સૌની યોજના અંતર્ગત 180 એમસીએફટી પાણી ઠલવાશે: મુખ્યમંત્રીનો આભાર માનતા પદાધિકારીઓ

મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે પરંતુ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા એકપણ જળશયોમાં સંતોષકારક પાણીની આવક થવા પામી નથી. આજી ડેમ હવે ગમે ત્યારે ડૂકી જાય તેવી સ્થિતિમાં હોય, આવા સંજોગોના ધ્યાનમાં રાખી ગત મહિને કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આજીમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી. જેનો મુખ્યમંત્રી દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો હતો. બે દિવસ પૂર્વે ધોળીધજા ડેમથી રવાના કરાયેલા નર્મદાના નીરનો આજે વહેલી સવારે આજી ડેમમાં અવતરણ થવા પામ્યું હતું. આગામી 10 દિવસ સુધી ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવશે. જો આ સમય દરમિયાન મેઘ મહેરના કારણે ડેમમાં પાણીની આવક થશે તો ગમે ત્યારે નર્મદાનો પાણી બંધ કરી દેવામાં આવશે. ચાલુ વર્ષે બીજી વખત રાજકોટને સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી આપવામાં આવતા કોર્પોરેશનના પદાધિકારીઓએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા અને વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડે સૌરાષ્ટ્રના 115 ડેમો સૌની યોજના હેઠળ જોડવાથી આશિર્વાદરૂપ પુરવાર થયેલ છે. શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-1 અને ન્યારી-1ને સૌની યોજનાના જોડાણના કારણે શહેરને પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની ગયેલ છે.

ચોમાસાની ઋતુ દરમ્યાન સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થયેલ ન હોય પાણીની જરૂરીયાત ઉભી થતા નર્મદાનું પાણી ફાળવવા રજૂઆત કરવામાં આવેલ. જે સરકાર દ્વારા મંજુર કરી નર્મદાનું પાણી છોડવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે આજી-1 ડેમમાં નર્મદા મૈયાનું અવતરણ થઈ ગયેલ છે. જે બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો તેમજ રાજકોટ શહેરની પાણીની ચિંતા કરી રહેલ વાહન વ્યવહાર વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીનો પદાધિકારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

આજી-1 ડેમ ગઈકાલે 15.52 ફુટની સપાટી હતી અને 243 એમસીએફટી પાણીનો જથ્થો છે. આજી-1માં દરરોજ 135 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. નર્મદાનું પાણી 180 એમસીએફટી ફાળવવામાં આવનાર છે. જેથી હાલમાં કોઈ પાણીની મુશ્કેલી ઉભી થશે નહી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.