- આર.કે.ગ્રુપ કોઈપણ અસામાજીક પરિબળો સામે ઝૂકશે નહીં: શ્રેષ્ઠને સર્વશ્રેષ્ઠ બનાવવા તરફ આગળ વધતું જ રહેશે
રાજકોટના જાણીતા બિલ્ડર જૂથ આર. કે. ગ્રુપ દ્વારા વિવિધ પ્રકારે જે વિકાસલક્ષી કાર્યો અને બાંધકામો રાજકોટ અને આસપાસના વિસ્તારમાં થઈ રહ્યા છે તેની પ્રતિષ્ઠા પર કાદવ ઉછાળીને બ્લેકમેઈલ કરવાના હેતુથી કેટલાક તત્વો વ્યર્થ અને અકારણ ખોટા મુદ્દાસર પોલીસ તથા અદાલતી ફરિયાદો કરીને અખબારી માધ્યમો અને સોશિયલ મીડિયા દ્વારા આર. કે. જૂથને બદનામ કરવાના પ્રયત્નો કરે છે તેને સખત શબ્દોમાં આ જૂથ દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે.
આર કે જૂથના જનસંપર્ક અધિકારીની એક યાદી જણાવે છે કે છેલ્લા કેટલાક સમયથી આર. કે. પ્રાઈમ – 2 માં કેટલાક પરિબળો દ્વારા ઉપદ્રવ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટમાં નાના મવા સર્કલ ખાતે આવેલ આર. કે. પ્રાઇમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તથા ગ્રાહકોની વારંવાર ડિમાન્ડ હોવાને કારણે બિલ્ડર દ્વારા આર. કે. પ્રાઇમ – ટુ ની રચના કરવામાં આવી હતી. આર. કે. પ્રાઇમ ટુ નું નિર્માણ પણ ઉચ્ચ ગુણવત્તા સાથે કરવામાં આવ્યું અને રેરા ઓથોરિટી તથા સરકારના વખતોવખતના ધારાધોરણો અનુસાર પાર્કિંગનું વ્યવસ્થાપન પણ કરવામાં આવ્યું હતું.
પાર્કિંગમાં તથા કોમ્પ્લેક્સમાં પોતાની ધાક જમાવવા માટે કેટલાક ઈસમોએ તોડફોડ કરીને સીસીટીવીમાં કેદ થયેલા દૃશ્યો પ્રમાણે આ કોર્પોરેટ કોમ્પલેક્ષને ગંભીર નુકસાન કરેલું છે અને એ જ સમયે એ જ ઈસમો એ વળી ચોર કોટવાળને દંડે એ રીતે બિલ્ડરો સામે કેસ કરેલા છે. આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા અને પોલીસ તપાસ પૂરી થઈ ગયા પછી નિલ રિપોર્ટ આવતા અદાલત સામે ઉશ્કેરાઈને આ ઇસમે ફરીવાર ગુજરાત પોલીસ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે મનઘડંત આક્ષેપો કરીને ફરી પાછો કેસ કર્યો છે.
આ ઈસમનો હેતુ આવા વારંવાર ના વ્યર્થ કેસ દ્વારા વિવિધ સમાચાર માધ્યમોમાં આ પ્રતિષ્ઠિત ગ્રુપ ને બદનામ કરવાનો છે. વળી આ ઈસમો પ્રાઈમ ટુ માં પોતાની જે ઓફિસ ધરાવે છે તે ઓફિસ તો તેના કોઈપણ પ્રકારના ઉપયોગ માટે નથી. માટે તેઓ ભાગ્યે જ એટલે કે મહિનામાં બે થી ત્રણ વખત આવે છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના લાઈટ બિલોનો રેકોર્ડ તપાસતા આ વાતને પુષ્ટિ મળે છે કે તેઓ ઓફિસનો ઉપયોગ નહીવત કરે છે. હવે જેઓ ઓફિસે જ આવતા નથી તેઓ પાર્કિંગની ફરિયાદ કરે છે અને એની સામે જે લોકો રેગ્યુલર ઓફિસ આવે છે તેઓ બધા વ્યવસ્થિત ગોઠવાયેલા વ્યવસ્થા તંત્રથી રાજી છે. આર.કે પ્રાઈમ – ટુ ઓનર્સ એસોસિએશન પણ આવા ઈસમોના વારંવારના ઉપદ્રવોથી ત્રાસ અનુભવતું આવ્યું છે અને આ પ્રવૃત્તિઓથી સમગ્ર કોર્પોરેટ હાઉસની ઓફિસ અને શોરૂમના માલિકો તથા ભાડુઆતો બહુ જ તંગ આવી ગયા હોવા છતાં તેઓ ફરિયાદ કરવા સમર્થ ન હોવાથી આ ઈસમોને વધુ અરાજકતા ફેલાવવાનો મોકો મળી ગયેલો છે.
આર.કે ગ્રુપ આવા કોઈ પરિબળો સામે ઝુકવા તૈયાર નથી અને નિષ્ઠાપૂર્વકના પોતાના હાઇટેક તથા અત્યાધુનિક બાંધકામની પરંપરા ચાલુ રાખે છે અને હજુ પણ ચાલુ રાખશે. આવા ઇસમોએ બીજા કોઈના હાથા બનીને કે બજારના સ્પર્ધાત્મક વાતાવરણમાં તંદુરસ્ત સ્પર્ધા ને બદલે કાદવ ઉછાળવાની જે પ્રવૃત્તિ થતી હોય તેના ભાગ ન બનવું જોઈએ. આવા થોડાક જ તત્વોને કારણે રાજકોટના બાંધકામ જગતમાં આખા સમુદાયો બદનામ થતા હોય છે તે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને સમાજે પણ આવા તત્વોને કાનૂની રીતે પાઠ ભણાવવાની જરૂર છે. આર કે ગ્રુપ હંમેશા સરકારશ્રીના ધારા ધોરણોનું પાલન કરીને વિકાસ કરતું ગ્રુપ છે.
આર.કે ગ્રુપ માને છે કે ઈર્ષા એ પરોક્ષ રીતે થતી પ્રશંસા છે અને આપણા ગુજરાતી કલ્ચરમાં તો ઈર્ષાળુને આશીર્વાદ આપવાની પરંપરા છે. ઉક્ત ઈસમો દ્વારા આર. કે. પ્રાઈમ – ટુ ની કોમન એમિનિટિઝને ગંભીર નુકસાન કરી તથા લુખ્ખા તત્ત્વોની અદાથી તોડફોડ કરવામાં આવેલ છે જે સંપૂર્ણ સીસીટીવી ફૂટેજ દસ્તાવેજ સાથે તા. 20/3/23 ના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે. જેને નજર અંદાજ કરાવવા માટે ઉક્ત ઈસમોએ પોતે કરેલા ગુનામાંથી છટકવા નવી ફરિયાદનો આશરો લીધેલ છે. આથી અમો જાહેર માધ્યમોના સંચાલકોને તથા જાહેર જનતાને સ્પષ્ટતા કરીએ છીએ કે આર કે ગ્રુપ તથા તેના ભાગીદારો અંગે પૂરતી ખરાઈ કર્યા વિના અહેવાલો પ્રસિદ્ધ કરવાથી રાજકોટમાં બ્લેકમેઈલ કરનારા તત્ત્વોને આડકતરું પ્રોત્સાહન મળી જાય છે. રેરા તથા નામદાર કોર્ટમાં મેટર સબજયુડિશ્યલ સ્ટેટસમાં હોવાથી આર. કે. ગ્રુપ પોલીસ દફતરે જમા સીસીટીવી ફૂટેજ તથા આરોપકર્તાઓના બદ ઈરાદાઓથી બહોળો સમાજ તથા વિવિધ સત્તામંડળો વાકેફ થાય એમ ઈચ્છે છે.