વોર્ડ નં.1,10 અને 11માં એલઆઈજી અને એમઆઈજી કેટેગરીના 1400 આવાસ અને 61 દુકાનોનું બાંધકામ ચાલી રહ્યું છે

શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં અલગ અલગ 5 પ્લોટમાં વિવિધ કેટેગરીના 1400 આવાસ અને 61 દુકાન બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે જે ઝડપથી પૂર્ણ કરવા આજે સ્થળ વિઝીટ દરમિયાન મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આદેશ આપ્યો છે.

મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આજે વેસ્ટ ઝોનમાં અલગ અલગ આવાસ યોજના પ્રોજેકટની સાઈટ મુલાકાત લીધી હતી. અહીં વોર્ડ નં.1,10 અને 11માં વિવિધ 5 પ્લોટ પર એલઆઈજી કેટેગરીના 404 અને એમઆઈજી કેટેગરીના 996 સહિત કુલ 1400 આવાસ બનાવવામાં આવી રહ્યાં છે. જ્યારે અલગ અલગ 2 આવાસ યોજનામાં 61 દુકાનોનું બાંધકામ પણ ચાલી રહ્યું છે. આજે સ્થળ વિઝીટ દરમિયાન મ્યુનિ.કમિશનરે આવાસ યોજનાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓ અને કોન્ટ્રાકટ એજન્સીને તાકીદ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, એલઆઈજી કેટેગરીના આવાસ 12 લાખ રૂપિયામાં લાભાર્થીને આપવામાં આવે છે જેનો કાર્પેટ એરીયા 50 ચો.મી. રહેલો છે. જ્યારે 60 ચો.મી.નો કાર્પેટ એરીયા ધરાવતી એમઆઈજી કેટેગરીનું આવાસ 24 લાખ રૂપિયામાં આવી રહ્યું છે. આ યોજના માટે હાલ ફોર્મ વિતરણની કામગીરી પણ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.