ધીમે ધીમે લોક-ઓપન થવા લાગ્યું છે. આજથી રેલવે ટિકિટનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. જેના પગલે રાજકોટ સહિતના રેલવે સ્ટેશનોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી કતારો લગાવવામાં આવે તે માટેની તૈયારી કરી લીધી છે. સવારથી જ ધીમી ગતિએ રિઝર્વેશન કાઉન્ટર પર લોકો જોવા મળ્યા હતા. આગામી સમયમાં રેલ સેવા ફરી અગાઉની જેમ સામાન્ય બની જશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.
માત્ર રેલવે સ્ટેશને જ નહીં પરંતુ લોકો પોતાની ટિકિટનું બુકિંગ તેમજ કેન્સલેશન પોસ્ટ ઓફિસ ખાતે પણ કરાવી શકશે. આ ઉપરાંત યાત્રી ટિકિટ સુવિધા કેન્દ્ર (વાયટીએસકે)માં પણ બુકિંગ કે કેન્સલેશન થઈ જશે. રેલવે બુકિંગ માટે કાઉન્ટર શરૂ થઈ જતાં વિદ્યાર્થીઓ, નોકરીયાતો, પ્રવાસીઓ સહિતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રારંભીક તબક્કે આઈઆરસીટીસી દ્વારા ૨૦૦ ટ્રેનના રિઝર્વેશન માટે તખ્તો ઘડાયો હતો. ધીમી ગતિએ ટિકિટ બુકિંગ શરૂ થઈ રહ્યું છે. થોડા સમયમાં જ ટ્રેનની ટિકિટ માટે મોટી તકારો જોવા મળશે તેવું ફલીત થઈ રહ્યું છે. અનેક લોકોએ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા માટે આતુર છે. આવા સમયે બુકિંગ શરૂ થઈ જતાં લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.
રેલવે મંત્રાલયે જણાવ્યા મુજબ ગઈકાલે ૬ કલાકમાં જ ૫.૫૧ લાખ મુસાફરો માટે ૨૩૭ લાખ ટિકિટો બુક થઈ હતી. આગામી સમયમાં કાઉન્ટરથી પણ રિઝર્વેશન બુકિંગ અને સામાન્ય ટિકિટનું બુકિંગ શરૂ થતાં જ લોકો ઉત્સુક બન્યા છે. આ મામલે રેલ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, બુકિંગમાં લોકોના ઉત્સાહના કારણે જણાય રહ્યું છે કે, થોડા સમયમાં રેલ સેવા સામાન્ય થઈ જશે. આ સેવાના કારણે લોકોને ફરજ પર જવા સરળતા રહેશે. આજથી મુસાફરી માટે ૧.૭ લાખ કોમન સર્વિસ સેન્ટર ખાતે બુકિંગ શરૂ થઈ ચૂકયું છે. ૨૦૦ માંથી ધીમે ધીમે ટ્રેનનો આંકડો વધારવામાં આવશે.