવામાં આવ્યુ છે જે અન્વયે લાવવા અને લઇ જવા માટે ૫૦૦થી વધારે એસ.ટી. બસો દોડાવવામાં આવશે અને સમારોહનાં ગેટ સુધી બસ લઇ જશે અને મુકી જશે તેમજ તે ઉતરવા-ચડાવવા તથા સમારોહ સ્થળે પહોચવામાં કોઇ જ અગવડ ન પડે તે માટે ૩૦૦૦ સ્વંયસેવક પોતાની અવિરત સેવા આપશે અને સ્થળ ઉપર જ ૧૦૦૦ જેટલા મોબાઇલ ટોઇલેટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
દિવ્યાંગોને સાધન સહાય વિતરણ માટે ત્રણ કેટેગરી બનાવવામાં આવી છે અને કાર્યક્રમમાં દિવ્યાંગો માટે કલર કોડ મુજબ સમાવેશની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમારોહનું સુચારૂ આયોજન થાય તે માટે જિલ્લા તંત્ર ધ્વારા કલાસ-વન ઓફિસરની ૧૮ ટીમો અને પ૦ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.
દિવ્યાંગોની જરૂરીયાત પ્રમાણમાં તેમને સાધન મળી રહે તે માટે દેશમાં વિવિધ ભાગોમાં કાર્યરત ઘ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ પર્સન વિથ ઈન્ટલેકચ્યુઅલ ડિસેબિલિટી, નેશનલ ઇન્સ્ટિીટ્યુટ ઓફ મેન્ટલી રીટાર્ડડ તથા નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ મેન્ટલી હેન્ડીકેપ સંસ્થાઓ ધ્વારા કયા દિવ્યાંગોને કયું સાધન અનુકૂળ આવશે, તેનું પ્રાથમિક તારણ કાઢી સાધન-સહાય દિવ્યાંગોને સોંપવામાં આવે છે તેમજ એલીમ્કો સંસ્થા ધ્વારા દિવ્યાંગોનું વિવિધ તબકકામાં ગામ અને તાલુકાવાર વર્ગીકરણ કરવામાં આવ્યુ છે. સમારોહમાં ઇલેકટ્રીક સ્કુટર, વોકીંગ સ્ટીક, બ્લાઇન્ડ સ્ટીક, ટ્રાઇસીકલ, વ્હીલચેર, સેરેબ્રલ પલ્સી ચેર, એલ્બો કટર, બ્રેઇલ સ્લેટ, બ્રેઇલ કીટ, સ્માર્ટ ફોન, સેલફોન, સર્વાઇકલ કોલર, વોકર, હીયરીંગ એઇડ, કેલિપર્સ, કૃત્રિમ હાથ તથા પગ વગેરેનું વિતરણ કરવામાં આવશે.
સમગ્ર વિશ્ર્વમાં જરૂરતમંદોને પ્રોસ્થેટિક લેગ્ઝ (નકલી પગ) પુરા પાડવાનો વર્લ્ડ રેકર્ડ ઇન્ડોનેશિયા ખાતે નોંધાયો છે.
જેમાં ૮૬૪ વ્યકિતઓને પ્રોસ્થેટિક લેગ્ઝ અપાયા હતા જયારે રાજકોટ ખાતે ૧૫૦૦થી પણ વધારે લાભાર્થીઓને પ્રોસ્થેટિક લેગ્ઝ આપવા માટે તંત્ર કટીબધ્ધ બનેલ છે જે પણ નવો વર્લ્ડ રેકર્ડ પ્રસ્થાપિત થશે.
જે દિવ્યાંગે સાધન-સહાય મેળવવા માટે હજી સુધી રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવા દિવ્યાંગો માટે સમારોહનાં કાર્યક્રમ સ્થળે રજીસ્ટ્રેશન કરાવવાની તંત્ર ધ્વારા આયોજન કરવામાં આવેલ છે તો તેમને સ્થળ પર રજિસ્ટ્રશન કરાવી લેવું આવા લાભાર્થીઓને પણ સાધન-સહાય એનાયત કરવામાં આવશે.
દિવ્યાંગ ભાઇઓ અને બહેનો માટે સરકાર ધ્વારા ઘર આંગણે આવા મહા કેમ્પોનું આયોજન કરી સાધન સહાય આપવાનું અભિયાન શરૂ કરેલ છે તે ખરા અર્થમાં આશિર્વાદરૂપ છે અને શારીરિક ક્ષતિગ્રસ્ત બાંધવોને તેમનાં જીવન ઉત્કર્ષ માટે પણ પ્રોત્સાહિત પ્રેરક બળ ચોકકસ બની શકે છે.