આર.કે. યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય પરિષદનું ઓનલાઈન આયોજન, ૮ દેશોના નિષ્ણાંત જોડાયા
સ્કૂલ ઓફ સાયન્સ, આરકે યુનિવર્સિટીનાં માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા ગુજરાત સરકારનાં જી.એસ.બી.ટી.એમ. વિભાગ અને માઇક્રોબાયોલોજીસ્ટ સોસાયટી ઇન્ડિયાનાં સહયોગથી ’ઇમરજીંગ સ્ટ્રેટેજીઝ ઇન એન્ટીમાઇક્રોબાયલ એજન્ટ્સ એન્ડ બાયો ઇનોવેશન’ વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં ૨૨થી પણ વધુ રાજ્યોના ૧૨૦થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો અને ચાર અલગ અલગ ટ્રેક હેઠળ પોતાનાં સંશોધન કાર્ય રજૂ કર્યા હતાં.
પરિષદમાં ઇજિપ્ત, ઈરાન, મ્યાનમાર, મલેશિયા, નાઇજિરિયા, યુએસ, ફિનલેન્ડ સહિતનાં ૮થી વધુ દેશોનાં વક્તાઓએ પોતાનાં અનુભવ અને જ્ઞાન દ્વારા સહભાગીઓને અમૂલ્ય વક્તવ્યો આપ્યા હતા. પરિષદનાં મુખ્ય અતિથિ તરીકે ડો. એ. એમ. દેશમુખ (પ્રેસિડેન્ટ, માઇક્રોબાયોલોજીસ્ટ સોસાયટી ઇન્ડિયા) અને મુખ્ય વક્તા તરીકે ડો માધવી જોશી (જોઈન્ટ ડાયરેક્ટર એન્ડ સાયન્ટીસ્ટ ડી, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર, ગાંધીનગર) દ્વારા સહભાગીઓ સાથે પરિષદનાં વિષય પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉજવાતા વર્લ્ડ એન્ટી માઇક્રોબાયલ વિક સંદર્ભે આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ ડ્રગ પ્રતિરોધક માઇક્રોબાયલ પેથોજેન્સ પ્રત્યે જાગૃતિ આપવાનો હતો જેના દ્વારા હાલનાં દવાશાસ્ત્રમાં વિવિધ વ્યૂહરચનાઓ ઘડવા તથા વૈકલ્પિક દવાઓની શોધખોળ કરવામાં ખૂબ મદદ મળશે.