કોરોનાનું જોખમી સંક્રમણ રોકવા માટે રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફયુ લાદી દેવાયો છે. પરંતુ કેટલાંક લોકોની બેવકુફીએ કોરોનાનું સંક્રમણ ગંભીર સ્તરે લાવી દીધુ છે. રાજકોટ જેવા મહાનગરોમાં રાત્રે 8 વાગ્યે કરફયુનો મતલબ લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે, કોરોનાથી બચી શકાય તે છે. પરંતુ કેટલાંક લોકોની બેવકુફીના કારણે માહોલ બગડ્યો છે. એક તરફ સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા મળતી નથી, દવા ઉપલબ્ધ નથી. બીજી તરફ રાત્રે 8 કલાકે લાગુ થઈ જતાં કરફયુ પહેલા ઘરે જવાની ઉતાવળમાં થતો ટ્રાફિકજામ અહીં લોકોની અધીરાઈ સુચવે છે. હાલ રાજકોટની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ રહી છે.
કોરોનાના કેસ સતત વધ્યા છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે બેડની અછત છે. દરમિયાન જો આવી રીતે જ લોકો બેદરકારી દાખવશે તો એક વાત તો નિશ્ર્ચિત છે કે, હોસ્પિટલમાં તો શું રોડ ઉપર પણ ખાટલો નહીં મળે. અહીં પ્રસ્તુત તસવીરમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ તરફના રસ્તે સંખ્યાબંધ વાહનોની કતારો જોવા મળે છે. લાઈનમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હોવાનું ફલીત થાય છે. આ કતારો અડકતરી રીતે લોકોને સુરક્ષીત રહેવા, સ્વસ્થ રહેવાનું સુચવે છે. દરમિયાન શહેરમાં 7 વાગ્યા બાદ મુખ્ય સડકો પરના ટ્રાફિક સિગ્નલ બંધ કરવાની જાહેરાત પોલીસ દ્વારા થઈ હતી. જો કે આવી બાબતમાં પણ બેદરકારી જોવા મળી છે. રાજનગર ચોકમાં રાત્રે 7:30 કલાક સુધી સિગ્નલ ચાલુ હોવાનું પણ સામે આવ્યું હતું.