સહકાર ક્ષેત્રમાં વિઠ્ઠલભાઇનો દબદબો જાળવી રાખતા જયેશ રાદડીયા, તમામ ગ્રુપના સહકારથી સતત બીજી વખત ચૂંટણી બિનહરીફ કરી ડંકો વગાડશે
ખેડુતોનું હિત જળવાય અને સહકાર ક્ષેત્ર બિન વિવાદીત રહે તેવો જ બંને ગ્રુપનો નિર્ધાર
સહકાર ક્ષેત્રના બધા ગૃપ એક સાથે મળી ‘સહકાર’થી કામ કરવા સજજ
રાજકોટ- લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ની ચૂંટણી જાહેર થતા વેંત જ બે ગ્રુપ સામસામે આવી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ આ ગ્રુપ વોરની મુદત માત્ર કલાકો પૂરતી જ રહી હોય તેવું જાણવા મળ્યું છે. સહકાર ક્ષેત્રના કદાવર નેતાઓએ આ ચૂંટણીને પણ ડિસ્ટ્રીકટ બેન્કની ચૂંટણીની જેમ બિનહરીફ કરવાની કવાયત હાથ ધરી છે. જે સફળ નીવડશે તેવો બન્ને ગ્રુપે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજકોટ- લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની ચૂંટણીનું ગત રોજ પ્રાંત અધિકારી શહેર-૨ ચરણસિંહ ગોહિલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી જાહેર થતા વેંત જ સખળ દખળ શરૂ થયું હતું. એક તરફ નીતિન ઢાંકેચા અને બીજી તરફ ધારાસભ્ય અરવિંદ રૈયાણી. બન્ને ગ્રુપ વચ્ચે ચૂંટણીમાં ઝંપલાવીને યુદ્ધ એજ કલ્યાણની નીતિ અપનાવવામાં આવી હતી. જો કે આ વાત નેતાઓ સુધી પહોંચતા તેઓએ મધ્યસ્થી કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અગાઉ ડિસ્ટ્રીકટ બેન્કની ચૂંટણીમાં જે વિવાદ થયા હતા.
તે પ્રકારના વિવાદ રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં થવાના ભણકારા વાગી રહ્યા હતા. પરંતુ સહકાર ક્ષેત્રે પિતાની જેમ પોતે પણ હવે કિંગ મેકર હોય અને સહકાર ક્ષેત્રના અઠગ ખેલાડી હોય તેવું જયેશભાઇ રાદડિયાએ સાબિત કરીને જિલ્લા બેન્કની ચૂંટણીને બિનહરીફ બનાવી દીધી હતી. કહેવાય છે મોરના ઈંડા ચીતરવા ન પડે તેમ જયેશભાઇ રાદડિયાએ પોતાની આગવી સૂઝબુઝથી રિસાયેલાઓને મનાવીને પ્રથમ વખત જિલ્લા બેન્કની તમામ બેઠકોને બિનહરીફ કરીને ઇતિહાસ રચ્યો હતો. હવે જિલ્લા બેંકની જેમ રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં પણ શરૂઆતી વિવાદ સર્જાયો હતો. પરંતુ જયેશભાઇ રાદડિયાએ પોતાની આગવી સૂઝબુઝથી તેમાં પણ મધ્યસ્થી કરાવીને ચૂંટણીને બિનહરીફ થવા દેવામાં રોડા નાખતા તત્વોને જડબાતોડ જવાબ આપ્યો છે.
સહકારી ક્ષેત્રમાં ‘સહકાર’થી જ ચૂંટણી જીતી શકાય : નિતીન ઢાંકેચા
રા.લો. સંઘની ચૂંટણીની રેસમાં રહેલા નીતિન ઢાંકેચાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રા.લો. સંઘની ચૂંટણી થાય તેવી કોઈ શકયતા નથી. સમાધાન થતા હવે કોઈ વિવાદ રહ્યો નથી. હવે સહકારી આગેવાનો ખેડૂતોના હિતના એકમાત્ર ઉદ્દેશ સાથે કામ કરવાના છે. તમામ આગેવાનો સાથે મળીને સહકાર ક્ષેત્રને આગળ લઈ જવા પ્રયત્નશીલ છે.
રા.લો.સંઘની ચૂંટણીનો કાર્યક્રમ
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો તા. ૪ થી ૮ ઓગસ્ટ સુધી ભરી શકાશે. મળેલા ઉમેદવારી પત્રોની યાદી તા.૪થી ૭ ઓગસ્ટ સુધી પ્રસિદ્ધ કરાશે. તા.૮ ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. તા.૧૦ ઓગસ્ટના રોજ માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરાશે. તા.૧૧થી ૧૩ ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. તા.૨૪ ઓગસ્ટના રોજ મતદાન અને તા.૨૫ ઓગસ્ટના રોજ મતગણતરી અને પરિણામ જાહેર કરાશે.
ઘીના ઠામમાં ઘી પડી જશે, તમામ બેઠકો બિનહરીફ થશે : અરવિંદ રૈયાણી
ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જયેશભાઇ રાદડિયા, ડી.કે.સખીયા, લાલજી સાવલિયા અને રમેશભાઈ રૂપાપરા આ તમામ સહકારી ક્ષેત્રના આગેવાનો સમાધાનના પ્રયાસમાં છે. જેથી હવે ઘીના ઠામમાં ઘી પડી જશે તે નક્કી છે. તમામ બેઠકો પણ બિનહરીફ થશે. હવે આગામી દિવસોમાં સહકાર ક્ષેત્ર કોઈ વાદ- વિવાદ વગર બરાબર ચાલશે તેવો આશાવાદ છે. બધા આગેવાનો સાથે મળીને ખેડૂતોનું હિત જાળવવા અથાગ પ્રયત્નો કરશે.