મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનની કામગીરી પૂર્ણ થતા કચરા પરિવહન માટેના ખર્ચ અને સમયમાં ઘટાડો થશે: ઇલેક્ટ્રિક બસ માટે બનતા ચાર્જિંગ સ્ટેશનની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી
કોર્પોરેશન દ્વારા હાલમાં ભાવનગર રોડ પર કે.એસ.ડીઝલ સામે પાંચ ટન ક્ષમતાના નવા બની રહેલા ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ સેન્ટર (કચરામાંથી ખાતર બનાવવા) અને કોઠારિયામાં બની રહેલા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનની મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મુલાકાત લઈ ચાલુ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કમિશનરે ઇલેક્ટ્રિક બસ માટે ભાવનગર રોડ પર બનાવવામાં આવી રહેલા ચાર્જિંગ સ્ટેશનની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. 80 ફૂટ રોડ પર જ કાર્યરત્ત મટિરિયલ રિકવરી ફેસિલિટી સેન્ટરની કામગીરી પણ તેમણે નિહાળી હતી અને પ્રગતિમાં રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
કે.એસ.ડીઝલ સામેના આ સ્થળે હાલ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન પણ કાર્યરત્ત છે. જુદાજુદા કચરો લઈને આવતા મિનિ ટીપર વાનમાંથી ઠલવાતો કચરો કોમ્પેક્ટર મશીન વડે અન્ય વાહનની મદદથી નાકરાવાડી ખાતે લઈ જવામાં આવે છે. અહી કચરો લઈને આવતા મિનિ ટીપર વાનની તસવીરો, તારીખ અને સમયની નોંધણી તેમજ કચરો ભરેલ અને ખાલી કરેલ ટીપર વાનના વજન સહિતની નોંધણી ઓટોમેટિક થાય છે.
એક મિનિ ટીપર વાનમાં 800 થી 1000 કિલો કચરો સમાય છે. જ્યારે ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે કચરાને કોમ્પેક્ટર દ્વારા ભેગો કરી નાંખવામાં આવે છે અને તેણે મોટા ક્ધટેઇનર વાહનમાં ભરી દેવામાં આવે છે અને તેની ક્ષમતા 14 થી 15 ટનની હોય છે. 15 જેટલા મિનિ ટીપર વાનનો કચરો એક જ ક્ધટેઇનર વાહન મારફત નાકરાવાડી પહોંચાડી શકાય છે.
હાલ કોઠારિયા રોડ પર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની બાજુમાં નવું ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવામાં આવી રહયું છે. આ કામ પૂર્ણ થતા વોર્ડ નંબર 11, 12, 13 અને 18ના વિસ્તારોમાંથી મિનિ ટીપર વાન મારફત એકત્ર થતો કચરો કોઠારિયા રોડ પરના આ નવા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનમાં લાવી શકાશે. હાલ આ વોર્ડના કચરા લઈને આવતા મિનિ ટીપર વાનને રૈયાધાર અને કે.એસ.ડીઝલ ખાતેના ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે લાવવો પડે છે. કોઠારિયા ટ્રાન્સફર સ્ટેશન કાર્યરત્ત થતા મિનિ ટીપર વાન ઉપરોક્ત વોર્ડમાંથી સીધા ત્યાં પહોંચી શકશે અને તેમના પરિવહન ખર્ચ અને સમયમાં પણ બચત થશે.
હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યુબિલી ગાર્ડન ખાતે અને રૈયાધાર ખાતે પાંચ-પાંચ ટન ક્ષમતાના ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ સ્ટેશન કાર્યરત્ત છે. આવું જ વધુ સ્ટેશન કે.એસ.ડીઝલ સામેના સ્થળે બનાવવામાં આવી રહયું છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંગાવવામાં આવી રહેલે ઇલેક્ટ્રિક બસની બેટરી ચાર્જિંગ માટે 80 ફૂટ રોડ પર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવી રહયું છે.