- પ્રદેશ ભાજપ દ્વારા કાલે સવારે બંધ કવરમાં ચેરમેન, વાઇઝ ચેરમેનના નામ જિલ્લા ભાજપ પ્રમુખને મોકલાશે
રાજકોટ-લોધિકા ખરીદ વેંચાણ સંઘની હવે પછીની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇઝ ચેરમેનની નિમણૂંક કરવા માટે આવતીકાલે સવારે ચૂંટણી યોજાશે. નવા ચેરમેનની દોડમાં હાલ નરેન્દ્રસિંહ જાડેજા, નિતીન ઢાંકેચા અને અરવિંદ રૈયાણીના નામ ચર્ચામાં છે. 19 ડિરેક્ટરો ચેરમેનની ચૂંટણીમાં મતદાન કરશે.
અગાઉ રા.લો.સંઘના ચેરમેન અને વાઇઝ ચેરમેનની ચૂંટણી 17મી એપ્રિલના રોજ યોજાવાની હતી. ચૂંટણી અધિકારી હાજર ન હોવાના કારણે ચૂંટણી બે સપ્તાહ પાછી ઠેલાઇ હતી. દરમિયાન આવતીકાલે સવારે રા.લો.સંઘના ચેરમેન અને વાઇઝ ચેરમેનની ચૂંટણી યોજાશે. જેમાં પ્રદેશ ભાજપ દ્વારા એક બંધ કવરમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરિયાને ચેરમેન તથા વાઇઝ ચેરમેનના નામનું મેન્ડેટ મોકલવામાં આવશે. ચેરમેન પદ માટે હાલ વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત પૂર્વ પ્રમુખ નિતીનભાઇ ઢાંકેચા અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અરવિંદભાઇ રૈયાણીનું નામ ચર્ચા છે. ત્રણેય સહકારી આગેવાનો ચેરમેન પદ મેળવવા માટે એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે.
જો કે, હાઇકમાન્ડ દ્વારા કોના પર પસંદગીનું કળશ ઢોલવામાં આવશે. તે વાત આવતીકાલે સવારે ખબર પડશે. રાજકોટ ડેરીના ચેરમેન તરીકે પક્ષ દ્વારા ગોરધનભાઇ ધામેલીયાને રિપીટ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે રા.લો.સંઘમાં ચેરમેનને રિપીટ કરવામાં ન આવે તેવી ચર્ચાઓ પણ સહકારી ક્ષેત્રે ચાલી રહી છે. અગાઉ જાની દુશ્મન રહેલા ઢાંકેચા અને રૈયાણીએ હાથ મિલાવી લીધા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.