મોડી રાત્રી સુધી દર્દીઓની દાખલ માટે જોવાઈ રહી છે રાહ: ઓકિસજનની સુવિધા પુરી પાડવા તંત્રની કવાયત 

જામનગરની સરકારી જી. જી. કોવિડ હોસ્પિટલ કે જે કોરોના ના દર્દીઓ થી સતત દસ દિવસથી ફુલ થયેલી જોવા મળી રહી છે. અને એક પણ બેડ ખાલી નથી, ત્યારે દર્દીઓને જી.જી. હોસ્પિટલના પરિસરમાં એમ્બ્યુલન્સ અથવા તો ખાનગી વાહનમાં સારવાર આપવાની ફરજ પડી રહી છે. જેની કતારો પણ યથાવત રહી છે. એટલું જ માત્ર નહીં એમ્બ્યુલન્સ સહિતના વાહનોમાં દર્દીઓને ઓક્સિજનની સુવિધા પૂરી પાડવા માટે ભારે કસરત કરવી પડી રહી છે. જામનગરની સરકારી જી.જી હોસપીટલ ના કોવિડ બિલ્ડિંગમાં 1,900 થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરી દેવાઇ છે, તેમ છતાં પણ દર્દીઓનો ભારે ધસારો હોવાના કારણે કોરોના માટે એક પણ બેડ ખાલી નથી. અને જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાના દર્દીઓ જુદી-જુદી એમ્બ્યુલન્સ અથવાતો ખાનગી વાહનો મારફતે જી જી હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે. જે તમામ દર્દીઓની સારવાર માટે તંત્ર દ્વારા હોસ્પિટલ પરિસરમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે.ગઇરાત્રે 120થી વધુ એમ્બ્યુલન્સ અથવાતો ખાનગી વાહનો હોસ્પિટલ પરિસરમાં કતારમાં ગોઠવાયા હતા. જેથી હોસ્પિટલના તંત્ર દ્વારા તેના માટે તબીબોની અલગથી ટુકડી બનાવી ને વાહનોમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે, અને જ્યારે હોસ્પિટલમાં બેડ ખાલી થાય ત્યારે તેઓને ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જે દરમિયાન એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની સુવિધાઓ હોય તો ત્યાંથી પૂરી પડે છે.

બાકીના ખાનગી વાહનમાં આવેલા દર્દીઓ અથવા તો ઓક્સિજન વગરની એમ્બ્યુલન્સમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે જી.જી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઓક્સિજનના બાટલાનો વગેરે ગોઠવીને તેઓની સારવાર કરવામાં આવી રહી છે. જેને લઇને હોસ્પિટલના સ્ટાફ દ્વારા ભારે દોડધામ કરવામાં આવી રહી છે.અને પચાસથી વધુ પેરામેડિકલ સ્ટાફ આ માટે ગોઠવાઈ ગયો છે.નાના ઓક્સિજનના બાટલા અને તેના સ્ટેન્ડ ઉપરાંત વ્હીલચેર, સ્ટ્રેચર સહિત તમામ સાધનો સાથે જોડીને તબીબો તેમજ અન્ય પેરામેડિકલ સ્ટાફ દોડધામ કરી રહ્યો છે, અને હોસ્પિટલના પરિસરમાં દર્દીઓના જીવન ધબકતા રાખવા માટે તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. હોસ્પિટલ પરિસરમાં કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સતત ખડે પગે ફરજ બજાવી રહ્યા છે, અને તમામ એમ્બ્યુલન્સ સહિતના વાહનો કતારમાં ઉભા રહે અને કોઈ અફડાતફડી ન સર્જાય તેની વ્યવસ્થા પણ ગોઠવી રહ્યા છે. જી.જી.હોસ્પિટલ ના સિક્યુરીટી સ્ટાફ ઉપર પણ ખૂબ જ ભારણ વધી ગયું છે. એક પણ દર્દીને ઓક્સિજનની કમી ન વર્તાય તેની ખાસ તમામ સ્ટાફ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.