આજીમાં દૈનિક ૧૫ એમસીએફટી નર્મદા નીર ઠાલવાશે: ૩૧મી જુલાઈ સુધી રાજકોટ વાસીઓને પાણીની શાંતિ
રાજકોટ શહેરને દૈનિક ૨૦ મિનીટ પીવાનું પાણી મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત ચિંતિત છે, ગત વર્ષે નબળા ચોમાસાને કારણે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં સંતોષકારક પાણીનો જથ્થો આવેલ નહિ, ત્યારે મુખ્યમંત્રી અને તેની નેતૃત્વની સરકાર દ્વારા આજી-૦૧ ડેમમાં નર્મદા નીરનું અવતરણ કરાવેલ તેમજ તાજેતરમા જ ડેમમાં પણ નર્મદાના નીરનું અવતરણ થશે તેમ મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટે.ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા વોટર વર્કસ ચેરમેન બાબુભાઈ આહિરે જણાવ્યું હતું.
તેઓએ ઉમેર્યું હતું કે, હાલમાં ઉનાળાની ઋતુના કારણે પાણીની માંગમાં વધારો થયેલ છે. ચોમાસા દરમ્યાન ભાદરમાં પાણીનો જથ્થો ઓછો આવવાથી હાલમાં ઉપાડવામાં આવતા પાણીના જથ્થો ધ્યાનમાં લઇ ૩૧ મે ૨૦૧૯ અથવા વધુને વધુ જુનના પહેલા વીક સુધી પાણીનો જથ્થો ઉપાડી શકાય તેમ છે.
ચોમાસું ખેચાય અને નવા નીરની આવક મોડી થાય તે તમામ સ્થિતિ ધ્યાનમાં રાખી શહેરને દૈનિક ૨૦ મિનીટ પાણી મળી રહે તે માટે થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન થયેલ. જેમાં રાજકોટ શહેરને ૩૧ જુલાઈ ૨૦૧૯ સુધી પાણીનો જથ્થો જળવાઈ રહે તે ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળનું પાણી આપવા પમ્પીંગ શરૂ કરેલ જેના કારણે આજી-૦૧ ડેમમાં નર્મદાનું પાણી ગઈકાલ રાતથી પહોંચી ગયેલ છે.
આ ઉપરાંત ડેમમાં પણ નર્મદાનું પાણી પહોંચાડવા માટે પમ્પીંગ શરૂ કરી દીધેલ છે, ને લગભગ આજ રાત સુધીમાં ડેમમાં પણ પાણી પહોંચી જશે. આજી-૦૧ ડેમમાં ૩૨૫ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો હતો. નર્મદાના બે પંપ શરૂ થતા દરરોજ આશરે ૧૫ એમ.સી. એફ.ટી. ઠાલવાશે. દરરોજ પાણી વિતરણ માટે ૫ એમ.સી.એફ.ટી. પાણી ઉપાડવામાં આવે છે એટલે કે, ૧૦ એમ.સી.એફ.ટી. પાણીનો બચાવ થઇ ડેમમાં પાણીના જથ્થામાં વધારો થશે.
ભાદર ડેમ આધારિત સેન્ટ્રલ ઝોન વિસ્તારને પાણી વિતરણ માટે નર્મદા કેનાલ મારફત બેડી પર નર્મદાનું વધુ પાણી મેળવી જયુબેલી ઝોનમાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને જયુબેલી ઝોનથી ગુરુકુલ ઝોનમાં પાણી ટ્રાન્સફર કરી શકાય તે માટે તાજેતરમાંજ જયુબેલી ખાતે ૩ નવા પંપ મુકવામાં આવેલ છે. જેના કારણે દૈનિક ૨૦ મિનીટ પાણી વિતરણ કરી શકશે. આમ, શહેરને દૈનિક ૨૦ મિનીટ પાણી મળી જ રહેશે તેમ અંતમાં પદાધિકારીઓએ જણાવેલ. વિશેષમાં પાણીનો બગાડ ન થાય અને કરકસરપૂર્વક વપરાશ કરવા લોકોને અપીલ કરેલ.