• વોર્ડ નં.8માં મેયર તમારે દ્વારે લોક દરબારમાં અલગ-અલગ શાખાઓને લગતા 59 સવાલો જનતાએ ઉઠાવ્યાં

શહેરીજનોએ સામાન્ય ફરિયાદ માટે કોર્પોરેશન કચેરી સુધી ધક્કો ન ખાવો પડે તે માટે મેયર તમારા દ્વારે અંતર્ગત લોક દરબાર યોજવામાં આવી રહ્યો છે. આજે વોર્ડ નં.8માં લોક દરબાર યોજાયો હતો. જેમાં અલગ-અલગ શાખાઓને લગતા 59 પ્રશ્ર્નો જનતા જર્નાદને રજૂ કર્યા હતા. લોક દરબારમાં ઉઠતા તમામ પ્રશ્ર્નોનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવશે. તેવી ખાતરી મેયર દ્વારા આપવામાં આવી છે.

મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટર અને વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભર, કોર્પોરેટર ડો.દર્શનાબેન પંડ્યા, પ્રીતીબેન દોશી, બીપીનભાઈ બેરા, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડીયા, નાયબ કમિશનર સી.કે.નંદાણી, સહાયક કમિશનર સમીર ધડુક, સીટી એન્જી. કુંતેશ મેતા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, એનક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, વોર્ડ એન્જી. ભાવેશ ધામેચા, રોશની વિભાગના ડેપ્યુટી એન્જી. રાજેશ જલુ, અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.8ના પ્રભારી સંજયભાઈ દવે, પ્રમુખ જયસુખભાઈ મારવિયા, મહામંત્રી દેવકરણ જોગરાણા, રાજુભાઈ ડેડાણીયા તથા વોર્ડ નં.8ના નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વોર્ડ નં.8માં યોજાયેલ “મેયર તમારા દ્વારે…” “લોક દરબાર” અમીન માર્ગ પર નિયમિત સફાઈ કામગીરી કરવા બાબત, અમીન માર્ગ પર ખુલ્લા પ્લોટમાં સફાઈ કરાવવા બાબત, વૈશાલીનગરમાં પીવાના પાણીમાં ગંદુ પાણી આવે છે, વૈશાલીનગરમાં આંગણવાડી બનાવવા બાબત, સ્વામિનારાયણ મંદિર પાછળના વિસ્તારમાં ગંદકી થાય છે સફાઈ કરવા બાબત, આમ્રપાલી વોકિંગ અંડર પાસમાં સઘન સફાઈ કરવા બાબત, રૈયા રોડ ઉપર ન્યુ એરા સ્કૂલથી નાગરિક બેન્ક સુધીના રોડ પર રેંકડીઓના દબાણને કાયમી દૂર કરવા બાબત, યોગી દર્શન સોસાયટીની બાજુમાં અનધિકૃત ઓરડીઓ દૂર કરવા બાબત, રાજહંસ સોસાયટીની શેરીઓમાં સ્પીડ બ્રેકર કરવા બાબત, રાજહંસ સોસાયટીના થાંભલા પર રહેલા બિનઉપયોગી વાયરો દૂર કરવા બાબત, એસબીઆઇ બેંક પાસે વરસાદી પાણીના નિકાલ માટે કાયમી સોલ્યુશન લાવવા બાબત, યોગી નિકેતન સોસાયટીમાં કોમન પ્લોટમાં પેવિંગ બ્લોક નાખવા બાબત, સ્વામિનારાયણ મંદિર પાછળના વિસ્તારમાં સફાઈ, વરસાદી પાણીના નિકાલ બાબત, પંચવટી સોસાયટીમાં સ્પીડ બ્રેકર નાખવા અને પીવાના પાણીમાં ગંદુ પાણી મિશ્ન થવા બાબત, નાગરિક બેંક પાસે સીટી બસ સ્ટોપ કરવા બાબત, નવજ્યોત પાર્કમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબત, અમીન માર્ગ પર હાઉસિંગ બોર્ડમાં કરેલ ગેરકાયદેસર દુકાનો દૂર કરવા બાબત, ન્યુ કોલેજવાડીની પાછળ ખુલ્લા પ્લોટમાં રહેલ બાંધકામ હટાવવા બાબત, બિગ બજાર પાસે ચંદ્રપાર્કમાં ટ્રાફિકની રજુઆત, નાલંદા સોસાયટીમાં જૈન દેરાસર પાસેના ખુલ્લા પ્લોટમાં ન્યુસન્સ થાય છે, પાણીના ફોર્સ ધીમો આવવા બાબત, રાજકૃતિ સોસાયટીમાં પેવિંગ બ્લોક નાખવા બાબત, વૈશાલીનગરમાં ગાર્ડન બનાવવા બાબત, ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રોડ રસ્તા બનાવવા બાબત વગેરે મુખ્ય બાબતોના પ્રશ્ર્નો અને રજુઆતો રજુ થયા હતા.

આવતીકાલે સવારે 09:00 થી 11:00 દરમ્યાન વોર્ડ નં.8માં વોર્ડ ઓફીસ વોર્ડ નં.8-અ, સોજીત્રાનગર પાણીના ટાંકા સામે, નિર્મળા કોન્વેન્ટ સ્કુલ પાછળ, નિર્મલા રોડ, રાજકોટ ખાતે મેયરશ્રી તમારા દ્વારે (લોક દરબાર) કાર્યક્રમ યોજાશે.

મેયરનો દરબાર એટલે નર્યું ડિંડક અને તુત: અતુલ રાજાણી

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાના મેયર દ્વારા વોર્ડ નંબર 1 થી 18 માં દરેક વોર્ડમાં મેયર તમારા દ્વારે (“લોક દરબાર”) પ્રજાકીય પ્રશ્ર્નોનો હકારાત્મક વલણ અપનાવી ઉકેલ લાવવાનો ઉમદા પ્રયાસ છે તેને અભિનંદન સાથે આવકારીએ છીએ પરંતુ ખાટલે મોટી ખોટની જેમ લોકોના આવેલ પ્રશ્ર્નોનો ઉલાળીયો કરવામાં આવે છે. આ લોક દરબાર એ ભાજપના મળતીયાનો મેળાવડો છે કારણ કે શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ માઈકનો હવાલો ભાજપના કાર્યકર્તાઓ પાસે જ વધુ રહે છે અને જે લોકો આવ્યા હોય તે ભ્રષ્ટાચાર કે અણ ઉકેલ પ્રશ્ર્નોની ફરિયાદો કરવામાં આવે તો તેવા લોકોની ફરિયાદો સાંભળવાને બદલે તેને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા બેસાડી દેવામાં આવે છે.

 મેયર દ્વારા શરૂ કરવામાં આવેલા વોર્ડ વાઇઝના લોક દરબારોએ નર્યું ડિંડક અને તુત છે.

લોક દરબાર એ ફક્ત નાટકનો એક ભાગ છે. શહેરમાં મેર દ્વારા 18 નાટકો ભજવવામાં આવશે જેમાંથી સાત નાટકો પૂરા થયા હોય અને આજે વોર્ડ નંબર આઠમાં આઠમું નાટક ભજવાશે. લોક દરબારનું નામ મેયરનો લોક દરબાર છે. મેયર પ્રજાના દ્વારે પરંતુ મેયરને બદલે ટેન્ડિંગ ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ અને સ્થાનિક કોર્પોરેટરો સમગ્ર દરબારનો હવાલો પોતાના હાથમાં લઇ જવાબો આપતા હોય કયા કાર્યકરોને બોલવા દેવા એ અગાઉથી નક્કી હોય તેવું જણાય છે.

રાજકોટની જનતાએ મેયરનું લોકોના વ્યાજબી સમસ્યાઓ પ્રત્યે અગાઉ લેખિતમાં મૌખિક ધ્યાન દોરવા છતાં આજદિન સુધી હકારાત્મક કે નકારાત્મક પ્રત્યુતર મળેલ નથી અને ભાંગેલા રસ્તા, ગટર, ગંદકી, સફાઈ, વરસાદી પાણીના નિકાલની સમસ્યા, ન્યુસન્સ પોઇન્ટ, દબાણો, મહાનગરપાલિકામાં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓના પ્રશ્ર્નો આજે પણ લટકતા રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયરને પોતાના શાસનકાળ દરમિયાન અત્યાર સુધીમાં મળેલી ફરિયાદોનો આંકડો અને કેટલી ફરિયાદનો નિકાલ કરેલ છે તેની વિગતો જાહેર કરવી જોઈએ કારણ કે કમિશનર અને મેયરને કરવામાં આવતી ફરિયાદો કચરાપેટીમાં સ્વાહા કરવામાં આવે છે.

અંતમાં સાગઠીયા અને રાજાણીએ જણાવ્યું હતું કે જો લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવી ન હોય તો આ પ્રકારના નાટકો શાસકો દ્વારા તાત્કાલિક બંધ કરવા જોઈએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.